કોઠી ધોયે કાદવ નીકળે
કહેનારે સરસ કહ્યું છે, જીવનમાં ક્યારેક સોનાની દાબડીમાંથી પથરા મળે છે તો ક્યારેક ફાટ્યાં-તૂટ્યાં ચીથરાંમાં કિંમતી રત્ન વીંટાળેલું મળી જતું હોય છે પરંતુ કોઠી ધોઈને તો કાદવ જ નીકળે. કોઈપણ વસ્તુમાં ઝાઝું ઊંડા ઊતરીએ તો કોઠી ધોઈને કાદવ કાઢવા જેવોજ ઉદ્યમ થાય છે. માટે નકામાં કામમાં વ્યર્થ મહેનત કરવી જોઈએ નહીં. કુપાત્ર માટે કરેલાં સારાં પ્રયત્ન સારું પરિણામ આપતા નથી માટે આ કહેવત અસ્તિત્વમાં આવી છે.
કોઠી એટલે અનાજ, પાણી, વગેરે જેમાં ભરી શકાય તેવું માટીનું પોલું, કાચું યા પકવેલું સાધન. પાણી ભરેલી કોઠીમાં કાદવ હમેશા તળિયે જ હોય. ઉપર તમને કાચ જેવું સ્વચ્છ પાણી જ દેખાય. જેમજેમ અંદર પ્રવેશ કરો તેમતેમ પાણી ડહોળાતું જાય અને છેલ્લા કાદવ જ મળે.
કોઠી ધોઈને કાદવ કાઢવાનું સ્થળ એટલે ગામની ચોકડી, ગામનો ચોરો, પાનનો ગલ્લો, પોળ, સોસાયટીનું નાકું કે મંદિરનો ઓટલો અને આજકાલ મીડિયા! જ્યાં પોઝિટિવ હોય ત્યાં નેગેટિવ હોયજ. છાશ વલોવીએ તો માખણ મળે પણ વાત વલોવીએ તો કશુંક અણગમતું જ મળે. ઘણાંને આદત હોય છે, કોઠી ધોઈને કાદવ કાઢવાની. આ ટેવ નકારાત્મકતા સૂચવે છે. ઘણાં તેનો પાશવી આનંદ પણ લે છે. આ મનુષ્યનો સ્વભાવ છે.
જ્યારે સમાજમાં સંબંધોના મૂળ ઊંડા જાય ત્યારે આ કહેવત સડો ઘાલે છે. કારણકે શરૂમાં વ્યક્તિની પોઝિટિવ બાજુ એટલેકે ગુણો દેખાય છે, પરંતુ જેમ તેની નજીક જાઓ તેમ તેની નેગેટિવ બાજુ એટલેકે દોષો દેખાવાનાં શરુ થાય, અને છેલ્લા કાદવ જ મળે. કારણકે વ્યક્તિ ક્યારેય સંપૂર્ણ હોતી નથી. ગુણ-દોષથી ભરપૂર હોય છે. નહિ તો દેવ ના થઈ જાય? અરે! દેવોમાં પણ દોષો હતાં. એક માત્ર ઈશ્વર સંપૂર્ણ છે. માનવ માત્ર અધૂરો! માટે કહેવત પડી છે, “ડુંગરા દૂરથી રળિયામણાં.” આકાશમાં હેલિકૉપ્ટરમાંથી નીચેના ડુંગરાઓ જોશો તો હરિયાળી દેખાશે. સપાટ મેદાન લાગશે. પરંતુ જો ત્યાંજ લેન્ડિંગ કરો તો ખાડા-ટેકરા નજરે પડશે. કોઠી ધોશો તો કાદવ તો નીકળશે જ. તો ભલા કોઠી ધોવાની જરૂર જ ક્યાં છે? ઉપર તરતું કાચ જેવું પાણી જુઓ. તેમાં રહેલી સારી વસ્તુને જાણો, માણો, શીખો અને વિકસો.
કોઈ વ્યક્તિની અંદર ઊતરવાની કે તેની જનમકુંડળી કાઢવાની જરૂર ક્યાં છે? આજકાલ લોકોને ગોસિપમાં આનંદ આવે છે. ખાસ તો, અભિનેતા માટે તેના અભિનયનું મહત્વ છે, નહિ કે તેનું નિજી જીવન. તેવી રીતે કોઈપણ પંથ કે ધર્મનાં વડાની વાણીમાંથી જ શીખવાનું છે. ઘણા કથાકાર, નેતા, અભિનેતાનાં જીવનના ચળકતા ભાગની બીજી બાજુ ખરબચડી હોય છે. આવા સમયે સારાસારનો ભેદ પારખીને, નીર-ક્ષીરનો વિવેક રાખીને, હંસવૃત્તિ રાખીએ તે જરૂરી છે. બધે જ સફાઈ શક્ય નથી કે બધે જ કાર્પેટ પાથરવી શક્ય નથી. જરૂર પડે ગંદકીથી બચવા જોડા પહેરવા પડે છે. વળી કુપાત્ર માટે કરેલાં સારા પ્રયત્ન સારું પરિણામ આપતા નથી. એ એનો રંગ બતાવીને જ રહે છે.
ધર્મની બાબતમાં પણ એવું જ છે. ધર્મમાં મહત્વ ઇતિહાસનું નથી, નીતિ અને આધ્યાત્મનું છે. ગીતાના તત્વજ્ઞાનને કૃષ્ણની ઐતિહાસિકતા સાથે સંબંધ નથી. રામની ઐતિહાસિકતા કરતાં રામાયણનો સંદેશ વધુ મહત્વનો છે. તેવું જ ઈસુનું છે. બાઇબલ ઈશ્વરકૃત મનાય છે. પરંતુ સેંકડો વર્ષોથી તેમાં સુધારા વધારા થતાં આવ્યાં છે. માટે જ ઘરડાં કહે છે, આપણે રોટલા સાથે નિસ્બત રાખવી, નહીં કે ટપટપ સાથે.
આજની વિકલ્પની દુનિયામાં કોઠી બદલતાં વાર નથી લાગતી. કોઠી ધોવાની જરૂર જ ના પડે. તળિયે પહોંચવાની તો વાત જ ક્યાં? કાદવ નીકળવાનો સવાલ જ ના રહે. જ્યાં સંબંધોની જડ મજબૂત ના હોય, સતત બદલાતું જીવન હોય, સંબંધો અને સરનામું જરૂરિયાત મુજબ બદલાતા જતા હોય ત્યાં વ્યક્તિની અંદર ઊતરવાની જરૂર જ ઊભી ના થાય. કાદવમાં ફસાયા કરતા કાદવમાંથી બહાર નીકળી જવું સારું.
ભારત બહારના દેશોમાં નોકરી, સરનામાં સતત બદલાતાં રહે છે. યુવા પેઢી સાથે પરિવારનાં સભ્યો પણ પરિવર્તન અપનાવીને ચાલે છે. વળી સમયનો અભાવ હોય. જેને કારણે કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, સંબંધ કે પરિસ્થિતિની નજીક આવીને ઊંડા ઊતરે તે પહેલાં બદલાવ આવે છે જેથી કાદવનો અનુભવ કે કોઈને મૂલવવાનો સમય જ નથી રહેતો. ઉન્નતિ અને વિકાસ માટે આગળ વધવા દરેક પ્રકારનાં પૂર્વગ્રહને છોડીને આજની પેઢી આગળ વધી રહી છે જે આવકાર્ય છે. બાકી કોઠી ધોયે કાદવ જ નીકળે એ હકીકત છે.