“આ લો આ સામાનનું લિસ્ટ. એક પણ વસ્તુ ભુલાય નહિ.” મંજુએ હાથમાં થેલી પકડાવી.
“વટાણા લખ્યા નથી આમાં. લાવવાના છે ને?” આદતવશ મારાથી પૂછાઈ ગયું. મંજુની સૂકી ભઠ આંખોમાં લીલા વટાણાની નાની શી કૂંપળ ઊગતી દેખાઈ મને. એની તાજગી મને વીંટળાઈ વળે એ પહેલાં જ હું ત્યાંથી નીકળી ગયો. જેવો ચપ્પલમાં પગ નાંખ્યો, નાનો એવો પથ્થર અંગુઠા પાછળ ખૂંપી ગયો. નીચે વળી એ પથ્થર કાળજીથી કાઢ્યો તોય પેલા વટાણા જેમ અંદર સુધી ઘસરકો પાડતો ગયો. ઘડી ભર તો થયું, મૂક સામાન પડતો. ક્યાંય જવું નથી. પણ ઘેર રહીને મંજુના અકથ્ય સવાલો જીરવવા એના કરતાં બહાર જવું બહેતર એમ વિચારી ચપ્પલ ઘસડતો હું બહાર નીકળ્યો.
બહાર આવીને મેં રીક્ષા રોકી.
“પીરછલ્લા લઈ લે.” રિક્ષામાં બેસતાં વેંત મને કોર્નરમાં પડેલું પર્સ દેખાયું. મેં તરત રિક્ષાવાળાનું ધ્યાન દોર્યું.
“ ભાઈ, ઘડીક ઊભો રહે. આ જો અહીં કોઈનું પર્સ પડ્યું છે. પહેલાં એ લઈ લે.”
“તમે જ લઈને આપી દો ને કાકા. આ તમારી પહેલાં એક ભાઈને ઉતાર્યા, એ જ ભૂલી ગયા લાગે છે.” એણે રીક્ષા ચાલુ કરતાં કહ્યું.
“ તું ઉતરીને આનો હવાલો લઈ લે ભાઈ. હું તો એને અડીશ નહિ.”
“ તમેય શું કાકા? કાઈ બૉમ્બ નહિ હોય એમાં!”
“ આજકાલ આવી નધણીયાતી વસ્તુનો ભરોસો જ થાય એમ નથી. હજી ગઈ કાલે ક્રાઈમ પેટ્રોલમાં એક એપિસોડ આવ્યો હતો. એમાં આવી જ રીતે….”
“ કાકા, આખો દિવસ એ જ જોતાં લાગો છો તમે! જરા જોઉં તો.” કહેતો એ ઉતરીને પાછળ આવ્યો ને પર્સ ફંફોસવા લાગ્યો. “ અરે આ તો એ જ. મેં હમણાં જ એમને ઉતાર્યા. આ એનું ડ્રાયવિંગ લાયસન્સ રહ્યું. પૈસા ય ખાસ્સા છે આમાં તો. તમને ઉતારીને હું આ પર્સ પહોંચાડી આવીશ.”
“ તે તને ખબર છે એ ક્યાં રહે છે?”
“તમારા ઘરથી થોડે દૂર જ ઉતર્યા એ. એમણે ઘર પાસે જ રીક્ષા ઊભી રખાવી હતી. એટલે મને ખબર છે.”
“ઠીક છે. ચાલ હવે. ઉતાવળ કર.” કમને સામાન લેવા જતો હતો એમાં આ અડચણ આવી. પગમાં ખૂંચેલો પથ્થર પણ પીડા આપતો હતો. ચપ્પલ કાઢીને જોવા ગયો ત્યાં નીચે પડેલી એક ચબરખી પર ધ્યાન ગયુ. થયું, પેલા પર્સમાંથી જ પડી હોવી જોઈએ.
“અરે આ કોઈક ચિઠ્ઠી જેવું પડ્યું આ પર્સમાંથી. જો તો જરા.”
“કાકા, ફરી રીક્ષા રોકું? તમને મોડું નથી થતું?” પેલા એ ચિડાઈને જવાબ આપ્યો.
