અમદાવાદ સ્ટેશને ટ્રેન ઉપડવાને હજી અડધોએક કલાકની વાર હતી. રાતની મુસાફરી ને એમાં ય શિયાળાની રાત એટલે લાંબી મુસાફરીએ જનારા મોટાભાગના લોકો આવી ગયા હતા. મૂકવા આવનારાઓ એમને જાગતા રહેવાની, સામાનનું ધ્યાન રાખવાની સલાહો આપતા હતા. એક બહેન બારીમાંથી જેટલું અંદર જઈ શકાય એટલું ઘૂસીને સામેની બારી પાસે બેઠેલી એમની પુત્રવધૂને વેવાઈઓની ખબર પૂછવાની સૂચના આપતા હતા. એવામાં એમની પીઠ પર થઈને એક થેલી અંદર આવી. થેલી ગોઠવાઈ એની સાથે એક સન્નારી પણ અલબત્ત બારણેથી અંદર આવ્યાં. એમને ખભે એક થેલો હતો અને હાથમાં પણ એક થેલી હતી. પાછળ મજૂર માથે બે બેગ. માટીનો પાણીનો કૂંજો,(શિયાળાની રાતે વળી કેટલું પાણી જોઈએ? ને તે ય માટીના કૂંજામાં?) અને ખભે એક મોટું બેડિંગ લટકાવીને પ્રવેશ્યો. આમતેમ જોઈને, નીચા વાળીને, એડીથી ઊંચા થઈને એ સન્નારીએ પોતાની આ બધી માયા ઠેકાણે પાડવાની જગ્યા શોધી પણ જગ્યા જાડી નહીં એટલે બધુ વચ્ચે જ રખાવ્યું. બિસ્તરો કોઇની સૂવા ની બર્થ પર ઊભો મૂકાવ્યો, બેગો બધી ગેંગવેમાં જ્યાં એક બહેને પોતાના બાબાને સુવાડવાનો પ્લાન કર્યો હતો ત્યાં મૂકાવી, થેલી, ખભાથેલો અને પર્સ પોતાના ખોળામાં જ રાખીને એ સન્નારી એક જણની બાજુમાં સહેજ ખાલી જગ્યામાં એક છેડે બેસી ગયાં.
ટ્રેન ઉપડવાની વાર હતી. પેલાં સન્નારી અને એમનો અસબાબ બધો ગોઠવાઈ ગયો ત્યાં સુધી તો બેઠેલા બધાં એમને જ જોતાં હતાં. એ પછી બધાનું ધ્યાન તૂટ્યું. હવે બધાં સામાન કેવી રીતે ચોરાય છે એ વિષયના માહિતીપ્રદ સંવાદમાં પરોવાયું. પેલા સન્નારી પણ બધાંની સાથે ભળી ગયાં. એમણે કહ્યું, ‘સામાન વધારે હોય અને જો આંખ સામે દેખાય તેમ ન રાખીએ તો ચોરાવાનો ભય વધારે. મારે તો આખી રાત જાગવું પડશે.’
રિઝર્વેશન વિનાના લેડિઝ કમ્પાર્ટમેન્ટના સ્વાભાવિક ઘોંઘાટ, કલબલાટ અને ખખડાટોની સાથે ટ્રેન ઉપડી. કલાકેકમાં બધાને ઊંઘ આવવા માંડી. એક સ્ટેશન આવ્યું ને ટ્રેન સહેજ ઊભી રહીને ઉપડી અને પેલાં સન્નારીએ બૂમ પાડી, ‘હાય હાય મારો બિસ્તરો?’ અમદાવાદમા પૂર આવ્યું ત્યારે લોકોએ પોતાના રેફ્રીજરેટરો અને ઘઉંના ભરેલાં પીપ તણાતાં જોયેલાં ત્યારે ય કોઈએ આવી બૂમ નહીં પાડી હોય. અડધી ઊંઘમાંથી બધાં જાગી ગયાં અને જોયું તો,પેલા બહેનનો બિસ્તરો જે બર્થ પર મિનારા જેવો શોભતો હતો તે ગાયબ! આ શું? અત્યારથી જ ચોરી? ‘પણ દરવાજો તો લોક કરેલો હતો.’ ‘કોઈ ઉતરી ગયું તો નથીને?’ જાતજાતના ઉદગારો સંભળાવા માંડયા.
