(1)
ઉષા જિમમાં જવાની તૈયારી કરી રહી હતી. તેની પ્રબળ ઈચ્છા હતી કે તે ફિટનેસ માટે જિમમાં જોડાઈને હવે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી શકે. ગમે તેમ તો યે તેણી હવે પચાસ વર્ષની ઉંમરે પહોંચી રહી હતી. ગયા મહિને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન થવાને કારણે હવે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર હતી.
ઉષા ઘરેથી નીકળતી જ હતી કે પુત્રવધૂ સોનાલી એ તેના રૂમમાં આવીને કહ્યું, ‘મમ્મી, પ્લીઝ, તમે કરણને તેના હોમવર્કમાં મદદ કરી શકો? તેને કાલે એક વિજ્ઞાનનો પ્રોજેક્ટ રજૂ કરવાનો છે. આમ પણ મને વિજ્ઞાન ફાવતું જ નથી અને તમે તો એમ. એસ. સી. વિથ ફિજિકસ કર્યું છે.’
‘હું ચોક્કસ તેને મદદ કરીશ, તે પહેલા ધોરણમાં છે તોયે શું થયું? આપણો દીકરો તેના અભ્યાસમાં હંમેશા આગળ પડતો જ હોવો જોઈએ.’
આટલું કહીને ઉષાએ તેની જિમ બેગ બાજુ પર મૂકીને પૌત્ર કરણને બોલાવ્યો, જેથી તે બંને તેના સાયન્સ પ્રોજેક્ટ પર કામ કરી શકે.
(2)
સુધા સવારે સાત વાગ્યે સ્પોર્ટ શૂઝ પહેરી રહી હતી. આજે તેણે પોતાની મોર્નીગ વૉકને પડકારરૂપે લીધી હતી, જે છેલ્લા મહિનાથી એક યા બીજા કારણોસર ઠેલાયા કરતી હતી. હકીકતમાં, ગયા મહિને તે ભાગ્યે જ ચાર થી પાંચ દિવસ ચાલવા ગઈ હશે, જો કે જાહેર બગીચો તો તેમના ઘરથી ખૂબ જ નજીક હતો.
‘મમ્મી પ્લીઝ, તમે બેબીનું ખાવાનું તૈયાર કરી શકો? મારે 7.30 સુધીમાં ઓફિસે પહોંચવાનું છે. મારે પ્રોજેક્ટની વિગતોનો પ્રિન્ટઆઉટ લેવાનો હજી બાકી છે, જેની મેં મિસ્ટર શાહને ખાતરી આપી હતી. આ રહ્યો મિલ્ક પાવડર.’
સુધાએ હકારમાં માથું હલાવ્યું. રિચા પાસે પોતાની માતાનો આભાર માનતી નજર માંડવાનો પણ સમય નહોતો! તેને ઓફિસ પહોંચવાની ઉતાવળ હતી.
(૩)
તે સાંજે બંને બહેનો, ઉષા અને સુધા ફોન પર એકબીજા સાથે વાત કરી રહ્યાં હતાં. સુધાએ પૂછ્યું, ‘ઉષા, આજે તારી જિમની કસરત કેવી રહી?’
‘સારી રહી, સુધા. ખરેખર તો હું લાંબા સમય માટે રોકાઈ શકી નહીં. મારે વહેલા પાછા આવવું પડ્યું, કારણ
કે નાનકડો કરણ મને તેનો પ્રોજેક્ટ બતાવવા માંગતો હતો. તે મારા વિજ્ઞાન શીખવવાની એટલી રાહ જોતો હતો! પરંતુ આવતા સોમવારથી, હું ચોક્કસ નિયમિતરૂપે જિમમાં જઈશ. તારી મોર્નિંગ વોકનું શું થયું ?’
‘ખૂબ સરસ રહી. તું તો જાણે છે ને કે મિસિસ ત્રિવેદી કેવી છે! તેણે મને છેલ્લી મિનિટે ડીચ કરી, પણ ખરેખર તો હું તેની આભારી છું કે હું રિચાની નાનકી સાથે સમય પસાર કરી શકી.’
