‘રાખજે..!’ ~ ગઝલ ~ મલ્લિકા મુખર્જી
આસ્વાદ ~ જયશ્રી વિનુ મરચંટ
ગઝલ ~ મલ્લિકા મુખર્જી
‘….રાખજે…!’
રંગ આંખોનો તું ઉજળો રાખજે,
આંસુ માટે એક ખૂણો રાખજે.
યાદ એની આવશે સ્વપ્નો મહીં,
આંખ સામે એક પડદો રાખજે.
રાહ જોજે વાર થોડી લાગશે,
લાગણીનો ધોધ વહેતો રાખજે.
ધડકનોમાં તીર ભોંકાતા હશે,
એક ચહરો તોય હસતો રાખજે.
ભૂલવાની એની મજબૂરી હશે,
યાદનો દીપક તું જલતો રાખજે.
જિંદગીમાં હાર સાથે જીત પણ,
બેઉ સાથે એક નાતો રાખજે.
આસ્વાદ ~ જયશ્રી મરચંટ
આમ તો માણસની આંખ અને જીભ વચ્ચે જ જીવનમાં બંધાતાં ને તૂટતાં સંબંધોના રસ્તાઓ વિસ્તરતાં હોય છે. આપણે કોઈને, કઈ રીતે આંખો થકી જોઈએ છીએ, એના પર જ, એને ક્યા પરિપેક્ષ્યમાં મૂલવીએ છીએ એનો આધાર હોય છે. લાગણીઓ, સમજ, વિચારો તો નજરની ચારણીમાંથી હ્રદય, અંતર અને મન સુધી પહોંચતા હોય છે. પણ આ ક્રમ ઘણીવાર ઊંધો થઈ જતાં, આપણાં હ્રદય, અંતર અને મનમાં રહેલી અસલામતિ, અંજપો અને અવિશ્વાસની કાળાશ જો ‘ઉર્ધ્વગામી’ બનીને આંખોમાં પથરાઈ જાય તો પછી એ જ અસલામતિ, અંજપો અને અવિશ્વાસની કાળાશ આંખોમાંથી બેવડાઈને પાછી આપણા ભાવજગત અને ચેતોવિસ્તાર પર કબજો જમાવી લે છે. એ અંધકારના વમળમાં આપણે પછી ઘૂમરાતાં રહીએ છીએ. આ વમળોના ચક્રવ્યુહમાંથી પછી નીકળવું અઘરૂં છે. આંખોમાં હંમેશાં જ વિશ્વાસ, સલામતિ અને શાંતિની સંતૃપ્તિસભર નજર હોય તો સમસ્ત સંસાર પણ ઊજળો લાગે છે. પણ માણસ છીએ, દરેક સમયે આવું અજવાળું આંખોમાં ન પણ રહે તો આંસુ સારીને માફી માગી શકે અને આપી શકે એટલી મોકળાશ રાખવાની વાત કવિ સાલસતાથી કહીને, મતલા થકી ગઝલનો આભા ભર્યો ઉઘાડ કરે છે. અહીં ‘મરિઝ’ સાહેબ યાદ આવે છેઃ
‘બધો આધાર છે એનાં જતી વેળાના જોવા પર
મિલનમાંથી નથી મળતાં, મહેબતના પુરાવાઓ!’
‘જાનેવાલે કભી નહીં આતે, જાનેવાલોં કી યાદ આતી હૈ.’ યાદો તો હવામાં તરતાં,-‘ફ્રી સ્પીરીટેડ’ – ‘મુક્તજીવી તરંગો છે. દિવસ કે રાત હોય, યાદોનાં મોજાં મનના દરવાજા પર ટકોરાં મારતાં ગમે ત્યારે પણ આવી શકે છે. પણ સ્મરણો જ જ્યારે શમણું બનીને, બંધ આંખોથી જોવાતાં સપનામાં આવે ત્યારે એમ થાય કે ગયેલાં સ્નેહી, જે યાદોમાં આવ્યાં છે તે આંખ ખૂલતાં જ પાછાં જતાં રહેશે તો? એનો એક જ ઉપાય છે કે આંખો બસ બંધ રહે તો જ પલકોના બંધ પડદા પાછળ વીતી ગયેલો સમય ફરી ફરીને મનભરીને સપનામાં જીવી શકાય!