‘હાય હાય બિસ્તરા વિના હું શું કરીશ?’ પેલા બહેને કહ્યું.
‘પણ આમે ય તમારે તો આખી રાત જાગવાનું જ હતું ને? બિસ્તરો નહીં હોય તો પણ ચાલશે. કોઈ ટીખળી બહેન બોલ્યાં.
‘પણ એ બિસ્તરો મારો નહોતો. મારે બીજાને પહોંચાડવાનો હતો. ‘
‘હવે શું થાય? તમને ઝોકું આવ્યું એમ બિસ્તરાને પણ આવ્યું હશે એટલે એ પડી ગયો હશે બારીની બહાર. સાવ અધ્ધર પધ્ધર હતો ને?’ પેલા બહેને બિસ્તરની ગતિનું વર્ણન કર્યું. બધાં હસ્યાં. કોઈએ ન કહ્યું કે બારીને તો સળિયા છે, શટર પણ પાડેલાં છે બિસ્તરો બારીની બહાર કઈ રીતે જાય?
હવે એ સન્નારી બિસ્તરાવિલાપ કરવા બેઠાં. અડધોએક કલાક રહીને સ્વસ્થ થયાં. એ પછી એમણે નીચે જોયું તો એમનો બિસ્તરો એમના જ પગ નીચે આરામ કરતો હતો. એ ત્યાં શી રીતે પહોંચ્યો એ કોઈને ખબર ન પડી. જે હોય તે. હવે રાતના અગિયાર વાગી રહ્યા હતા. બધાને ઊંઘ આવતી હતી પણ હવે એ સન્નારી, ‘હાશ. લે આ તો અહીં જ હતો. મેં નક્કામો જીવ બાળ્યો એ પડી ગયો હશે ને મારું તો ધ્યાન જ ન રહ્યું.’ આટલું કહીને એ એમના પડોશીના ભત્રીજાની વહુના આણા વખતે એની બેગ શી રીતે ચોરાઇ હતી એનું વર્ણન કરવા માંડ્યાં. એમને જાગતા રહેવું હતું ને?
પણ આજુબાજુવાળા તો એમને સામાનરક્ષણનું કામ સોંપીને ઊંઘવા માંડ્યાં. હવે પેલાં સન્નારી એ ૐ નમ શિવાય ૐ નમ શિવાય, શ્રીકૃષ્ણ શરણં મમ, હરે રામ હરે રામ રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરેની જપમાળા ચાલુ કરી. થોડીવાર તો તાળીઓ પણ પાડી. બધા ઊંઘતા જ રહ્યાં. એમની સાથે હરિસ્મરણમાં કોઈ ન જોડાયું.
ટ્રેન આગળ વધતી હતી. વખત વિતતો હતો. સુરત સ્ટેશન નજીક આવી રહ્યું હતું. ‘સૌથી વધુ ધ્યાન સુરતની આસપાસ જ રાખવાનું.’ પેલાં સન્નારી હવે બિસ્તરાનું ખૂબ જ ધ્યાન રાખી રહ્યાં હતાં. થેલી, ખભા થેલો. પર્સ અને કૂંજો તો એમના ખોળાનો કબ્જો જમાવીને બેઠાં હતાં. બેગો પણ વચ્ચોવચ પડી હતી એટલે આમ ચિંતા જેવું ન હતું. સામાન બધો ઠેકાણાસર જ હતો. એમને સલામતી માટે બેગો સામસામેની સીટ વચ્ચેની જગ્યામાં ગોઠવી દીધી. હાશ, હવે શાંતિ. નિરાંતે ભગવદભજન થશે. હવે સહેજ ધીમા અવાજે અટકી અટકીને ૐ નમ શિવાયનું રટણ ચાલી રહ્યું હતું. આમ કરતાં કરતાં એ ઊંઘી ગયાં. એકાદબે વાંચવાવાળા સિવાય બધાં જ ઊંઘતાં હતાં.
જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ સુરત નજીક આવતું ગયું અને નિદ્રાદેવીનું શાસન વધતું ગયું. સદભાગ્યે તાપી નદીનો પુલ પૂરતો ઘોંઘાટિયો છે અને લોકોને જાગૃત કરવામાં સારો એવો ફાળો આપે છે. કેટલાક લોકો જાગવા માંડયાં પણ સામાન સુરક્ષાદળના લીડર હજી ઊંઘતા હતાં. એક છોકરી જે અત્યાર સુધી મૂંગી મૂંગી સિંગલ સીટ પર બેઠી બેઠી વાંચતી હતી એને ધીરેથી ઊભા થઈને પોતાની સીટ અને પેલી બે બેગો ઢંકાઈ જાય એ રીતે પોતાનું બેડિંગ પાથર્યું અને લંબાવ્યું.
સુરત સ્ટેશન આવ્યું. ડબામાં ઘણી ગડમથલ થઈ. બહારથી હુમલા થયા. કેટલાકો ડબામાં ઘૂસવામાં સફળ થયા. અત્યંત જાગૃત એવા સુરતવાસીઓએ પોતાના જેવી જાગૃતિ અને ચપળતા બાકીના ઉતારુઓમાં પણ ફેલાવી દીધી. જાગૃતિ ફેલાવવાના આટલા બધા પ્રયત્નો છતાં સામાન સુરક્ષાદળના પેલ બ્રિગેડીયર જનરલ તો બેઠાં બેઠાં ઊંઘતાં જ હતાં. ક્યારનો ઉજાગરો હતો ને બિચારાને? છેવટે ટ્રેન ઉપડી. બધા શાંત થયાં. ઊંઘવાનું ફરી શરૂ થયું ને પેલા બ્રિગેડીયર જનરલ જાગ્યા.
‘અરે મારી બેગો ક્યાં? હું નહોતી કહેતી? સુરતની આસપાસ બહુ જ ધ્યાન રાખવાનું? કોઈ ઉતરતાં સાથે મારી બેગો લઈ ગયું. હવે ઉપાધિ. આટલું ધ્યાન રાખવા છતાં મારી બેગો ગઈ જ. પાછી એક નહીં, બે ય બેગો ગઈ. હવે મારે સ્ટેશન માસ્ટરને કે ગાર્ડને હવે પછીને સ્ટેશને ફરિયાદ કરવી પડશે. ડબામાં કોઈ ઊંઘી ન શકે એ માટે પોતાનો સામાન ચોરાયો તેથી શું થશે એની ચિંતા એટલે મોટે અવાજે કરવા માંડી કે બીજા બધા લોકો એમનો સામાન ખોવાવા માટે પોતાના નસીબને ગાળો દેવા માંડયાં.
પેલાં સન્નારી દુખી થતાં થતાં, જીવ બાળતાં બાળતાં ઝોકાં ખાવા માંડ્યાં. થોડીવાર થઈને ટ્રેન ધીમી પડી. સ્ટેશન આવ્યું ? કયું સ્ટેશન? વલસાડ? વલસાડ જ હશે. એમ કહીને એમણે જોરથી ઊભા થઈને એક બારી ખોલી નાખી. ઠંડીના ઝપાટાથી બધા જાગી ગયાં. સામાન સાચવવાનો હતો. ઊંઘાતું હશે? બહાર અંધારું હતું, સ્ટેશન નહોતું. બારી બંધ કરીને એ બેસી ગયાં અને તરત ઊંઘવા માંડયાં. થોડી વાર થઈને એમને પ્રેરણા થઈ. દીનદયાળુ પરમાત્માએ એમને દ્રષ્ટિ આપી. એમણે ઊભા થઈ, સીટ પર ચડીને જોવા માંડ્યું. વળી ઉતર્યા. એક ઊંઘતા બાળકને ખસેડીને સીટોની નીચે જોયું. ડબામાં બધે જ જઈને દરેક સીટની ઉપર નીચે જોયું.