“એ બહુ સારું. હું જ જોઈ લઉં છું.” મેં વાંકા વળી એ ચોળાઈ ગયેલી ચિઠ્ઠી ઉપાડી.
“ આ લે. મૂકી દે આને ય.”
“કાકા, જરા જુઓ ને. કયાંક એડ્રેસ કે એવું લખેલું હોય તો. સીધો પર્સના માલિકના હાથમાં જ પર્સ પહોંચાડી આવું. ”
મનોમન અકળાતા મેં પેલી ચબરખી ખોલી. જેમ જેમ વાંચતો ગયો એમ એમ મંજુની આંખોની એ લીલાશ મારા પર હાવી થતી ગઈ. કંઈ કેટલીય યાદો, નાના મોટા ઘણાય પ્રસંગો વીણાના તાર માફક ઝંકૃત થઈ ઊઠ્યા. સજ્જડ બંધ કરેલું મનનું એ બારણું એક જ થપાટે ઊઘડી ગયું.
“ ભાઈ, તું પહેલાં આ ભાઈને જ્યાં ઉતાર્યા હતા ત્યાં જ લઈ લે. એમને પર્સ આપી આવીએ.” અધીરાઈએ ડેરો જમાવ્યો મન પર.
“ અચાનક શું થયું કાકા?”
“તું ભાડાની ચિંતા ન કર. જેટલું થશે એટલું હું આપી દઈશ. જલ્દી કર.”
“તમે ય ગજબ છો હો કાકા. પહેલાં પર્સને અડવાની ય ના પાડતા હતા ને હવે? કેમ બોલ્યા નહિ? કાકા, તબિયત તો ઠીક છે?”
“અરે હા ભાઈ. મારી તબિયતને પથરા ય નથી પડવાના. તું તારે રીક્ષા હાંક ને!”
“લો કાકા. આવી ગયું. આ શેરીમાં પહેલું જ ઘર. તમે બેસો હું હમણાં આવ્યો.”
“ મને આપ પર્સ. હું જ જાઉં છું. લાયસન્સમાં શું નામ લખ્યું છે?”
“ જયેશ પટેલ. કાકા, હું આવું સાથે?”
“ પહેલું જ ઘર ને? હું આવ્યો હમણાં.”
ત્રણ ચાર વાર જોરથી બારણું ખાખડાવ્યું મેં. કોઈ સ્ત્રી એ દરવાજો ખોલ્યો.
“ કોનું કામ છે?”
“જયેશભાઇ પટેલ અહીં રહે છે?”
“હા. તમે?”
“જરા બોલાવશો એમને?”
“હમણાં જ બોલાવી આવું. તમે અંદર આવો ને.”
“ તમે જયેશભાઈને બોલાવો ને. હું અહીં જ ઊભો છું.” દસેક સેકન્ડ માંડ વીતી હશે ત્યાં ત્રીસેક વર્ષના એક ભાઈ બારણે દેખાયા
“હા બોલો. હું જ જયેશ.”
“આ તમારું પર્સ છે? તમે રિક્ષામાં જ ભૂલી ગયા હતા.” મેં પર્સ એમને દેખાડ્યું. ખુશ થઈને એણે પર્સ હાથમાં લીધું.
“ અરે હા. મને યાદ જ નહોતું આવતું કે ક્યાં પડી ગયું! થેન્ક યુ સો મચ. મને તો થયું બે હજારનો ચૂનો લાગ્યો આજે. .અરે, તમે કેમ બહાર ઊભા છો? પ્લીઝ અંદર આવો ને. રમા… પાણી લાવજે.” એણે સહેજ ખસીને મને અંદર આવવા કહ્યું.
“ બહાર રીક્ષા ઊભી રાખી છે. તમે રીક્ષા છોડી એ પછી હું બેઠો ને મારી નજર પર્સ પર પડી. એટલે થયું તમને આપી જ આવું. પૈસા જરા જોઈ લેજો હો.”
