5 ફેબ્રુઆરી 2023 ના રોજ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ માં ફિલાડેલ્ફિયા, અમેરિકા નિવાસી સુશ્રી સૂચિ વ્યાસ લેખિત પુસ્તક “આવો આવો..” નો લોકાર્પણ સમારોહ યોજાઈ ગયો.
જાણીતા કવયિત્રી, સખી ગોપાલી બૂચ ના શાનદાર સંચાલન સાથે કાર્યક્રમની શરૂઆત, ગુર્જરી પ્રકાશનના પ્રકાશક કિશોરભાઈ દેસાઈના શુભેચ્છા સંદેશ સાથે થઈ.
ભારતમાં જ નહીં વિદેશમાં પણ ગુજરાતી ભાષા અને સંસ્કૃતિના પ્રચાર પ્રસાર માટે જે કાર્ય થઈ રહ્યું છે તેની પ્રશંસા કરતા ગોપાલની બહેને સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય અમેરિકન કંપની એસએસવાય વ્હાઇટ ટેકનોલોજી ના પ્રેસિડેન્ટ અને સીઈઓ તથા ગુજરાતીના પ્રસિદ્ધ વાર્તાકાર અને ઉત્તમ વક્તા શ્રી રાહુલ ભાઈ શુક્લનો સંક્ષિપ્ત પરિચય આપીને, તેમને પોતાનું વક્તવ્ય આપવા માટે અનુરોધ કર્યો.
ઉદ્યોગપતિ હોવા છતાં જેમની સાહિત્ય પ્રીતિ અદભુત છે, એવા “Success is a journey not a destination” પુસ્તક ના લેખક, આજના અતિથિ વિશેષ શ્રી રાહુલભાઈએ કહ્યું કે વ્હાલાં સુચી બહેનની મિત્રતા થી અમારી જિંદગી સમૃદ્ધ બની છે. “આવો આવો” પુસ્તક વિશે એમણે કહ્યું કે ઉષા બહેને મોકલેલી કાચી કોપી હું જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ વધુ ને વધુ સૂચિ બેનનો પ્રશંસક થતો ગયો. આ સંગ્રહમાં સૂચિ બહેને એમના રોજિંદા મહેમાનોને પોતાની આંખના દૂરબીન થી જે રીતે જોયા છે એ જ રીતે એમના વિશે લખ્યું છે. જેના વિશે પણ લખ્યું છે તેને જીવતો કરી દીધો છે. અનોખી શૈલી ધરાવતું આ પુસ્તક સાહિત્યની દુનિયામાં નવો ચીલો પાડનારું બન્યું છે.
રમુજી શૈલીમાં સૂચિ બહેન નો પરિચય આપતા એમણે કહ્યું કે 15 વર્ષની ઉંમરે દીદીના દિયરના પ્રેમમાં પડેલા સૂચિ બહેન ના લગ્ન 18 વર્ષની ઉંમરે થઈ ગયા અને તેઓ મુંબઈ આવ્યા. એમના સસરાએ એમને કોલેજમાં ભણાવ્યા. ટીખળી સ્વભાવ, બિન્દાસ બોલી, નિખાલસતા પારદર્શકતા, લાગણીનો દરિયો એવા સૂચિ બહેન મહેમાનોની આગતા-સ્વાગતાનાં મહારથી છે. સૂચિ બહેને ડ્રગના વ્યસનીઓનું બંધન છોડાવવા સતત કામ કર્યું છે.
રણજિતરામ સુવર્ણચંદ્રક થી સન્માનિત વાર્તાકાર, નવલકથાકાર, નાટકકાર અને અભિનેતા શ્રી મધુ રાયે સૂચિ બહેન અને તેમના ઇજનેર પતિ શ્રી ગીરીશભાઈ ને શ્રેષ્ઠ દંપત્તિ ગણાવ્યા. “આવો આવો” કહેવાથી કેવો પરિચય બંધાય છે તે વિશે દંપતીની સૌ સાથેની મૈત્રી વિશે દિલ ખોલીને વાત કરી.