બંને માતાઓએ સ્મિત રેલાવતાં પોતાનો ફોન પૂરો કર્યો. બંને સમજતા હતા કે ક્યારેક ખોટું બોલવું એ અયોગ્ય નથી હોતું !
(4)
આમ ને આમ વર્ષો વીતી ગયાં. કરણ હવે એક યુવાન કોલેજિયન હતો, અને ઉષા વૃદ્ધ દાદી બની ગયા હતાં.
‘સોનાલી, આજે તું મને ડોક્ટર પાસે લઈ જઈશ? મારા હૃદયના ચેકઅપ માટે, ડૉક્ટરે કહ્યું છે. આમ તો આ નિયમિત તપાસ છે.’
‘મમ્મી, હું આજે નહિ આવી શકું. બપોરે મારા મિત્રોનું ગેટ-ટુગેધર છે, અને ઘણા સમય બાદ હું જઈ રહી છું. સૉરી, આપણે આવતા સોમવારે જઈએ તો? હું તમારે માટે એપોઇન્ટમેન્ટ લઈ રાખીશ.’
એટલામાં ઘરમાં પ્રવેશતા કરણે આ વાતચીત સાંભળી લીધી. તે બોલ્યો, ‘દાદી, ચાલો હું તમને ડૉક્ટર પાસે લઈ જાઉં છું. આમેય ઘણા સમયથી હું ડૉક્ટર નાયરને મળ્યો નથી. મમ્મી, તું તારો પ્રોગ્રામ યથાવત રાખી શકે છે.’
સોનાલીએ વાત અટકાવતાં કહ્યું, ‘પણ કરણ, કાલે તારે સબમિશન નથી? દાદી આવતા અઠવાડિયે જઈ શકે ને?’
‘ના, મમ્મા, હું આજે જ તેમને ડૉક્ટર પાસે લઈ જઈશ.’
ઉષા પોતાના આંસુ છુપાવી ન શકી.
(5)
‘દાદી, તૈયાર થઈ જાવ. આપણે મધર્સ ડેના સેલિબ્રેશન માટે બપોરે લંચમાં જઈ રહ્યા છીએ.’
સુધા મલકાઈ ઉઠી, અને બોલી, ‘અનોલી, તારે મને માફ કરવી પડશે. તું જાણે છે કે હું સીડીઓ ચઢી શકતી નથી.’
‘એ નહિ ચાલે. જે લોકો બરાબર ચાલી શકે નહિ, તેઓ શું જમતા નહિ હોય? તમે, મા અને મારી સાથે આવો જ છો. મેં એવી રેસ્ટોરન્ટ પસંદ કરી છે જેમાં લિફ્ટની સુવિધા છે. આજે મધર્સ ડે છે અને હું તમને લીધા વિના નહિ જાઉં.’
રિચાએ અનોલી તરફ માર્મિક રીતે જોયું, પણ અનોલી પાસે માતાની નારાજગી પર પ્રતિક્રિયા આપવાનો સમય નહોતો.
સુધા પોતાના આંસુ છુપાવી ન શકી.
(6)
બીજે દિવસે બંને બહેનો, ઉષા અને સુધા એકબીજા સાથે ફોન પર વાત કરી રહ્યાં હતાં.
‘સુધા, અમે ગઈ કાલે મધર્સ ડે સેલિબ્રેટ કર્યો. અનોલી અને રિચા બંને હોંશપૂર્વક મને તેમની સાથે ઈન્ડિગોમાં લંચ માટે આગ્રહપૂર્વક લઈ ગયાં. એ તો કેટલી મોંઘી રેસ્ટોરન્ટ છે! મને ખરેખર રિચા અને અનોલી પર ગર્વ છે. કેવો સુંદર પરિવાર છે!’
સુધા પણ સહમત થઈ.
‘હા ઉષા, તું ખરેખર નસીબદાર છે. અને હું પણ નસીબદાર છું. ગઈ કાલે મારે ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ માટે જવાનું હતું, અને સોનાલી વ્યસ્ત હોવાથી કરણ મને ચેકઅપ માટે લઈ ગયો.’
‘હા બહેન, તેમની માતાએ બાળપણમાં તેમને કેટલા સુંદર રીતે ઉછેર્યાં છે! બધો શ્રેય તેમને જાય છે.’