અમારી બાજુના ઘરમાં દિનાબેન અને નરેશભાઇ રહે છે. બન્ને મજાનાં માણસો છે. નરેશભાઈને સારા ઘરમાં રહેવાનો શોખ છે અને દિનાબેનને ઘર ગોઠવવાનો, એટલે એ બેને બને છે ય સારું. એ બે નો બીજો એક શોખ પણ મળતો આવે. દિનાબેનને ક્રોકરી અર્થાત કાચના વાસણો વસાવવાનો શોખ અને નરેશભાઈને એમાંથી કેટલી તૂટી અને કેટલી રહી એનો હિસાબ રાખવાનો શોખ.
હમણાં ગયા રવિવારની જ વાત છે. બંને જણ બપોરે જમીપરવારીને બેઠેલાં. નરેશભાઇ રવિવારની પૂર્તિ ફેરવી ફેરવીને વાંચતા હતા અને દિનાબેન સ્વેટર ગૂંથતાં હતાં. ત્યાં રસોડામાંથી અવાજ આવ્યો ખ્ણ્ણણણ…
નરેશભાઈચમક્યા ‘શું થયું?’ એમણે પૂછ્યું.
‘કંઇ નહીં. એ તો કામવાળી વાસણ ધુએ છે.’ દિનાબેને જવાબ આપ્યો.
‘મને કંઇ કાચ ફૂટવા જેવો અવાજ સંભળાયો.’
‘તમને ભ્રમ થયો હશે.’ દિનાબેને ગૂંથણમાંથી ઊંચું જોયા વિના જ જવાબ આપ્યો.
‘ભ્રમ શેનો થાય? કંઇ અવાજ આવ્યો એ ચોક્કસ.’
‘હશે કદાચ કંઇ ફૂટ્યું હશે.’
‘શું ફૂટ્યું જરા જોઈ આવો તો.’ નરેશભાઈ બોલ્યા.
‘હશે હવે જે ફૂટ્યું હોય તે, નવું લવાશે.’ દિનાબેને કહ્યું.
‘પણ એમ વારે વારે ફૂટવું ન જોઈએ.’
‘પણ મેં થોડું ફોડયું છે? કામવાળી ફોડી નાખે એમાં હું શું કરું?’
‘કામવાળી એમ ફોડી કેમ નાખે? એને કહો.’ નરેશભાઈ ખીજાઈને બોલ્યા.
‘ભૈ સા’બ તમે ધીમેથી બોલોને.’ દિનાબેને કહ્યું.
હવે નરેશભાઈએ વધારે મોટેથી બોલવા માંડ્યું. ‘પણ એમ તે કંઇ ચાલતું હશે? ખર્ચો વધે છે તેનું શું?’
‘તમે ધીમેથી બોલશો જરા? પેલી સાંભળશે તો એને ખોટું લાગશે તો જતી રહેશે.’
‘ જતી રહે તો જાય, બીજી આવશે. એના વિના બેસી નથી રહ્યા.’ નરેશભાઇ હજી વધારે ચિડાયા.
‘પણ કાચનું વાસણ છે ફૂટે ય ખરું. એ નવું નહીં લવાય?’
‘ના.ના, એવું નુકસાન મને નહીં પાલવે. જરા જઈને જોઈ આવો એણે શું ફોડ્યું તે.’
‘જાઉં છું. આ લાઇન પૂરી કરીને.’ દિનાબેને જવાબ આપ્યો. અને સંવાદ પૂરો થયો. સંવાદની સમાપ્તિ સાથે જ ફરીથી રસોડામાંથી અવાજ આવ્યો ખ્ણ્ણણણ…
નરેશભાઈએ ફરી ગુસ્સો કર્યો પણ બધી જ ગૃહિણીઓની જેમ દિનાબેનને પણ નરેશભાઈના ગુસ્સાની ખરેખરી બીક નહોતી. સવાલ હતો કામવાળીનો. કામવાળી જો કાચના વાસણ ન ફોડે તો એ કામવાળી શાની? અને દિનાબેન જો પોતે જ કાચના વાસણ સાફ કરી લે તો એ શેઠાણી શાનાં? અને કોણ જાણે કેમ દિનાબેનના ઘરમાં કાચના અનેક વાસણો હતાં આને એ ફૂટયા કરતાં હતા ને આવા સંવાદો, અલબત્ત રવિવાર અથવા રજાના દિવસે થયા જ કરતા હતા.
