આડે લાકડે આડો વહેર
આ ચરોતરી કહેવતનો અર્થ થાય, ખરાબ માણસો સાથે ખરાબ થવું. જેવા સાથે તેવા થઈને રહેવું. અંગ્રેજીમાં “Tit for Tat” વાક્ય જાણીતું છે. એટલે કે ઈંટનો જવાબ પથ્થરથી આપવો. રોગ કે શત્રુઓને ઊગતાં જ ડામવા, માટે “આડે લાકડે આડો વહેર”ની નીતિ અપનાવવી જ રહી. કઠિયારો જ્યારે જંગલમાં ઝાડ કાપે ત્યારે સીધા થડવાળું ઝાડ પહેલાં કાપશે કારણકે તેમાં સરળતા રહેશે. વાંકા થડવાળા વૃક્ષને વિચારીને કાપવું પડે. સમાજમાં પણ એવું છે. સંસાર સજ્જન અને દુર્જન માણસોથી ભરેલો છે. દરેકને એક લાકડીએ હાંકવાની વૃત્તિ ક્યારેક આત્મઘાતી નીવડી શકે છે.
વ્યવહારમાં ક્યારેક ક્ષમા તો ક્યારેક નમ્રતા જરૂરી બને છે. પરિસ્થિતિ પ્રમાણે વર્તવું જરૂરી બને છે. બર્નાર્ડ શો ગાંધીજીનાં મૃત્યુ પ્રસંગે બોલ્યાં હતાં “It’s dangerous to be too good”. વધુ પડતી ઉદારતા કે સૌજન્ય પણ નુકસાન નોતરે છે. સામ, દામ, દંડ, ભેદની નીતિથી માણસે વાકેફ રહેવું જોઈએ. જરૂર પડે ચાણક્યનીતિ અપનાવવી જરૂરી હોય છે.
અત્યાર સુધી હિન્દુસ્તાન, પાકિસ્તાન સાથે “ક્ષમા પરમો ધર્મ”ની રાહે વર્તતું હતું જેને દુનિયા કમજોરી ગણતી. પરંતુ ઊરીનાં બનાવ પછી સર્જીકલ સ્ટ્રાઈક અને બાલાકોટનાં બનાવ પછી એરસ્ટ્રાઈકના પગલે જે જડબાતોડ જવાબ આતંકવાદીઓને મોદીજીના નેજા હેઠળ આપવામાં આવ્યો તેનાથી સમગ્ર વિશ્વમાં હિન્દુસ્તાનનું નામ ગુંજતું થઈ ગયું. જેને કહી શકાય, “આડે લાકડે આડો વહેર”.
માણસે પ્રપંચતંત્રથી બચવા “પંચતંત્ર” પચાવવું જોઈએ. વાર્તા છે શિયાળ અને બગલાની. બન્ને વચ્ચે નદી કિનારે દોસ્તી થઈ. તેની ઉજવણીરૂપે શિયાળ બગલા માટે ખીર બનાવી લાવ્યું. તાસકમાં ખીર પીરસીને બગલાને ખાવા માટે કહ્યું. બગલાને ખીર ખૂબ ભાવતી. તે ખાવા ગયો, પણ તાસક છીછરી હતી અને બગલાની ચાંચ સીધી અને અણીદાર. એ ખીર ખાઈ શક્યો નહીં. લુચ્ચું શિયાળ મનમાં મલકાયું. બગલો મનમાં સમસમી ગયો પણ મોઢું હસતું રાખીને કહ્યું, વાહ શિયાળભાઈ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે! એની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું. હવે કાલે હું તમારા માટે બાસુંદી બનાવીશ. શિયાળ તો ખુશ થઈ ગયું. બીજે દિવસે બગલાએ શિયાળને કૂંજામાં બાસુંદી પીરસી. બગલો કુંજામાં ચાંચ બોળીને બાસુંદી ખાતો પરંતુ શિયાળ ન ખાઈ શક્યો. તે બગલાની યુક્તિ સમજી ગયો અને ઢીલો થઈને બોલ્યો, બાસુંદીની સુગંધથી જ મારું પેટ ભરાઈ ગયું. તે વીલે મોઢે જતો રહ્યો. બગલો મનમાં બોલ્યો, શિયાળભાઈ, “આડે લાકડે આડો વહેર” કરીએ તો જ તમારા જેવા સાથે રહેવાય.
