મન હોય તો માળવે જવાય
ગુજરાત અને સૌરાષ્ટ્રથી માળવાનો પ્રદેશ ખૂબ દૂર છે. અગાઉના સમયમાં લાંબા પ્રવાસ માટેના સંસાધન ખાસ હતા નહીં. માટે વેપાર કે અન્ય અર્થે માળવા જવા માટે લોકો અપંગતા અનુભવતા હતા. પણ જેઓ ખરેખર સાહસિક વૃત્તિના હતા, એ લોકો માળવે જવા માટે કોઈને કોઈ માર્ગ શોધી જ લેતા હતા. આ પરથી આ કહેવતનો પ્રારંભ થયો હોવો જોઈએ.
મનથી બનેલો માણસ અને માણસને જવું છે માળવે! પણ આ મન છે શું? મનનો તાગ મળી જાય ને, એ માણસ માળવે તો શું, દુનિયાના કોઈ પણ છેડે જઈ શકે!
મન એટલે મતિ, મનસ્વિતા, મનોબળ. મનનું સ્વરૂપ અલૌકિક છે. તેનું ભૌતિક સ્વરૂપ હોતું નથી. તેની ગતિ ન્યારી છે, વાયુથી પણ વિશેષ! યોગશાસ્ત્રમાં મનને ચિત્ત કહેલ છે. બૌદ્ધ ધર્મ તેને છઠ્ઠી ઇન્દ્રિય કહે છે. યોગ દ્વારા તેને જાગૃત કરી શકાય છે. મનના ત્રણ મૂળભૂત કાર્ય હોય છે. વિચારવું, ઇચ્છા કરવી, અનુભવવું. મનની એકાગ્રતામાં વિલક્ષણ શક્તિ હોય છે. એકલવ્ય મનની એકાગ્રતાને કારણે ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો. આજનો માનવ સમુદ્ર કે આકાશને આંબી શક્યો છે પરંતુ તે એકમેકના મન સુધી પહોંચી શક્યો નથી.
કબીરજી કહે છે, “મન મરકટ મન ચાતુરી, મન રાજા મન રંક.” મન ચંચળ છે માટે તેને મરકટની ઉપમા આપવામાં આવી છે. જ્યાં વિચારોનું ઘોડાપૂર ચાલતું જ રહે છે. તેને કાબૂમાં રાખવું જોઇએ, નહીંતર મોટી હોનારત સર્જાઈ શકે. માનવ માટે માનસિક સ્થિરતા કરતાં જીવનમાં કંઈ જ અગત્યનું નથી. મન જો અસ્થિર થાય તો ગમે તેવો માણસ ઝીરો થઈ જાય છે. તે ધાર્યું કરી શકતો નથી.
માણસ મનથી વિકલાંગ થઈ શકે. મનને દિશા આપવા તેને કેળવવું રહ્યું. મનની સંવેદનશક્તિ, તેની જાગૃતતાનો આધાર તેની કલ્પનાશક્તિ પર છે. તેને સકારાત્મક બનાવવા માટે ફિલ્મ થ્રી ઈડિયટ્સનો “ઓલ ઈઝ વેલ” મંત્ર અપનાવવો જોઈએ. પોતાની જાતને પ્રેમ કરો, જાતમાં વિશ્વાસ કરો, જાતને માફ કરો અને પોઝિટિવ સજેશન્સ આપો જેનાથી હોર્મોનલ ચેઇન્જ આવે અને મન તમારું ગુલામ બને. જેથી તમે તેની પાસે ધાર્યું કામ કરાવી શકો. ઇચ્છાશક્તિ માણસને ધરાથી ગગન સુધી પહોંચવા સક્ષમ બનાવે છે. હિમાલય જેવી સમસ્યાઓ મક્કમ મનવાળી વ્યક્તિઓ ચમત્કારિક રીતે સુલઝાવે છે. હકારાત્મક મન આગળ ઈશ્વરને પણ ઝૂકવું પડે છે. નકારાત્મકતાની ઊધઈ માણસના મનને કોરી ખાઈને જીવનને ખોખલું બનાવી દે છે. કેન્સર જેવી બીમારી પણ મક્કમ મનોબળથી દૂર થાય છે.
મનને રવઈ સાથે સરખાવવામાં આવે છે. મનને મથે તે મન્મથ. એક વાર જો મન્મથનું વિચાર વલોણું ફરી વળે અને એ હકારાત્મક હોય તો સારું માખણ નીકળે. પરંતુ નકારાત્મક હોય તો તે વિષ બરાબર ગણાય. જેમ વલોણું દહીને મથી નાખે તેમ મન પણ બુદ્ધિ, આત્માને મથી નાખે છે. “મનઃ એવ મનુષ્યાણામ્કારણમ્બંધ મોક્ષયોઃ” મન તો મોક્ષે લઈ જનાર નાવડું છે. ક્યારેક એવું બને છે કે મન કહે, હું માળીએ બેસું અને કરમ કહે હું કોઠીમાં બેસું. કોઈ પણ રોગ આવતા પહેલા મનોમય શરીર બગડે છે. મન જે જે વિચારે છે તે તરંગોની અસર તે જ સમયે શરીર પર થવી શરૂ થાય છે. માટે શરીરમાં ગ્રંથિની ગાંઠો ના વળે તે માટે સજાગ રહેવું જોઈએ. આ માટે સત્સંગ, ઉપવાસ, મૌન, ધ્યાન વગેરે કરીને શરીરને અને મનને શુદ્ધ કરીને તમે અંતરાત્માનો અવાજ સાંભળી શકો છો. “મન દુરસ્ત તો તન દુરસ્ત.” માટે મનને ખાલી કરીને માંજતા શીખવું જોઈએ. યજુર્વેદમાં કહ્યું છે, “તન્મે મનઃ શિવસંકલ્પમસ્તુ” એટલે કે મારું મન શિવસંકલ્પ કરવાવાળું બની રહો.
મનુષ્યનું મન કાચ જેવું હોય છે. એક વખત તે તૂટી ગયું પછી સંધાતું નથી. મનનો પટારો પણ અતિ વિશાળ હોય છે. તેમાં ભૂતકાળની યાદ, ફરિયાદો, ભવિષ્યનાં સપના, લાગણીઓ ઢબૂરાઈને પડી હોય છે. તે અંદર રહીને મલકે છે તો ક્યારેક છલકાઈને રડે છે ! કોઈ હમસફર મળી જાય ત્યારે મનને ખોલવાનું મન થઈ આવે છે. મનનો મોરલો નાચી ઊઠે છે અને મનને માળવે જવાનું મન થાય છે. મનની મોસમમાં હંમેશા વસંત હોવી જોઈએ.
મોદીજીએ તેમની કવિતામાં કહ્યું છે…
મનડું મારું
મનમાં મારા દવ લાગ્યો છે, અંગ અંગમાં આગ,
સહરાની વચ્ચે હું શોધું, મઘમઘતો એ બાગ.
સુખીયાં જોયાં, દુખીયાં જોયાં, જોયા રોગી-ભોગી,
માયા જેણે છોડી, એની કાયા સદા નીરોગી.
રણઝણ રણઝણ તાર તાર પર, વણછોડયો રાગ,
મનને મારા સમજાવું છું ,જાગ હવે તું જાગ.
કંટકોને વીણી લીધા, ફૂલની જાજમ ઝીણી બિછાવી,
સુક્કી આ ધરતી પર દીધાં, મેઘધનુષને વાવી,
પરસેવાનું તિલક શોધતું મારું ભાગ્ય-લલાટ.