કાચના વાસણોને આ એક ટેવ હોય છે. ફૂટી જવાની. કાચ છે તો ફૂટે ય ખરો એમ જાણે કહી શકાય, જેમ સંસાર છે તો લડવાડ થાય પણ ખરી એવું કહીએ છીએ તેમ. કેટલીક વાર તો કાચના વાસણો જ લડવાડ કરાવે છે. તે પણ ખરું! ગમે તેમ પણ કાચનો સરંજામ જીવનમાં, જીવનના સુખદુખમાં અતિમહત્ત્વનો ભાગ ભજવે છે તે ચોક્કસ.
કાચનું વાસણ હોય ફૂટવાનું તો ખરું જ. એનું શું કરવું જોઈએ? મૂંગેમોઢે તૂટેલા વાસણના ટુકડા ફેંકી દઈને નવું લઈ આવવું જોઈએ? કે ચિઢાવું જોઈએ? મશ્કરી કરવી જોઈએ? કે કાચના વાસણોને વિશ્વમાંથી નાબૂદ કરવા જોઈએ?
કાચના વાસણોને વિશ્વમાંથી નાબૂદ કરવાનું તો ન બને આપણાથી પણ કેટલાક પૈસાવાળા પ્રેમાળ પતિદેવો કહે છે, ‘ ચાલને આના કરતાં સ્ટીલનો સેટ લઈ લઈએ તૂટવાફૂટવાની ઝંઝટ જ નહીં.’ આર્થિક સુખની દ્રષ્ટિએ આવો વર બહુ સારો, પણ તદ્દન અરસિક કહેવાય. એને બિચારાને કાચના વાસણો સાથે સંકળાયેલી કવિતા સમજવાની ફુરસદ ન હોયને? અને કવિતા કરવા જેટલી ફુરસાદ ન હોય તો સ્ટીલનો સેટ ખરીદી આપવા જેટલા પૈસા ક્યારે કમાવા જાય? એટલે કાચને બદલે સ્ટીલના વાસણો એ તો આપણી ચર્ચાની બહારનો વિષય થયો. પણ કાચનો સરંજામ કવિતાનું સાધન ખરો કે નહીં?
મને લાગે છે કે કાચને જીવનમાં ઉપયોગી બનાવનારો માનવી કવિજીવ તો હોવો જ જોઈએ. કવિતા લખે તે જ કવિ કહેવાય તેવું કંઇ થોડું છે? કવિતા માટે વિષયો પૂરા પડે તે પણ કવિ જ કહેવાય. કાચમાં ઘણી કવિતા સમાયેલી છે.
પહેલી કવિતા તો કાચના અરીસાની. સર્વત્ર અરીસો, સુંદરી અને કવિતા ઘણાં સંકળાયેલાં છે. કાચનું ફ્લાવરવાઝ અને એમાંનાં ફૂલો પણ કવિતા કરવા કામ લાગે. એ બન્નેમાં કંઇ નવું નથી. ટેસ્ટટ્યૂબો જો કાચની ન હોત અને એમાં રસાયણોનાં રંગો ન હોત તો કેમેસ્ટ્રી લેબોરેટરીમાં પ્રયોગો કરતાં નવયુવાનોની જિંદગી કેવી હોત? ટેસ્ટટ્યૂબો કાચની છે એને કારણે તો બેત્રણ કલાક ઊભા ઊભા કરવાના પ્રયોગોમાં રંગો જોતાંજોતાં આસપાસની કન્યાઓનાં વસ્ત્રો જોડે એનો મેળ બેસાડતાં બેસાડતાં વખત જાય છે.
એ પછી યુવાનો સંસારમાં પડે. લગ્ન પછી તો કાચ રોમેન્ટીક મૂડ ઊભો કરવામાં ખૂબ મદદરૂપ થાય. રસોડામાંથી એક અવાજ આવે, સાથે એક ચીસ સાંભળે, ‘ઉઇ’અને સંકટમાં પડેલી નવપરિણીતાને સહાય કરવા નવપરિણીત પતિ પહોંચી જાય. પેલી ઉઇ ઉઇ કર્યા કરે. આંગળીએથી લોહી ટપકતું હોય. આમ તો નળ નીચે હાથ રાખે તો ટપ દઈને લોહી બંધ થઈ જાય. પણ એને બદલે પેલા ભાઈ શું કરવું તે સમજ્યા વિના આમતેમ દોડ્યા કરે, સાણસી ગબડે, બેચાર વાસણ અડફેટે ચડે, પાણી ઢોળાય. રસોડાને ઉંબરે ઠેસ ખાઈને છેવટે કબાટમાંથી રૂમાલ શોધીને કબાટ ખુલ્લું રાખીને એકાદ રૂમાલ લઈ આવીને પેલીની આંગળીએ બાંધે. આટલી બધી ધમાલનું મધુરું કારણ શું? કાચની રકાબી હાથમાંથી સરકી ગઈ, ફૂટી અને એનો કાચ આંગળીએ સહેજ અથડાયો એ જ ને?
