બાંધી મુઠ્ઠી લાખની ખૂલી જાય તો ખાકની
માણસ જન્મે છે બંધ મુઠ્ઠીએ અને મરે છે ખુલ્લી મુઠ્ઠીએ. બંધ મુઠ્ઠીમાં ભાગ્યની રેખાઓ હોય છે. એક સરસ ગીત છે, “નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠીમેં ક્યા હૈ? મુઠ્ઠીમેં હૈ તકદીર હમારી, હમને કિસ્મત કો બસમેં કિયા હૈ.” બંધ મુઠ્ઠી એટલે છુપાયેલું નસીબ. મુઠ્ઠી ખૂલે ત્યારે જ તેમાં રહેલાં કંઈક રહસ્ય છતાં થાય છે. બંધ મુઠ્ઠી ખાલી પણ હોઈ શકે અને ભરેલી પણ. મુઠ્ઠી કોની છે તેના પર તેનો આધાર હોય છે.
માણસ પોતાની આખી જિંદગી બંધ મુઠ્ઠી રાખીને જ ફરતો હોય છે. ઊજળું એટલું દૂધ અને પીળું તેટલું સોનુ હોતું નથી. જમાનો ગીલેટનો છે. ધનવાન દેખાતો માણસ દેવામાં ડૂબેલો હોઈ શકે અને ઐશ્વર્યનો આંચળો ઓઢીને સુખી દેખાતો માણસ સમસ્યા વચ્ચે ઘેરાયેલો પણ હોઈ શકે. માણસ જેવો દેખાય છે તેવો હોતો નથી. એની બંધ મુઠ્ઠીમાં પોતાની દીનતા અને હીનતાને છુપાવે છે. તમામ દુઃખો, દુર્ગુણો અને નકારાત્મકતા તેની મુઠ્ઠીમાં બંધ હોય છે. મુઠ્ઠી જ્યાં સુધી બંધ હોય ત્યાં સુધી તેની કિંમત વધુ હોય છે. પરંતુ મુઠ્ઠી ખૂલતાં, એટલે કે ઘટના, બાબત કે વસ્તુ પરથી પડદો ઊંચકાતા તે ઉઘાડી પડી જાય છે, લોકોની નજરમાં આવી જાય છે. તેથી એ મૂલ્યવાન રહેતી નથી. જો કે તેનું મૂલ્ય જોનારની દ્રષ્ટિ પર અંકાય છે.
કેટલીકવાર એવું લાગે કે મુઠ્ઠી ખૂલે અને હાથની રેખાઓ કોઈ જોઈ જાય એના કરતા બંધ મુઠ્ઠી સારી. તીન પત્તીની રમતમાં બ્લાઈન્ડ ખેલનાર જીતતા હોય છે. એક સરસ જૂના જમાનાની વાર્તા છે. સાસુના મૃત્યુ પછી સસરાની જવાબદારી દીકરા-વહુ પર આવી ગઈ. સસરાની ગળતી ઉંમરે વહુ સસરાની કાળજી રાખે તે ખૂબ જરૂરી હતું. અનુભવી સસરાએ પલંગ પાસે તાળું મારીને એક પટારો રાખેલો. રોજ રાત્રે બારણું બંધ કરી પટારો ખોલી એક જ સોનામહોર અનેકવાર પછાડીને સો વખત ગણતરી કરતાં. બહાર દીકરા-વહુને થતું બાપા પાસે સો સોનામહોર છે. બસ, આ લાલચે તેમની સરભરા ખૂબ સરસ થતી. સમયાંતરે બાપા દેવલોક પામ્યા. પટારો ખૂલતાં માત્ર એક જ સોનામહોર નીકળી. આ વાર્તા સૂચવે છે, બાંધી મુઠ્ઠી લાખની ને ખૂલી જાય તો ખાકની. આ છે બંધ બારણાંની વાત.
વ્યક્તિ સમાજમાં સ્થાન મેળવવા નકલી ચહેરો બતાવે છે કારણ કે સમાજ સુખનો સાથી છે, દુઃખનો નહીં. સુખમાં મધપૂડા પર જેમ મધમાખીઓ ચોંટે તેવું સ્થાન તમારું હોય છે. જ્યારે દુઃખમાં સૌ દૂર થાય છે. મુઠ્ઠી ખોલે સ્વજનો આંગળીના વેઢે ગણાય તેટલા જ રહી જાય છે. કોઈની પાસે દિલ ખોલવાનો સમય હવે રહ્યો નથી. માણસ પોતાની ચિંતાઓથી ઘેરાયેલો રહે છે, પરિણામે પોતાની ચિતાનો ખડકલો પોતે જ ઊભો કરે છે અને આત્મહત્યાના કેસ વધતા જાય છે. સુખને વહેંચવાથી વધે છે તેમ દુઃખ વહેંચવાથી ઘટે છે તેવું જો વ્યક્તિ સમજશે તો બંધ મુઠ્ઠી ખોલવી પડશે.
પહેલાંનો જમાનો સોંઘારતનો હતો. છતાં માંડ બે ટંક રોટલા ભેગાં થતાં હોય તેવાં પરિવારો હતાં. આછી કમાણી, વ્યવહાર સાચવવાના, બહોળા કુટુંબની જવાબદારી, ત્રેવડ કરીને બચાવેલા પૈસા પણ વાર-તહેવારે સાફ થઈ જતાં અને વ્યાજ ભરીને લોકો જીવતાં. પેટે પાટા બાંધીને ઘરનાં વડીલ, પ્રસંગે બાંધી મુઠ્ઠી લાખની કરીને કુટુંબની આબરૂ જાળવતાં. ભલા, પોતાની જાંઘ કોઈ બીજા પાસે ખોલાય? ક્યારેક પરિવારના સભ્યો ચાર દીવાલોમાં ભૂખ્યા રહીને બહાર જઈને ઓડકાર ખાઈને આબરૂ જાળવતાં.
બંધ મુઠ્ઠી એટલે ભ્રમણા. જે સમગ્ર સંસારને ગતિમાન રાખવા માટેની જીવાદોરી છે. મુઠ્ઠી ખૂલી જાય અને સામેની વ્યક્તિ માટેની ભ્રમણાઓ તૂટી જાય ત્યારે સંબંધોના સમીકરણો બદલાઈ જાય છે. ભરમના વમળમાં ફસાયેલો માનવી જ સંસાર-સાગરને સારી રીતે તરી શકે છે. ભ્રમણાનો આંચળો ઓઢવો જરૂરી છે. સાંસારિક જીવન અને ભરમને શરીર અને પડછાયા, આગ અને ધુમાડા જેવો સંબંધ હોય છે, માટે જ કહેનારે કહ્યું છે, જિંદગીને પણ વાંસળી જેવી બનાવો. છેદ ગમે તેટલા કેમ ન હોય!! પણ અવાજ તો હંમેશા મધુર જ નીકળવો જોઈએ. ક્યારેક બંધ મુઠ્ઠી જરૂરી બની જાય છે.