સપનું હોય કે જાગતો સમય, બેઉમાં પ્રિયતમની સંગ જો વખત વીતાવવો હોય તો, એમ ને એમ ક્યાં વિચાર માત્ર કરવાથી વાસ્તવમાં એવું બની શકે છે? રાહ જોવી એ તો પ્રેમનું ભાગ્ય છે. બસ, મનમાં સતત સ્નેહની અમૃતધારા વહેતી હોય તો વહેલાં કે મોડાં, છૂટાં પડેલાં બધાં, સપનામાં કે વાસ્તવમાં અંતે તો આવીને મળે જ છે! પણ આમ જતાં રહેલાં સ્નેહીઓની રાહ જોયા કરવી, સમયના કોઈ પણ સમીકરણ માંડ્યાં વિના, એ જેટલું સહેલું બોલવા કે વાંચાવામાં લાગે છે એટલું સીધુંસટ પણ નથી. એક બાજુ તો પ્રિયજન આવશે, એની આશામાં દિલની ધડકનો બેકાબૂ હોય, અને વિરહનાં તીરથી વિંધાયેલું હ્રદય અપાર વેદનાથી અંદર અને અંદર કણસતું હોય તો પણ મુખ પર આવકારભર્યું એક સ્મિત તો રાખવું જ રહ્યું. ધીરજથી રાહ જોતાં કદાચ પ્રિયજન આવી પણ જાય, અને ત્યારે જો ચહેરો હસતો ન હોય તો આવનારાને ત્યાં રોકાવા માટે મન ક્યાંથી થાય? તુલસીદાસ કહે છે એમ, જ્યાં આવકારો દેતું સ્મિત ન હોય, આંખોમાં વહાલ ન હોય, એવા દરવાજા પર સોનાનો વરસાદવરસતો હોય તોયે ન જવું!
તો આ બાજુ ‘કતીલ’ કહે છે ને,
“રાહોં પે નજર રખના, હોઠો પે દુવા રખના
આ જાયે કોઈ શાયદ, દરવાજા ખુલા રખના”
પ્રેમમાં અરસપરસ કોઈ સોદાબાજી નથી થઈ શકતી. આપણે જેને છાતીફાટ પ્રેમ કરતાં હોઈએ, એ આપણને ભૂલી ગયાં હોય એવું પણ બને. વાત અહીં અપેક્ષા વિના પ્યાર કરવાની છે. જે ભૂલી ગયાં છે, એને કદાચ કોઈ એવી લાચારી હોય કે આપણાં સુધી ન આવી શકે છતાં પણ એ વિખૂટાં પડી ગયેલાંની સારપને, એમની સાથે વીતેલા સારા સમયને સદા હૈયામાં સજાવીને યાદ કરતાં રહેવાનો પણ એક લ્હાવો છે. વાત એટલી જ છે કે સાથે ગુજારેલો સારો વખત સદા જિંદગીની રાહને પ્રકાશિત કરતો રહે છે.
ગઝલનો છેલ્લો શેર,
‘જિંદગીમાં હાર સાથે જીત પણ,
બેઉ સાથે એક નાતો રાખજે.’
કોઈ એક સમય સતત રહેતો નથી. ક્યારેક સમય ને સંજોગ સામે હારી જવાય છે તો ક્યારેક, જીવનની મુશ્કેલીઓ સામેની લડતમાં અણધારી જીત પણ મળે છે. વિજયને પચાવીને અને પરાજયને સ્વીકારીને જીવવામાં સમતોલન અને સંતુલન ન રાખી શકાય તો જીવવાનું કપરું થઈ જાય છે. જીત કે હાર, બેઉ એની રીતે શ્વાસોની રફતાર સાથે આવતાં-જતાં રહેશે. પણ, જીતને સાચવી લઈને અને હારને સ્વીકારીને જીવન જીવી જનારને જ ‘બાજીગર’ કહે છે. આ વાત સાવ સાદીછે અને સરળતાથી કહેવાઈ છે પણ છેલ્લા શેરને ચમત્કૃતિ અને શેરિયતની સજાવટ મળી હોત તો ગઝલ સાંગોપાંગ શોભી ઊઠત અને સોંસરવી જિગરની આરપાર નીકળી જાત.
બહેન મલ્લિકા મુખર્જીની આ ગઝલમાં હકારાત્મક અભિગમનો ઉત્સવ છે. એમની ગઝલની સમજ અને પરિપક્વતા ઊંચા શિખરો સર કરતી રહે એ જ શુભકામના.