હાથીના ચાવવાના જુદા અને બતાવવાના જુદા
આ કહેવતનો ઉપયોગ દરેકે કર્યો જ હશે. અર્થ ખૂબ જ ગહન છે. વળી હાથીના દાંત કોઈકે જ જોયા હશે. હા, જે દાંત બહાર હોય જેને હાથીદાંત કહીએ છીએ, તે તો સૌએ જોયા હશે જ. પરંતુ ચાવવાના દાંત તો હાથી મોઢું ખોલે અને તમે તેની નજીક હોય તો જ તેની દંતમાળા જોઈ શકો. એ તો ભાગ્યે જ કોઈએ અથવા તો તેના મહાવતે કે જે તેની સંભાળ રાખતો હોય તેણે જ જોયા હોય.
હાથી શક્તિશાળી, કદાવર પ્રાણી કહેવાય. ચાલે તો ધરતી ધમ ધમ થાય. “હાથીભાઈ તો જાડા…” બાળ કવિતા સૌમાં લોકપ્રિય છે. હાથી પાસે નાના મચ્છર, જીવજંતુ કે પ્રાણીઓની કોઈ તાકાત નથી હોતી. પરંતુ જ્યારે નાનો મચ્છર હાથીના કાનમાં ઘૂસી જાય કે કોઈ તણખલું કદાવર હાથીની આંખમાં પડે તો ભારે જોવા જેવું થાય છે. મદમસ્ત હાથીનો મદ ચકનાચૂર થઈ જાય છે. પણ હિંદુ ધર્મમાં ગણેશજીની યાદ અપાવતું આ વિશાળકાય પ્રાણી પૂજનીય બન્યું છે. તેના કિંમતી હાથીદાંતની માંગને લીધે અને જંગલોમાં લાકડાની હેરાફેરી માટે હાથી કિંમતી છે. તેમાં કોઈ બે મત નથી. માનવની દશા અને હાથીમાં ખૂબ જ સામ્યતા જોવા મળે છે. માટે આ કહેવત વિષે લખવાનું મન થઈ આવ્યું કે જે બોલચાલમાં લોકપ્રિય છે.
“દિલ કો દેખો, ચહેરા ન દેખો, ચહેરેને લાખોકો લૂંટા, દિલ સચ્ચા ઓર ચહેરા જૂઠા”. દિલ અંદર હોય છે, ચહેરો બહાર. દિલને પારખવાની તાકાત માત્ર ઈશ્વરમાં હોય છે. જેમ હાથીના અંદરના દાંતનું છે. ચહેરો માનવના બાહ્ય રૂપનો અરીસો છે, જેને ફેસિયલ કરીને માણસ ચમકાવવા પ્રયત્ન કરે છે. બહારના બે હાથીદાંત ખૂબ જ કિંમતી હોય છે. માનવ આ ચહેરો જોઈને ફસાય છે. સંબંધ બાંધી બેસે છે. બહારના દાંત જોઈને દોસ્તી બાંધીને અંદરના દાંત જોવા મોઢું ખોલવાની રાહ જોઈને નજીક જાય છે ત્યારે દુર્ગંધ, લાળ એટલે કે અસલી ગુણોના દર્શન થાય છે. પરિણામે ઘૃણા, નફરત, ટકરાવ અને વર્ષોના સંબંધો જે પ્લસ-માઇનસ કરીને જાળવ્યા હોય, તે ચકનાચૂર થઈ જાય છે. બહારથી દેખાતી મિત્રતા, નાના અમથા કારણસર સ્ફોટક થઈને તૂટી જાય છે. બધી કડવાશ જે શરૂઆતથી સંગ્રહાયેલી હોય તે સામટી બહાર આવે છે. પરિવાર, પડોશી કે મિત્રો વચ્ચે આવું સામાન્ય રીતે બનતું હોય છે. પડદા પાછળની, બાહ્ય દેખાવ પાછળની વાસ્તવિકતાનું ભાન થાય છે ત્યારે પારાવાર પસ્તાવો થાય છે. આવે સમયે સામેની વ્યક્તિમાં રહેલાં સારા ગુણો જોઈને ખરાબ ગુણ તરફ આંખ આડા કાન કરીએ તો જ સંબંધ ટકે છે.
હાથીના દાંત બતાવવા એટલે છેતરવું. કહે તેનાથી જુદું કરવું. કહેવું એક અને કરવું બીજું એટલેકે દગો કરવો. આપણી આસપાસ જ એવી વ્યક્તિઓ હોય છે જે જાણે અજાણે બોલે છે એ કરતાં નથી અને જે કરે છે તે બોલતા નથી. પોલિટિશિયન માટે તો આ સદીઓથી ચાલ્યું આવે છે. તે ઉપરાંત ધર્મગુરુઓ પણ આ રીતે વર્તે છે. ફિલ્મમાં જોવા મળે છે કે ધર્મગુરુઓ ભગવા પહેરી ભક્તોની અંધશ્રદ્ધાનો લાભ લઈ, બહાર ચમત્કાર કરે અને અંદર રંગરેલિયા મનાવે. સમય પ્રમાણે દાંત બતાવે એ માણસની પ્રકૃતિ બની જાય છે.
બહારના દાંતની ઝાકમઝાળથી અંદર જઈને સામેની વ્યક્તિની નજીક જાય ત્યારે તેની અસલિયત છતી થાય છે. બહારનો આંચળો, મુખવટો હટી જાય છે ત્યારે બીજા દાંતના એટલે કે અસલી રૂપના દર્શન થાય છે. બાકી ચહેરા પર મહોરું કે બે પ્રકારના દાંત રાખવા અને ક્યારે શું બતાવવું એ વ્યક્તિના વ્યક્તિત્વ પર આધાર રાખે છે. પરંતુ એક વાત નક્કી છે કે આ પ્રકારની પ્રતિભાથી કોઈપણ વ્યક્તિ બાકાત રહી શકતી નથી કારણ કે આખરે તો એ માનવ છે ને? માટે તેના વિચાર, વાણી અને વર્તનમાં આભ-જમીનનું અંતર હોય છે. હા, સત્સંગથી કે સજાગ રહેવાથી સુધારો થઈ શકે છે. આધ્યાત્મિકતા પોતાનામાં સુધારો કરીને, સ્વયં પરિવર્તિત થઈને બીજાને માફ કરી શકે છે. બીજાનો દ્રષ્ટિબિંદુ સમજી શકે છે અથવા તો આંખ આડા કાન કરી શકે છે. સમાજમાં સાથે રહેવા સરળતા, સહજતા અને સમતા કેળવવી જરૂરી છે. સૌથી સારી વાત તો એ છે કે રસ્તે ચાલતા હાથી જેવા મહાકાય, મદમસ્ત પ્રાણીથી દૂર રહેવું સારું. પ્રણામ કરીને બહારના દાંત જોવા. અંદરના દાંત જોવા કે ગણવા પ્રયત્ન ના કરવો અને આગળ વધવું.
કળિયુગની વાસ્તવિકતા અને આ કહેવત સમજાવતી આ ગીતની પંક્તિ વિચાર માંગી લે છે, “કિતને અજીબ રિશ્તે હૈ યહાં પે. દો પલ મિલતે હૈ, સાથ સાથ ચલતે હૈ. જબ મોડ આયે તો બચકે નિકલતે હૈ…!”