સંત સાહિત્ય અને મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી, સો થી વધુ પુસ્તક લખનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગુજરાતી ભાષાભવનના અધ્યક્ષ રહી ચૂકેલા ડૉ. બળવંત જાનીએ કહ્યુ કે આ સામાન્ય કાર્યક્રમ નથી, એક સાંસ્કૃતિક ઘટના છે. ભારતીય ડાયસ્પોરા સાહિત્યને જોઈએ તેટલું એપ્રિસિએશન મળ્યું નથી. ગુર્જરી પ્રકાશન અને સૂચિ બહેન ના નિબંધો વિશે વાત કરનાર કરતાં તેમણે કહ્યું કે સૂચિ બહેન ના ઘરે ત્રણ પ્રકારના મહેમાનો આવે છે.પહેલા જેની સાથે સ્નાનસુતકનો પણ સંબંધ ન હોય તેવા લોકો, બીજા કુટુંબના પરિવારજનો અને ત્રીજા એવા મિત્ર જે પ્રસંગોપાત ગયા હોય. સૌને માટે તેમનો “આવો આવો”શબ્દોમાં જ સ્વાગત હોય. એમના વ્યક્તિત્વમાં એવું કંઈક છે જે આપણને એમની સાથે જોડી દે છે. બીજા માટે ચિંતા કરી પોતાની જાતને ઘસી નાખવી એ એમના લોહીના સંસ્કાર છે. આ કોઈ સામાન્ય નિબંધો નથી. લિપિ ગુજરાતી છે, પણ શિષ્ટ ગુજરાતી નહીં. આ ગુજરાતી વાણીના નિબંધો છે. એમાં પ્રસંગો છે તો પીડા પણ છે. નોંધારા થઈ ગયેલા કુટુંબીજનોની વેદના છે. કેઓસ થી કોસ્મોસની યાત્રા છે. ચૈતન્યશીલ લખાણો ધરાવતું આ એક અદ્વિતીય પ્રકારનું પુસ્તક છે.
રંગમંચના મંજાયેલ કલાકારો, બે વિશેષ મહેમાનો સુશ્રી મીનળ પટેલ તથા ઉત્કર્ષ મઝમુદારે સૂચિ બેનના પુસ્તકના બે અધ્યાયોનું શાનદાર પઠન કર્યું. “રસીદાબેનનો રાયજાદો રિયાઝ” તથા “ખંજર મિયાં સુઘોષ મઝમુદાર”.
ઉત્કર્ષ ભાઈએ એમની અમેરિકાની પહેલવહેલી નાટ્ય યાત્રા વિશે પણ રસપ્રદ વાત કરી. સુચિ બેનના મહેમાન બન્યા ત્યારે એમને કેટલી સુંદર રીતે સાચવ્યા. અચાનક બીમાર પડવાથી તેમણે ત્રણ દિવસ હોસ્પિટલમાં રહેવું પડ્યું અને તે હોસ્પિટલના ખર્ચ વિશે આજે પણ સૂચિ બેન પાસેથી કોઈ માહિતી નથી મળી એ વિશે વાત કરી. ઉપરાંત ન્યૂયોર્કમાં રહેતા તેમના કઝીને બે દિવસ માટે રહેવાની પણ પરવાનગી ન આપી, એ ઘટનાને યાદ કરીને આતિથ્યના વિરોધાભાસ વિશે વાત કરી.