“ અરે હોય કંઈ. તમે સમય બગાડી આટલી જહેમત ઉઠાવી એ જ ઘણું કહેવાય. આજકાલ લોકોને ક્યાં આવો સમય હોય છે? એક કામ કરો. હું રિક્ષાનું ભાડું ચૂકવી દઉં. તમે ચા પાણી પીને જ જજો.”
“ ના ભાઈ. મારું ઘર અહીંથી નજીક જ છે. હું જતો રહીશ. અઅઅ… આ ચિઠ્ઠી પણ હતી તમારા પર્સમાં.”
“ ચિઠ્ઠી? જોઉં જરા. ઓહ… આ તો ગુડ્ડી એ લખેલી છે. ગુડ્ડી, મારી નાની દીકરી. ખરી છે એ પણ. મને કહે, પપ્પા સાચવીને રાખજો હો. મને જરૂર પડશે ત્યારે માંગીશ. થેન્ક ગોડ આ મળી ગઈ. એને ખબર પડત તો મારું તો આવી જ બનત.”
“ સાચવીને રાખજો તમારી દીકરીની અમાનત. ચાલો હું રજા લઉં.”
“ કાકા, ફરી એક વાર તમારો આભાર. તમે કાઈ લીધું પણ નહીં.”
“ ફરી ક્યારેક આવીશ.” હું ઝડપથી રીક્ષા પાસે પહોંચ્યો.
“ચાલ ભાઈ. પર્સ તો એના માલિકને આપી આવ્યો.”
“ સરસ. હવે પીરછલ્લા લઉં ને?”
“ ના ભાઈ. તું મને ઘેર જ ઉતારી દે. સામાન તો પછી લેવાશે.”
“ ઠીક છે કાકા.”
જેવી રીક્ષા ઘર પાસે ઊભી રહી, ફટાફટ ભાડું ચૂકવી, ચપ્પલ પણ કાઢ્યા વિના હું ઘરમાં ઘૂસ્યો. થેલી એક બાજુ ફગાવી અંદરના રૂમમાં દોટ મૂકી. મંજુ ગભરાઈને મારી પાછળ દોરવાઈ.
“ અરે તમે આટલી જલ્દી આવી ગયા? શું થયું? બધું ઠીક છે? સામાન ક્યાં છે? કૈક બોલો તો ખરા. હવે મારા કબાટમાં શું શોધો છો?”
“ અરે અરે…. આ બધો સામાન કેમ બહાર કાઢ્યો? શું થયું છે તમને આજે? આ તો રીંકુની વસ્તુઓ…”
“ મંજુ, રીંકુ પોતાની બધી વસ્તુઓ તને સાચવવા આપતી ને? આ જો એની ઢીંગલી, આ બંગડી એણે જીદ કરીને મેળામાંથી લેવડાવી હતી, નહિ? ને આ એના ઘૂંઘરૂં, આ એની સોનાની બુટ્ટી. કેટલું રડી હતી એ જ્યારે એના કાન વીંધ્યા હતા! આ એનો રૂમાલ, એનું ફેવરિટ ફ્રોક… બધું જ સાચવ્યું છે તે!”
“હા. એ જ તો જાતે પોતાની બધી વસ્તુ અહીં મૂકતી હતી. મારા કબાટમાં એની વસ્તુ સુરક્ષિત રહેશે એવી એને ખાતરી હતી. સોરી, તમે ના પાડી હતી છતાં…”
“મેં ઘરની બહાર કાઢેલી રીંકુની એક એક વસ્તુને પાછી લાવીને તે સાચવી છે મંજુ. કાશ….” આગળ બોલાયું જ નહીં મારાથી.
“ રીંકુ પણ પાછી આવી જ શકશે. એ અને વિનયકુમાર તો તમે કહો ત્યારે આવવા તૈયાર છે. હજી ય મોડું નથી થયું. તમે કહો તો હું અબઘડી ફોન…” મંજુની એ આશભરી આંખોને મારી હા ની જ રાહ હતી. ધૂંધળી આંખે મેં મંજુ સામે જોયું. પેલી લીલી કૂંપળ મારી ય આંખોમાં ઊગી નીકળી. ને સાથે જડ્યો આડે હાથે મૂકાઈ ગયેલો મારો અણમોલ સામાન.