ઘર ફૂટે ઘર જાય
ઘર હોય કે સંસ્થા, પક્ષ હોય કે દેશ. જ્યાં અંદરોઅંદર મતભેદ હોય ત્યાં શત્રુઓ ફાવી જાય છે. જ્યારે કોઈપણ પ્રકારની નકારાત્મકતા, સડો કે કુસંપ પ્રવેશે ત્યારે ઘર ફૂટે છે, તૂટે છે એ હકીકત છે.
જ્યાં સ્વાર્થ હોય ત્યાં જતુ કરવાની ભાવના હોતી નથી. જ્યાં આદર્શ ભુલાતાં જાય ત્યાં કુસંપની નાની સરખી તિરાડ બધું તોડી ફોડીને અલગ કરી દે છે. ઘરનો ઉંબરો મર્યાદા સૂચવે છે. ઘરની વાત, ઉંબરા બહાર જાય એટલે લોકો માટે તમાશો થઈ જાય. લોકો તો તાકીને જ બેઠાં હોય છે. ઘરનાં સભ્યોની વગોવણી થાય છે. લોકો મીઠું-મરચું ઉમેરી વાતને વધારે છે. પરિણામે ઘર ફૂટે છે. આબરૂ જાય છે. વાતને દબાવીને, આંખ આડા કાન કરવાની ભાવના વડીલો તેમજ અન્ય લોકોએ અપનાવવી જોઈએ. કોઈની કાન ભંભેરણી કે ચઢામણીથી દૂર રહેવું જોઈએ. વિઘ્નસંતોષી લોકોને બીજાનાં ઘર તોડવામાં રસ હોય છે કારણકે કાચાં કાનનાં લોકોની સમાજમાં અછત હોતી નથી.
દ્વાપર યુગમાં બનેલી આ ઘટનાઓ “ઘર ફૂટે ઘર જાય” કહેવત માટેનાં સચોટ ઉદાહરણ છે. રાજા દશરથના પરિવારમાં મંથરા દાસીની ચઢામણી… પરિણામે માતા કૈકેયી દ્વારા રાજા દશરથ પાસે રામ માટે માંગવામાં આવેલો વનવાસ! શું દર્શાવે છે? અંતે રામના વિયોગમાં રાજા દશરથનું મૃત્યુ! રામ, સીતા, લક્ષ્મણ વનવાસ પૂરો કરીને દશેરાએ ધામધૂમથી અયોધ્યા પરત આવે છે. ત્યારે રામરાજ્યના એક ધોબીના કથનથી આદર્શ રાજા ગણાતા રામ તેમની સગર્ભા પત્નીનો ત્યાગ કરીને તેને વનમાં મોકલી દે છે! આખા રામાયણમાં આ જ જોવા મળ્યું છે. રામ પણ કંઈ કરી શક્યાં નથી!
વિભીષણ રાવણનો ભાઈ હતો પરંતુ ક્યારેય તેણે રાવણનાં અધાર્મિક કાર્યનું સમર્થન નહોતું કર્યું. અધર્મને છોડીને પણ વેઠવું પડે તે વેઠે પણ સત્યને ના છોડે તે ‘વિભીષણ વૃત્તિ’ કહેવાય. તેઓ રાજપરિવારનાં હતાં તે નાતે લંકાની પ્રજાનું હિત જોવાની જવાબદારી તેમની હતી. પ્રજાનું અહિત કરનાર રાજાને ઉથલાવી ધાર્મિક રાજા નિમવો તે તેમનું કર્તવ્ય હતું. પછી સામે પોતાનો ભાઈ કેમ ન હોય? રાવણે પોતાની વાસના સંતોષવા લંકાને દાવ પર લગાવી. વિભીષણ રાવણને રામ સામે યુદ્ધ કર્યા વગર સીતાને પાછી સોંપવા ઘણું સમજાવે છે. લંકાનો વિનાશ ના થાય તે માટે પણ સમજાવે છે પરંતુ રાવણ પોતાને મળેલ શાપને કારણે તેની સલાહ સ્વીકારતો નથી. પરિણામે વિભીષણ અસત્ય, અધર્મ અને અન્યાયનો માર્ગ ત્યજીને, પોતાના પરિવારને લંકામાં છોડીને રામના શરણે જાય છે. રામ વિભીષણ પાસેથી લંકાની પરિસ્થિતિનો તાગ મેળવે છે. યુદ્ધમાં વિભીષણના ઇશારે રાવણની અમૃત ભરેલી નાભિ ભેદી નાંખતા અહંકારી લંકેશ રણક્ષેત્રમાં ઢળી પડે છે. આમ રાવણ જેવા શક્તિશાળી અસુરનો નાશ તેના ભાઈને કારણે થાય છે. અહીં પણ “ઘર ફૂટે ઘર જાય” કહેવત સાબિત થાય છે. રામ-રાવણનાં જીવ સટોસટનાં સંગ્રામકાળે શત્રુપક્ષે ભળી જઈને પોતાનાં કુળસંહારનું કારણ બની રહેનાર વિભીષણ માટે કહેવાય કે ઘરનો ભેદી લંકા બાળે. જનમાનસ વિભીષણનાં આ કૃત્યને ક્યારેય માફ કરી શક્યું નથી. રાષ્ટ્રદ્રોહી અને ઘરનાં ભેદીના રૂપમાં જ લોકોએ તેમનું મૂલ્યાંકન કર્યું છે. આધુનિક દ્રષ્ટિ વિશ્વાસઘાતી રહી છે.