સંસારમાં આ રોમાન્સ લાંબો નથી ચાલતો. ક્યારેક બાળકના દૂધની બાટલી ફૂટે છે અને ઢોળાયેલા દૂધની સાથે બધો રોમાન્સ પણ વહી જાય છે. આ રોમાન્સ ઘણા અનુભવે છે પણ કોણ જાણે કેમ કોઈ નવપરિણીત કવિઓ એની કવિતા નથી લખતા. નવપરિણીત કવિઓ એકાદ-બે વાર પ્યાલા રકાબી ફૂટે એટલે કવિ મટી સંસારી જીવ બની જતા હશે? ને કાચના સરંજામને બદલે સ્ટીલના વાસણો વસાવવાનો પરિશ્રમ કરવામાં લાગી જતા હશે?
આમાં વાંક દુનિયાનો છે. કાચના વાસણો ફોડે એ સ્ત્રી થાંથી કહેવાય એવી એક ઉપજાવી કાઢેલી વાત ચાલે છે. એક તો વરોને કવિતા કરતાં આવડતું ન હોય, એ તો જાણે માફ કરીએ. પોતાના નોકરીધંધામાંથી ફુરસદ કાઢી શકતા ન હોય અને એટલે જ પત્નીની પ્રેમ સંપાદન કરવાના ઉત્તમ સાધનરૂપ કાચના વાસણો કાઢી નાખીને સ્ટીલના કે પ્લાસ્ટિકના વાસણો વસાવવાની વાત લાવીને મૂળ વાત ઉડાવી દે છે! નહીં તો પછી ‘મને આ નહીં પોસાયની’ વાતો કરે છે નરેશભાઈની જેમ.
નરેશભાઇ જો માત્ર પોસવા ન પોસવાનો વિચાર કાઢી નાખીને કવિતા, કવિતા જ નહીં તો સંગીતની દ્રષ્ટિએ, વિચાર કરે તો એમને કાચનાં વાસણો ફૂટવા સામેનો વાંધો દૂર થઈ જાય. રકાબી ફૂટે કે ગ્લાસ ફૂટે કે શીશી ફૂટે ત્યારે કેવો સુમધુર ઝંકાર થાય છે? રસોડામાંથી સાધારણ રીતે તો શ્રવણેન્દ્રિયને રૂચિકર લાગે તેવા આવજો નથી આવતા. કુકરની સિટી કે વઘારનું છમ્મ કે રોટલી વણવાનો ઠકઠક અવાજ મજા ન આપે. પણ રકાબીપ્યાલા ફૂટવાનો અવાજ! અહાહા જાણે જલતરંગ કે બુલબુલતરંગ વાગતું હોય! અને એમાં દિનાબેન જેવી શોખીન સ્ત્રી અને એમની કામવાળી જેવી સર્જનાત્મક(!) હાથવાળી કામ કરનારી હોય પછી તો રોજ બપોરે અને રાત્રે રસોડામાંથી વાદ્યસંગીતનો ઘણો ટૂંકો પણ રસિક કાર્યક્રમ રજૂ થાય જ ને?
કેટલાકને વળી કાચના વાસણો ફૂટે એનો વાંધો નથી પણ પાછળ જે રહી જાય છે તેનો વાંધો છે. કાચની ડીશોને એક એવી ટેવ હોય છે કે એ કદી સામૂહિક આત્મહત્યા નથી કરતી. છૂટક છૂટક સ્વર્ગે સંચરે છે અને પાછળ જે રહી જાય છે તે ‘સેટ’માં બેસતી નથી. રકાબી ફૂટે, પ્યાલો નહીં ફૂટે, ખાલી પ્યાલાની કડી તૂટશે. કીટલી નહીં ફૂટે, એનું ઢાંકણું જ ટુકડે ટુકડા, આખી કીટલી સલામત રહેશે! માત્ર એનું નાકું એવી રીતે તૂટશે કે એમાંથી ચાની સહસ્રધારા વહે. નહીં તો પછી એનું હેન્ડલ દગો કરી જશે. પ્લેટ આખી નહીં ફૂટે, માત્ર એની કિનારી તૂટીને રહી જશે. ફૂટશે બરણી, ઢાંકણું સલામત! ઢાંકણું શહીદ થશે, અને ખુલ્લી બરણી વર્ષો સુધી ગુલાબનો છોડ ઉગાડવાની સેવા આપશે. બધા ગ્લાસ ફૂટશે એક ગ્લાસ ભક્ત પ્રેમીની જેમ વફાદાર. બધા જ પ્યાલા અને બધી જ રકાબીઓ સ્વર્ગવાસ કરશે એક તડ પડેલી રકાબી એવી ટકશે એવી ટકશે કે એને પરાણે આત્મઘાત કરાવવો પડશે.
