ઊંટનાં અઢારે વાંકા
શાળામાં શીખેલી કવિશ્રી દલપતરામની “ઊંટ કહે, આ સભામાં..,” કવિતા ઉપરથી “ઊંટના અઢારે વાંકા” કહેવતનો જન્મ થયો હતો. તેમાં પશુઓની વાત કરીને કેટલી ગહન વાત સહજ રીતે, સમજાવી હતી?
કવિતાના શબ્દો યાદ કરતાં, નજર સમક્ષ પ્રાણીસૃષ્ટિ ઊભી થઈ જાય છે. વાંકા માણસને વાંકું જ દેખાય એમ વાંકદેખાં ઊંટને ભરી સભામાં ભેંસના શિંગડા, બગલાની ડોક, પોપટની ચાંચ, કૂતરાની પૂંછડી, વારણની સૂંઢ, વાઘનાં નખ, બધું જ વાંકું દેખાય છે. ત્યારે છેલ્લે શિયાળ કહે છે, “અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે”. અહીં, “ઊંટના અઢાર વાંકા” કહેવતનું સર્જન થાય છે.
ઊંટ રણપ્રદેશનું વહાણ કે વાહન કહેવાય છે. એ ન ભૂલવું જોઈએ કે, તેના શરીરની રચના જ તેને રણ પ્રદેશમાં જીવિત રાખે છે. તેના પગ લાંબા હોવાથી તેનું શરીર જમીનની ગરમીથી ઘણું દૂર રહે છે. ડોક લાંબી હોવાથી મગજ પણ દૂર રહે છે. પીઠ પર ખૂંધ હોય છે, જેમાં શરીરની વધારાની ચરબી સંગ્રહ થાય છે જેને કારણે તે લાંબા સમય સુધી ખોરાક વગર રહી શકે છે. પગનાં તળિયા ગાદીવાળા હોવાથી તે રેતીમાં પણ ૬૦ કિ. મી.ની ઝડપે દોડી શકે છે. વળી તેની આંખ પરનાં પોપચાં અને કાન પરનાં વાળ, ગરમી, પવન અને ઊડતી રેતીથી તેનો બચાવ કરે છે. આમ ઈશ્વરે દરેકને જે અંગ આપ્યાં હોય છે તે દરેકની પાત્રતા અનુસાર હોય છે. જેનો સ્વીકાર કરવો જ રહ્યો.
આ કહેવતનાં બીજાં ઘણાં અર્થ છે. સ્વભાવે વાંકાપણું, દાધારિંગાપણું ધરાવનાર મૂર્ખ માણસથી કાંઈ સારું થાય નહીં અને સારું દેખાય નહીં. દરેક બાબતમાં વાંકું અને ઊલટું બોલનાર વ્યક્તિ ખુદ, દોષથી ભરપૂર હોય છે.
એક ટ્રક પાછળ લખ્યું હતું, “તું તારું કરને!” બીજામાં ખણખોદ કરીને અવગુણ શોધવા કેટલાં સહેલાં છે? બીજા તરફ એક આંગળી કરીએ ત્યારે બાકીની આંગળી આપણી તરફ હોય છે તે બાબતનું ધ્યાન રાખવું જોઈએ. આ કળિયુગમાં કહેવાતા 18 દોષો વગરની વ્યક્તિ શોધવી મુશ્કેલ કાર્ય છે.
દર્પણ ખોટું બોલી શકે છે પરંતુ જે વ્યક્તિ આંતરદ્રષ્ટિથી અંતરને નિહાળે તેને સત્ય જ મળશે કે માનવ ઊંટના અઢારથીય કેટલો વાંકો છે. બહારથી સારો દેખાતો માણસ અંદરથી કેટલો વાંકો હોય છે તે તેને પોતાને જ ખબર હોય છે. રાત્રે સૂતા પહેલાં દિવસ દરમ્યાન બનેલી ઘટનાઓને આંખ બંધ કરી અંદર ઊતરીને નિહાળીશું તો આપણને સમજાશે કે આપણે કેટલી ભૂલો કરી છે? ક્યાં ખોટા છીએ? વળી ભવિષ્યમાં એ ભૂલો સુધારવાનાં અભ્યાસથી આપણે વિકસી શકીએ છીએ. ઓડીટર બનો પણ પોતાની જાતનાં, બીજાનાં નહીં.
જ્યારે આપણે કોઈ અભિપ્રાય આપીએ છીએ ત્યારે સામેની વ્યક્તિના મગજમાં આપણી પણ એક ઇમેજ ઊભી થાય છે. આ આભાસી વિશ્વમાં વ્યક્તિ જે છે તેવી દેખાતી નથી, તો ભલા તેના માટે આપણો અભિપ્રાય શા માટે વેડફવો? વળી જ્યારે આપણે સ્વીકારક બનીએ છીએ ત્યારે બીજાઓ માટે જજમેન્ટલ બનવાની લાલચમાંથી મુક્ત થઈએ છીએ. તેથી જેમ જેમ ઈન્ટરોસ્પેક્શનથી વ્યક્તિ, પરિસ્થિતિ અને ચીજ વસ્તુઓ માટે જજમેન્ટલ બનવાનું ઓછું થતું જાય છે તેમતેમ જીવવાની મઝા આવે છે.
ધૂમકેતુએ કહ્યું છે, “મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડી, બીજાની દ્રષ્ટિથી જુએ તો અરધું જગત શાંત થઈ જાય”. સંતો કહે છે કે પોતાની ખામી અને બીજાની ઝીણામાં ઝીણી ખૂબી જોતાં અને જીરવતાં જેને આવડી જાય તેનો બેડો પાર સમજવો. જે સ્વદર્શન કરી શકે છે તેનું જ કલ્યાણ થાય છે.