પહેલું સુખ તે જાતે નર્યા
દુઃખ વચ્ચે ઘેરાયેલો આધુનિક માનવ સુખની શોધમાં દોટ મૂકે તે સ્વાભાવિક છે ત્યારે આ કહેવત “પહેલું સુખ તે જાતે નર્યા” સ્વાભાવિક જ યાદ આવી જાય. આપણાં પૂર્વજોએ આ કહેવતનાં મૂળ શબ્દો આ પ્રમાણે કહ્યાં છે,
“પહેલું સુખ તે જાતે નર્યા, બીજું સુખ તે ઘેર દીકરા,
ત્રીજું સુખ તે કોઠી એ જાર, ચોથું સુખ તે ગુણવંતી નાર.”
ખૂબ જાણીતી કહેવત છે. સદીઓ પહેલાં અને આજે પણ તેમાં બદલાવ આવ્યો નથી કારણ કે દરેક પ્રકારનાં સુખનાં મૂળમાં તંદુરસ્તી રહેલી છે. જો શરીર દુરસ્ત હશે તો કોઇપણ પ્રકારનું દુઃખ હળવું બની જશે. આજકાલ નખમાં ય રોગ ન હોય તેવું કહેનાર આંગળીનાં વેઢે ગણાય તેટલાં હોય છે. તન સાથે મન અને ધનથી તંદુરસ્ત રહેવું જરૂરી બને છે.
આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો માનવશરીર, આત્માને રહેવા માટેનું ઘર છે. તેને શુદ્ધ રાખવું જરૂરી છે. સ્થૂળ શરીરની સાથે સૂક્ષ્મ શરીર સ્વસ્થ હોવું જોઈએ કારણ કે એમાં પ્રભુનો વાસ હોય છે. વળી માનવને ૫ શરીર હોય છે. પાંચે ય શરીર સ્વસ્થ હોવા જરૂરી છે તો જ વ્યક્તિ, ઇશ્વરિય શક્તિને શરીરમાં જાગ્રત કરીને સુખી રહી શકે છે.
આજની જિવાતી જિન્દગીમાં માણસ કામ અને જવાબદારીનાં બોજ તળે દબાયેલો હોય છે. ભલા તંદુરસ્તીનું ધ્યાન રાખવા તેની પાસે સમય જ ક્યાં હોય છે? સમયનો અભાવ અને નોકરીની અનિશ્ચિતતા તેને સુખનો રોટલો પણ ખાવા દેતી નથી. માનવ મશીનની જેમ હેલ્થ-ક્લબમાં જઈને કસરત કરે છે. સાઇકલમાંથી મોટર વસાવવા, એકમાંથી અનેક વસ્તુને વસાવી, કહેવાતી સમૃદ્ધિ હાંસિલ કરવા આખી જિન્દગી ભાગદોડ કરે છે અને જાત ઘસાય, બગડે ત્યારે સાઈકલ ચલાવી શરીર-સુખને પાછું મેળવવા પ્રયત્ન કરે છે.
પરંતુ મનની તંદુરસ્તીનું શું? માનસિક તણાવ, છૂટાછેડા, બાળકોનાં પ્રશ્નો અને પત્ની અને મા-બાપ સાથેનાં તાદાત્મ્યનો અભાવ રોજિંદા જીવનનાં પ્રશ્નો બની ગયા છે. આર્થિક રીતે મોંઘવારી ભરડો લે છે. માંડ બે છેડા ભેગાં થતાં હોય છે પરિણામે તેનું શરીર અસાધ્ય રોગોનું ઘર બને છે. જે શરીરે સુખી નથી તે જીવિત મડદું છે. મરેલું મડદું જેને સ્મશાનમાં બાળી કે કબરમાં દાટી દેવામાં આવે છે જ્યારે એક જીવિત મડદું પોતાની લાશ પોતે ઉપાડીને સમાજમાં ગંદકી અને સડો ફેલાવતું રહે છે. આજનું કામ કાલ પર ટાળી આજને સુસ્તીમાં વિતાવે છે. કાયરતા, આળસ અને પ્રમાદની દુર્ગંધથી સમાજનું સ્વાસ્થ્ય બગડે છે. અણગમતાં સ્મરણો અને વિચિત્ર પ્રત્યાઘાતને આપણે મનમાંથી બહાર ફંગોળી, આજને અજવાળી, હળવા થતાં શીખવું જોઈએ. આપણે દુઃખને ડીપ-ફ્રીઝમાં રાખીએ છીએ. દુઃખ લેવા જવું પડતું નથી પરંતુ સુખી થવા પ્રયત્ન કરવા જોઈએ.
