આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય
આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય. વાત સાવ સાચી છે, સ્વર્ગે જવું હોય, તો ખુદને મરવું પડે. તે વિના સ્વર્ગે ના જવાય. પરંતુ જે મરે છે તે બધાં જ સ્વર્ગે જતાં નથી. સ્વર્ગે જવાં માટે ઘણું બધું કરવું પડે છે.
ગોવર્ધનરામ ત્રિપાઠીએ સુંદર કહ્યું છે, “સુખી હું તેથી કોને શું? દુઃખી હું તેથી કોને શું?” મારે જ મારી કેડી નક્કી કરવાની છે. મારો જીવનમંત્ર મારે જ નક્કી કરવાનો છે. નર્મદે કહ્યું કે, “સહુ ચલો જીતવા જંગ, બ્યુગલો વાગે, યા હોમ કરીને પડો, ફત્તેહ છે આગે”. ફત્તેહ મેળવવા યા હોમ કરીને પડવું પડે છે ત્યારે જંગ જીતાય છે. જિંદગી એવું ગણિત છે જ્યાં દરેક દાખલાનો જવાબ અલગ હોય છે. તેના માટે સંઘર્ષ જરૂરી છે. સંઘર્ષની સાથે ભૂલો પણ થાય. ઓશોએ કહ્યું છે, “Many people do not want to make a mistake, and that is the mistake”. શિખામણમાંથી રસ્તા કદાચ મળતાં હશે પણ દિશાઓ તો ભૂલો કરવાથી જ મળે છે. આપણી જિંદગીની સ્ક્રીપ્ટ આપણે જ લખવાની છે. કોચલુ તૂટે ત્યારે સમૃદ્ધ બનાવે છે. તમારી પાસે તમારું આકાશ છે પરંતુ ઊડવા માટે તો પોતાની પાંખો અને પ્રયત્ન જોઈએ. પોતાનાં સિધ્ધાંતો અને પોતાની દ્રષ્ટિ જોઈએ. પાંખો હોય પણ ઊડવાનો પ્રયત્ન ના કરો, આંખો હોય પણ દ્રષ્ટિ ના હોય તો તમારું નસીબ તમને સાથ નથી આપતું.
ચંદન ઘસાઇને સુગંધ આપે છે, ફૂલ છૂંદાઇને અત્તર બને છે, સોનું ટીપાઇને અલંકાર બને છે. સુગંધ આપવા માટે ધૂપસળીને સળગવું પડે છે. વૃક્ષ બનવા બીજને ધરતીમાં ધરબાવું પડે છે. બાળપણમાં શીખેલી ભોગીલાલ ગાંધીની લખેલી રચનાનાં શબ્દો ઘૂંટાય છે,
“તું તારા દિલનો દીવો થાને! ઓરે! ઓરે! ઓ ભાયા!
રખે કદી તું ઉછીનાં લેતો પારકાં તેજને છાયા,
એ રે ઉછીનાં ખૂટી જશે ને ઊડી જશે પડછાયા!”
આ ખોળિયાને સ્વયં પ્રકાશિત કોડિયું બનાવો કારણકે “પારકી આસ સદા નિરાશ”. પારકું લીધેલું તેજ ભલા ક્યાં સુધી તમને અજવાળશે? ખુદનું તેજ હશે તો આપણો પડછાયો આપણાથી દૂર રહેવાનો છે. બીજા પર આધાર રાખનાર ક્યારેય પ્રગટી નથી શકતો. તે માત્ર બીજાના હાથની કઠપૂતળી બનીને રહી જાય છે. ઉછીનાં લીધેલાં તેજથી આભાસી અજવાળા પથરાય છે. પગભર થવાની વાત છે. માટે આતમનાં દિવાને પ્રગટવું જ રહ્યું. આંતરદ્રષ્ટિથી ખુદને નિહાળો. અંદર ધરબાયેલી શક્તિને બહાર કાઢો. આપણી ભીતર જ તેલ-દિવેટ છૂપાયાં છે. આ પ્રકાશ અન્યની કેડીને પણ ઉજાળશે અને એ આનંદ સ્વર્ગ મળ્યાં જેટલો હશે. બળીને જે પ્રગટ થાય છે તેને રાખ થવું પડતું નથી. હાલની ગળાકાપ હરીફાઇની દુનિયામાં પોતાનું સ્થાન જમાવવા જાત ઘસીને ચમક લાવવી જરૂરી બને છે. અનિલ ચાવડા તેમના કાવ્યમાં કહે છે,
“સૌની ભીતર પડ્યો હોય છે, એક ચમકતો હીરો,
ચલો શોધીએ ભીતર જઈને ખુદની તેજ-લકીરો;
ભીતર ભર્યું જ છે અજવાળું, ના ઝળહળીએ કેમ?
આ વખતે તો સ્વયં પ્રગટીએ ચલો દીવાની જેમ.”
મિત્રો, શું આપણે આ કહેવતને સાચી ઠેરવવા દીપશિખાની ઝળહળતી જ્યોત ના બની શકીએ? જીવન, અનંતની યાત્રા છે. તો શેષ જીવનની કેડીએ પ્રકાશ પાથરીએ અને આપણે સૌ પોતાની જાતને ધરબીને સ્વયં પ્રકાશિત દીવડો બનવાનો સંકલ્પ કરીએ અને કહીએ, “કર લો સ્વર્ગ મુઠ્ઠીમેં” કારણકે “આપ મૂઆ વગર સ્વર્ગે ના જવાય”.