‘મને થયું, મારી બેગો ક્યાંક ખસીને અહીં તો નથી આવી? કદાચ ટ્રેનના ધક્કાથી આઘીપાછી જતી રહી હોય? ‘
એમણે પોતાના સર્ચ ઓપરેશનનું કારણ કહ્યું. પણ ટ્રેન મેદાનમાં જ ચાલતી હતી. માથેરાનનો ડુંગર નહોતી ચડતી. કશો જ સમાન ખસ્યો નહોતો. બેગો ન જ મળી.
હવે ખરેખર વલસાડ આવ્યું, એમને ઘડીક તો મન થયું કે ફરિયાદ કરે પણ ‘પોલીસના લફરાં થશે એમ સમજીને એમણે ફરિયાદ કરવાનું માંડી વાળ્યું. હજી રાત બાકી હતી અને ડબામાંના કેટલાક આશાવાદીઓ ઊંઘવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં. ફરી ટ્રેન ચાલી. હવે એ સન્નારીની ઊંઘ ખરેખર ઊડી ગઈ. કેટલાક નબળા મનના લોકો હવે તો મુંબઈ સુધી નહીં જ ઊંઘાય અમે માનીને બિસ્તરા સંકેલવા માંડ્યાં.
થોડી વાર શાંતિ અને વળી શોધાશોધ. ‘મને થયું, બીજી વાર જોઈ લઉં.’ બીજી વારનો પ્રયત્ન સફળ થયો. આ વખતે એમને બે સિંગલ સીટો વચ્ચે બેગો દેખાઈ. ‘ હાશ, છેવટે જડી. મેં જ અહીં રાખેલી અને હું જ ભૂલી ગઈ, લ્યો બોલો! નકામી માથાકૂટ કરી. ઉદ્વેગનો ગ્રહ હોય તો આવું જ થાય. કારણ વિના જીવ બળ્યા કરે.’
ડબામાં બધાનો ઉદ્વેગનો તો નહીં પણ ઉજાગરાનો ગ્રહ તો હતો જ. એ સન્નારીને એમની બેગો જડી ગઈ એટલે એમનો જીવ બળતો બંધ થઈ ગયો. ઉજાગરાને લીધે બધાની આંખો બળતી હતી. આખરે એમણે જાહેર કર્યું કે એમને દહાણુરોડ સ્ટેશને ઊતરવું છે. એમની મુસાફરીનો આ છેલ્લો તબક્કો હતો અને હવે તો જાગતાં રહેવું ખૂબ જ જરૂરી કારણ કે પાછલી રાતે તો ભલભલાની આંખો મળી જાય. સ્ટેશન આવે તો ખબર જ ન પડે. ફરીથી ૐનમ શિવાય, હરે રામ હરે રામ ચાલુ.
હાશ. છેવટે દહાણુરોડ સ્ટેશન આવ્યું. ટ્રેન ઊભી રહી. હવે આટલો બધો સામાન ઉતારતાં ધમાચકડી કરીને, બે-ત્રણ બાળકોને જગાડીને, એક બહેનની સાડીમાં બેગ ભરાવીને એમની સાડી ફાડીને, પાણીના કૂંજામાંથી થોડું પાણી ઢોળીને, છેલ્લી વાર બધા ઊંઘતાઓને જગાડીને, સૌને વિના અગિયારશે જાગરણ કરાવવાનું પુણ્ય મેળવીને એ સન્નારી ઉતારી ગયાં. સાથે એમની માયા પણ ગઈ.
‘હવે નિરાંતે ઊંઘાય તો સારું.’ એક બહેન બોલ્યાં. ટ્રેન ઉપડી. કો’ક બુદ્ધિશાળીને પોતાનો સમાન ગણવાનું સૂઝયું. જોયું તો એમની એટેચી ગૂમ થયેલી. એક બહેનની પર્સ નહોતી જડતી. બાળકો સાથે મુસાફરી કરવાવાળા એક બહેનની વૉટરબેગ પણ કશેક ગબડી ગયેલી. ક્યાં ગઈ હશે? દહાણુરોડ સ્ટેશને? કોણ જાણે?
( લેખિકાના હાસ્યલેખ સંગ્રહ ‘આરસીની ભીતરમાં’ માંથી.)