બાળક, યુવાન કે વૃદ્ધ, હકારાત્મક બનીને, સત્સંગ કરીને, સારું વાંચન કરીને, યોગ્ય શોખ કેળવીને, કસરત કરીને, રજાઓનો સદ્ઉપયોગ કરીને, પરીવાર ભાવના વિકસાવીને, સુખની સાઇકલ સાચી દિશામાં ફેરવી શકે છે. સુખી બનીને જીવનને માણવું જોઈએ. નરવું શરીર, સુખ માટેની પહેલી જરૂરિઆત છે. સમસ્ત સુખનો આધાર વ્યક્તિનો ખોરાક, આચાર-વિચાર અને જીવનશૈલી પર નિર્ભર હોય છે. સુખની બાબતમાં માણસે સ્વાર્થી બનવું રહ્યું કારણકે જો બિમારી લાગુ પડશે તો કોઈ તમારી સામે જોશે નહીં.
“બીજું સુખ તે ઘેર દીકરા”. એ જમાનો હતો કે જેનાં ઘરે દીકરો જન્મે, પેંડા વહેંચાય. એ સુખી ગણાય. પરંતુ આજે ભારતમાં કે ભારત બહાર, મોટે ભાગે દીકરાનાં મા-બાપ સુખી નથી, દીકરીનાં મા-બાપ સુખી કહેવાય છે. જીવતા અને મરણ પછીની તમામ ક્રિયાકરમ, દીકરી કરતી થઈ ગઈ છે. કુળ ઉજાળે એનાં કરતાં કોખ ઉજાડે એવા દીકરા હોય છે. સમાજનું બંધારણ બદલાઈ ગયું છે. આજનાં સંદર્ભે આ કહેવત ખોટી પડી છે.
“ત્રીજું સુખ તે કોઠી એ જાર”. પહેલાંનાં જમાનામાં અનાજ ભરવા કોઠીઓ વપરાતી. જેનાં ઘરમાં જાર (એક પ્રકારનું અનાજ) કોઠીઓ ભરીને હોય તે સુખી કહેવાતો. આજકાલ ૧૨ મહિનાનું રેશન ભરનાર ગણ્યાંગાંઠ્યાં છે. કોઠાર ભર્યા હોય તેનાં કરતા રોજનું લાવીને ખાનારનાં જીવનમાં હાશ હોય છે.
“ચોથું સુખ તે ગુણવંતી નાર”, કુટુંબની આન અને શાનનો આધારસ્તંભ એટલે ગુણવંતી નાર. પરણીને સાસરે જતી સ્ત્રી, દૂધમાં સાકરની જેમ ભળી નથી જતી ત્યારે પરિવારની દશા ફાટી ગયેલા દૂધ જેવી થાય છે. રૂપાળી, ભણેલી કે આર્થિક રીતે સધ્ધર હોય પણ પતિ કે પરિવારને ક્યારેય સુખી કરી શકતી નથી તેવી સ્ત્રીને ગુણવંતી નાર કેવી રીતે કહેવાય? પરંતુ આ કળિયુગમાં પણ ઘણી સ્ત્રીઓ સ્વયં દીવડી બનીને તેનાં તેજથી સ્વર્ગને ઘરમાં લઈ આવે છે ત્યારે સોનામાં સુગંધ ભળી કહેવાય. ત્યારે સૌ બોલી ઊઠે, “ચોથું સુખ તે ગુણવંતી નાર”.
સુખનાં સરવાળા હોય, બાદબાકી નહીં. વળી સુખ સૌના નસીબમાં હોતું નથી. પરંતુ સંતોષ અને હકારાત્મકતા દરેક સુખનાં પાયામાં હોય છે. ગરીબ માણસ રોટલો-મરચું ખાઈને પણ રાત્રે શાંતિથી સૂઈ શકે છે. ગરીબ મા ભૂખી રહીને, પોતાનાં બાળકને ખવડાવીને સંતોષની ઊંઘ લઈ શકે છે. ત્યાં રોગનું પ્રમાણ પણ નહીંવત્ હોય છે. “ત્યાગીને ભોગવી જાણે” તેમજ અન્યને આપીને ખુશ થાય તે વ્યક્તિ માટે કસ્તુરી મૃગની જેમ સુખ ભીતરમાં જ હોય છે પરંતુ તે શોધે છે બહાર.
રોટલી તો ઘઉંની જ ખવાય. સૂવા માટે ૬x૩ની પથારી જોઈએ. મૃત્યુ બાદ ખુલ્લા હાથે જવાનું છે. સુખી થઈને સંતોષનાં સ્મિત સાથે જવું, તેના જેવી ફકીરી બીજે ક્યાંય નથી. આ તો છે સુખનું ગણિત!