દરેક ઘરમાં આવા વિધુર પ્યાલાઓ, વિધવા રકાબીઓ, અનાથ શીશીઓ, અને એકલી પડી ગયેલી કીટલીઓનો સંગ્રહ હશે. એનો નિકાલ કેમ કરવો? કોઈને આપી દઈને? પણ એ તો બીજાના ઘરમાં તો રહેવાના જ. ફેંકી દેતાં જીવ કેમ ચાલે? રસ્તા પર છૂટ્ટે હાથે ઘા કરવો? તો એનો કકડો પગે વગાડીને આપણો પોતાનો જ બાબો ઘેર આવે ત્યારે કેવું લાગે?
મને એક ઉપાય સૂઝે છે. સમાજસેવા કરવા ઇચ્છતા મહિલામંડળો આ દિશામાં સારું કાર્ય કરી શકે. આપણે ત્યાં મહિલામંડળો વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે બેસ્ટ વસ્તુ જ્યારે વેસ્ટ બની જાય ત્યારે એને પાછી બેસ્ટ લાગે તેવી વસ્તુ કેવી રીતે બનાવવી તે શીખવે છે. બહુ બધી બહેનો એ શીખવા જાય છે. નવું નવું શીખી લાવે છે. એ શીખવનારી બહેનો કાચના સેટમાંના થોડા આખા ફૂટી ગયા પછી વધેલા અધૂરા તૂટેલા કપરાકાબી, પ્લેટો, બૌલોમાંથી ફરીથી એને વ્યવસ્થિત લાગે તેવા બનાવવાના ઉપાયો સૂચવી શકે. એ કામ હજી કોઈએ કર્યું નથી. આગવી પ્રવૃત્તિઓ કરવા ઉત્સુક મહિલા મંડળોને આ એક સૂચન, બીજું કશું નહીં!
પણ એ પહેલાં આવા વાસણો ભેગા કરવાં પડે. સભ્ય બહેનો(મંડળની જ હોં)માંથી. વર્ષમાં વધુમાં વધુ વાસણો ફોડનારા બહેનને ચેમ્પિયનશિપ એનાયત કરવી જોઈએ. માત્ર પ્યાલાની કડી ફોડી શકનાર બહેનને તો કલાધરિત્રીનો ઇલકાબ આપવો જોઈએ. રકાબીને માત્ર તડ પાડીને અટકી જનાર સન્નારીને અતિસંયમશીલ નારીના ખિતાબથી નવાજવી જોઈએ. બધી બહેનોએ પ્રામાણિકપણે પોતે ફોડેલી ચીજવસ્તુઓ કઈ ક્યારે, કઈ રીતે ફૂટી એની નોંધ સાથે સંઘરવી જોઈએ. આવી વસ્તુઓનું વાર્ષિક પ્રદર્શન પણ ગોઠવી શકાય. ઉત્તમમાં ઉત્તમ કારકિર્દી દેખાડનાર મહિલાને ખાસ ઈનામ અપાવું જોઈએ. મોંઘા કપરાકબીનો સેટ નહીં પણ સાધારણ જાતના કપરાકબીઓ ગ્રોસના હિસાબે ઈનામ તરીકે આપવા જોઈએ. એ જ ફોડીને બીજે વર્ષે હરીફાઈમાં ભાગ લઈ શકાય. કામવાળીથી ફૂટેલાં વાસણો હરીફાઈમાંથી રદ ગણાય.
આનાથી ફાયદો થાય. એક તો કામવાળી ન મળવાના, જતી રહેવાના, પ્રોબ્લેમ્સ સમાપ્ત થઈ જાય. હરીફાઈમાં ભાગ લેવા જાતે જ કામ કરવું પડે! વળી નરેશભાઇ-દિનાબેનને થાય છે તેવા સાંસારિક ક્ષણજીવી યુદ્ધો પણ અટકી જાય. કારણકે જો દિનાબેન વર્ષે એક ગ્રોસ, અર્થાત બાર ડઝન કપરાકબીઓ લઈ આવતા હોય તો નરેશભાઈને શો વાંધો હોય? ભલેને ફોડે દિનાબેન કપરાકાબી તાકાત હોય એટલા!
માટે મિત્રો સમજો, નવાં આવે જૂનાં જાય, કપ રકાબીઓનું તો એમ જ થાય!