સૂચિ બહેને પોતાની લેખક બનવાની ઘટનાને એટલી રમુજી રીતે રજૂ કરી કે સભાગૃહમાં બેઠેલા સૌ કોઈને ખૂબ મજા પડી. સૂચિ બહેને નિખાલસતાથી કહ્યું કે તેમને ગુજરાતી કે અંગ્રેજી એક પણ ભાષા સરખી રીતે આવડતી નથી. તેમને ગદ્ય કે પદ્ય વિશે કંઈ ખબર નથી પણ તેઓ લખે છે. મધુરાય, અનિલ જોશી, બાબુભાઈ સુથાર સીતાંશુ યશચંદ્ર જેવા સુપ્રસિદ્ધ સાહિત્યકારોએ કેવી રીતે તેમને લખવા માટે પ્રોત્સાહન આપ્યું અને તેઓ વાતુકારમાંથી વાર્તાકાર બની શક્યા. સાયકોલોજીના વિદ્યાર્થીની અને સાયકો થેરાપીસ્ટ તરીકે કામ કરતા સૂચિ બહેને કહ્યું કે એમના સમયમાં જેને કંઈ ના આવડતું હોય એ સાયકોલોજી ભણે એવું કહેવાતું અને સાયકોલોજીને ફેંકોલોજી કહેવાતી. સાઇકોથેરાપિસ્ટ તરીકે કામ કરતા સૂચિ બહેને દર્દીઓની ચિકિત્સા માટેની ગ્રુપ થેરાપીને બાજુ પર મૂકીને પોતાનો પોતાની આગવી થેરાપી શરૂ કરી, જેમાં તેમની પાસે આવતા દર્દીઓને સુથારી કામ, સીવણ કામ, રુફિંગ કામ વગેરે પ્રોજેક્ટ વર્ક કરાવતાં અને કામ કરતા કરતા કોઈને કોઈ વાત યાદ આવે ત્યારે બેસીને ગ્રુપમાં વાત કરતા. એ રીતે લાકડાની તલવાર વીંઝી કેટલાને સાજા કરી દીધા! અંતમાં તેમણે એક મહત્વપૂર્ણ વાત કહી કે મારે ત્યાં આવેલ મહેમાનો મારા માર્ગદર્શક છે. તેઓએ મને જીવન જીવવાની જડીબુટ્ટી આપી છે અને ખરેખર મને સાચવી છે. આજના કાર્યક્રમમાં પણ તેઓએ સૌને ફિલાડેલ્ફિયા ના તેમના નિવાસ્થાને આવવાનું ભાવભીનું આમંત્રણ આપ્યું.
કાર્યક્રમને અંત તરફ લઈ જતા પ્રિય ઉષાબેન ઉપાધ્યાયે શ્રેષ્ઠ આયોજન માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના ટ્રસ્ટી ડોક્ટર પ્રીતિ શાહ, ડૉ. કુમારપાળ દેસાઈ તથા અન્ય સાથી મિત્રો, સભ્યો, મંચ પર ઉપસ્થિત સૌ મહેમાનો, સભાગૃહમાં ઉપસ્થિત સૌ સાહિત્યકારો અન્ય શ્રોતાઓ, ગુજરાત વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને સમસ્ત કાર્યક્રમની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી કરીને એનું ફેસબુક પર જીવંત પ્રસારણ ની વ્યવસ્થા કરનાર, NIMCJ ના અધ્યાપક શ્રી કૌશલ ઉપાધ્યાય નો આભાર માન્યો.
ઉષા બહેને કહ્યું કે શબ્દ એ તો માનવીય સંવેદનાનું એવું રૂપ છે જે એક હૃદયથી બીજા હૃદય સુધી કાગળના માધ્યમથી પહોંચે છે. માનવીય સંવેદના અને સાત્વિકતા, એની ઊંચાઈ કેવી હોય, તેનો સાંસ્કૃતિક ઇતિહાસ સૂચિ બહેનના બંને પુસ્તકો “સૂચિ કહે..” અને “આવો આવો..” માં લખાયા છે. કાર્યક્રમને સમાપ્ત કરતા ઉષા બહેને, જેમના કારણે આ કાર્યક્રમમાં માનવતાનું અને સંવેદનાનું એક વિશ્વ ખુલ્યું એવા સૂચિ બહેનનો ખાસ આભાર માન્યો.