ક્યારેક નમવું તે જરૂરી બને છે. કારણકે નમે તો સૌને ગમે. પરંતુ શત્રુ અતિ સમર્થ હોય તો કૃષ્ણ જેવી કૂટનીતિ જ અપનાવવી રહી. સમોવડીયા સાથે તો પરાક્રમ દ્વારા જ વિજય પ્રાપ્ત કરવો જોઈએ. ગાંધીગીરી ના ચાલે.
વાત કરીએ સંતની. સ્ટેજ પર એક સંતનું એક વ્યક્તિએ સતત અપમાન કર્યું. સંતે તેમની વરાળ ઠાલવવા દીધી. અંતે કહ્યું, એમને જમાડીને મોકલજો. પ્રતિકૂળ પરિસ્થિતિમાં સાનુકૂળ પ્રતિભાવ એ આનું નામ. તમે તમને કરેલા અપમાનને કેવી રીતે હેન્ડલ કરી શકો છો એ તમારો માપદંડ છે. સંત એકનાથ ગોદાવરી નદીમાં સ્નાન કરીને પાછાં જતાં હતાં. એક દુષ્ટે તેના ઘરમાંથી તેમના પર કોગળો કરીને ગંદું પાણી ફેંક્યું. એકનાથ પાછાં નદીમાં સ્નાન કરવા ગયા. ફરી આ જ ક્રિયા દુષ્ટે કરી. આમ ૧૦૮ વખત બન્યું. અંતે તે સંતના પગમાં પડ્યો. માફી માંગી. જવાબમાં હસીને સંતે કહ્યું, ભાઈ, તારે પસ્તાવાની જરૂર નથી. તારે લીધે મને 108 વાર સ્નાનનું પુણ્ય મળ્યું છે. સંત ક્યારેય દુષ્ટ ના બની શકે. ભારતનો ભૂતકાળ આવા અનેક સંતોની કરણીથી છલકાય છે. જેમાં ડૂબો તો જ્ઞાનની મ્હેંક મળે!
આ કહેવત જીવનઘડતર માટે પાયારૂપ છે. વ્યક્તિએ વ્યક્તિએ વ્યવહાર બદલવો પડે છે. સમાજમાં ગ્રાહકો સાથેના વ્યવહારમાં આવો અભિગમ હિતાવહ છે. વારંવાર અકારણ નુકસાન પહોંચાડતી વ્યક્તિ માટે ક્યારેક મૌન પણ ધારદાર હથિયાર બની જતું હોય છે. બાકી તો “આડે લાકડે આડો વહેર” જરૂરી બની જાય છે.
એમ કહેવાય છે કે સુખી થવું હોય તો જેની સાથે જીવવાની ઇચ્છા હોય તેની સામે જીતવાનું માંડી વાળવું જોઈએ. પરિવારમાં પ્રેમ અને એડજસ્ટમેન્ટ એ માત્ર એવું હથિયાર છે, જેની કોઈ ધાર નથી. સામેનો ઘાયલ ના થાય છતાં બે વ્યક્તિ વચ્ચેનું અંતર ઘટે. એટલે સુધી કે, પતિ-પત્ની એકબીજાની ભૂલો ઢાંકીને, મતભેદ ટાળવા એકબીજાનાં ડિપાર્ટમેન્ટમાં ઝાંખવાનું ટાળે. કુટુંબનાં સભ્યો ના ભાવતું ખાઈ લે, ના પીવાનું ગળી પીવે, આંખ આડા કાન કરે અને આ રીતે જેવા સાથે તેવા થઈને રહે. મારું-તારું માંથી અમારું કરતાં શીખી જાય.
સારા સાથે સારા બનવું પરંતુ ખરાબ સાથે ખરાબ નહીં. કારણ કે ગંદકી, પાણીથી સાફ થાય છે. ગંદકી, ગંદકીથી સાફ થતી નથી. બદલાતાં સમય પ્રમાણે સમસ્યાનાં નિરાકરણ માટે પરંપરાગત દ્રષ્ટિકોણને બદલે વિવેક વાપરીને આધુનિક અભિગમ અપનાવવો જ રહ્યો.