ઇતિહાસમાં તેમજ અનેક મનોવૈજ્ઞાનિકોએ વિભીષણની આ વૃત્તિની આલોચના અલગ અલગ રીતે કરી છે. કેટલાંકે વિભીષણને બંધુદ્રોહ, દેશદ્રોહ તેમ જ શત્રુભક્તિની પરંપરાનાં આદિપુરુષ તરીકે વર્ણવ્યા છે. વિભીષણ એક તટસ્થ રાક્ષસ હતો. વાલ્મિકી રામાયણમાં તે પહેલાં સત્યને અને પછી સંબંધને માને છે. સત્યનિષ્ઠ સજ્જનશક્તિનું કાવ્ય વિભીષણ દ્વારા પ્રગટ થાય છે. આમ વિભીષણ એટલે શત્રુપક્ષે રહેલાં સત્યને સ્વીકારવાનો જાગૃત જીવ!
ત્રેતાયુગમાં ગાંધારીનો ભાઈ શકુનિ, બદલો લેવા માટે દુર્યોધનને વિશ્વાસમાં લઈને મામા તરીકે પાસા ફેંકતો ગયો. કેટકેટલી ચાલ ચાલીને કૌરવકુળનાં સર્વનાશમાં ભાગીદાર બન્યો. આજકાલ સમાજમાં ઠેરઠેર મંથરા, શકુનિ જેવાં પાત્રો જોવા મળે છે. ઘરમાં કે રાજકારણમાં પક્ષનો કે પ્રજાનો દ્રોહ કરનાર માટે, ઘરની વ્યક્તિઓને બહાર વગોવનાર માટે આ કહેવત યોગ્ય છે. ભારતીય ઇતિહાસના પાયામાં જયચંદ જેવાં ગદ્દારોને કારણે જ બીજાંએ રાજ કર્યું છે.
આજે ઘરમાં,નોકરીમાં, સંસ્થા કે સમાજમાં પોતાની જ વ્યક્તિ દુશ્મન સાથે જઈને ભળે છે. જ્યારે પોતાનાં દગો દે છે, ત્યારે માનવનાં મનને પોલીઓનાં ટીપાની જરૂર પડે છે. નહીંતો શરીર ખોખલું થતાં વાર નથી લાગતી. પરિવારની ઇમારત કકડભૂસ થઈ જાય છે. સંસારમાં બે પક્ષે નાની મોટી દુશ્મનાવટ, વેરઝેર કે મનદુઃખ હોય છે તેવે વખતે સામે પક્ષે રહેલા સત્યનો સ્વીકાર અને સમાદર કરવો જોઈએ. જ્યાં પારિવારિક સંબંધોમાં પ્રેમભર્યો વહેવાર હોય, જ્યાં ઐક્ય જળવાઈ રહે ત્યાં આ કહેવત લાગુ ના પડે. “ઘર ફૂટે ઘર જાય” તેની એક માત્ર દવા આધ્યાત્મ છે. એ રક્ષાકવચ બનીને પરિસ્થિતિનો ન્યાય કરે છે અને ફૂટતા ઘરો બચે છે.