આમ ટેવાઈ જવાનું…..
આંગણાની એક બાજુથી ફાલેલી મધુમાલતીની વેલ આખી ભીંતને ઢાંકી દઈને બીજા છેડા સુધી છવાઈ છે. ઘેરો ગુલાબી, ગુલાબી અને સફેદ રંગના ગુચ્છેગુચ્છા એવી રીતે લટકે છે જાણે તોરણ બાંધ્યા હોય.એની વચ્ચેથી ક્યાંક ઘેરાં લીલાં તો ક્યાંક પોપટિયા કૂમળાં પાન પોતાની હાજરી પૂરાવતા કહે છે કે અમે પણ આ શોભાના ભાગીદાર છીએ. પવનની સાથે હળીમળીને એ સુરભિના સંદેશ મોકલે છે બધે. ખુલ્લી અગાશીમાં બેઠેલી સ્વાતિ આ જોઈ રહી છે પણ તેના સુધી જાણે કે કશું જ પહોંચતું નથી. તેને ખૂબ ગમતી સુગંધ પણ અનુભવાતી નથી. અંદરના વંટોળે બહારની દુનિયાને ધૂંધળી બનાવી દીધી હતી.
અચાનક પાછળથી કોઈએ આંખ દબાવી અને સ્વાતિ ચોંકી ગઈ. અલ્પેશ તો અત્યારે ક્યાંથી હોય. તેણે હાથ ખસેડ્યા તો ‘અરે, નીતા, તું! ખરા બપોરે ટાઈમ મળ્યો? ફોન પણ નહીં ને અચાનક…..?’
‘કેમ, ફોન કર્યા વિના ન અવાય? તું તો લગ્ન પછી બહેનપણીને ભૂલી જ ગઈ છે. તો મને થયું સાસરે કેવા રાજ કરે છે મારી બહેનપણી, જોઈ આવું!’ સ્વાતિની પીઠ પર ધબ્બો મારતાં નીતાએ કહ્યું.
‘સારું થયું તું આવી.’ સ્વાતિના ચહેરા પર ફિક્કું હાસ્ય હતું.
‘અરે, તારો ચહેરો ઊતરેલી કઢી જેવો કેમ થઈ ગયો છે? કશું થયું છે? ચિંતાથી નીતાએ પૂછ્યું.
‘ના, ના, કશું નથી.’ સ્વાતિએ ઊભા થતાં કહ્યું ‘તારે માટે ચા બનાવી લાવું.’
નીતાએ હાથ પકડીને તેને બેસાડી દીધી. ‘ચા નથી પીવી મારે. તું બેસ.’
થોડીવાર મૌન પથરાયું. સ્વાતિ કશું બોલી શકી નહીં.
તેની પીઠ પર હાથ ફેરવતા નીતાએ ફરી પૂછ્યું ‘મને તો કહે, સ્વાતિ, શું થયું છે? તું જાણે છે આપણે આજસુધી એકબીજાથી કશું ય છુપાવ્યું નથી.’
‘બહુ જુદો છે એ. મેં ધાર્યું હતું એના કરતા. જે અલ્પેશને મેં પ્રેમ કર્યો હતો એ તો……’ ગણગણતી હોય એમ સ્વાતિ બોલી.
‘એ તો શું……?’
‘કેવી રીતે સમજાવું?’ સ્વાતિએ શૂન્યાવકાશમાં તાકતા કહ્યું.
‘ઓ. કે. હું તને સીધા સવાલ પૂછું. એને લફરું છે કોઈની સાથે?’
‘ના.’
‘એ તને મારે છે?’
‘ના.’
‘એ તને પ્રેમ નથી કરતો?’
‘કરે છે, ખૂબ કરે છે.’
‘અરે યાર, તો શું છે આટલું બધું! નીતાએ અકળાઈને કહ્યું હતું.
‘બસ, આટલું પૂરતું હોય છે કોઈની સાથે જીંદગી વીતાવવા માટે!!!’
‘તો શું જોઈએ તારે.
‘મારે જે જોઈએ છે તે….’
સ્વાતિની વાત સાંભળી નીતા બોલી ઊઠી. ‘તું રાઈનો પહાડ બનાવે છે સ્વાતિ. આવી નાની નાની વાતોમાં મતભેદ સારા નહીં.’
‘તને આ નાની નાની વાતો લાગે છે?’ સ્વાતિએ ઉદાસ સ્વરે કહ્યું.
‘મને લાગે છે કે તું ઓવરરિએક્ટ કરે છે. હું જાઊં છું પણ સ્વાતિ, કશો ય નિર્ણય લેવામાં ઉતાવળ ન કરીશ. સંબંધો બંધાતા વાર લાગે છે. એની માવજત કરવી પડે. આપણે ફોનથી વાત કરતા રહીશું.’
નીતા જ મારી મૂંઝવણ સમજી શકતી નથી તો … પણ તે કદાચ સાચું કહેતી હતી. ‘સંબંધો બંધાતા વાર લાગે છે.’ સ્વાતિએ વિચાર્યું. અમને જરાય વાર લાગી નહોતી. કૉલેજમાં નીતાના ભાઈ સાથે પહેલીવાર અલ્પેશને જોયો અને સ્વાતિ મુગ્ધ બની ગઈ હતી. ક્યારે પરિચય વધ્યો અને એકબીજાના પ્રેમમાં પડ્યા – ખબર જ ન પડી.
અલ્પેશના મળતાવડા સ્વભાવે સ્વાતિનાં મમ્મી-પપ્પાને જીતી લીધાં. સ્વાતિએ બી. એ.ના છેલ્લા વર્ષની પરીક્ષા આપી ને તરત લગ્ન થઈ ગયાં. પછીના આરંભના દિવસો તો પતંગિયાની જેમ ઊડી ગયા. સિમલા ફરીને પાછાં આવ્યાં અને રોજિંદુ જીવન શરૂં થયું. સ્વાતિની રસોઈનો અલ્પેશ દીવાનો હતો. રોજરોજ તે અલગ અલગ ફરમાઈશ કરતો અને સ્વાતિ હોંશથી બનાવી આપતી. એક રવિવારે સ્વાતિએ નક્કી કર્યું કે અલ્પેશને દાળવડાં ભાવે છે તો બનાવીએ. આગલી રાત્રે જ તેણે મગની ફોતરાંવાળી દાળ પલાળી દીધેલી. સવારે સ્વાતિ નહાવા ગઈ ને મમ્મીને એમ કે દાળ વાટી નાંખું તો સ્વાતિના કામમાં સરળતા રહે. સ્વાતિએ રસોડામાં આવીને જોયું તો દાળ ખાસ્સી ઝીણી હતી અને પાણીવાળી હતી. તેના હવે દાળવડા થાય એમ જ નહોતું. મમ્મી પણ મૂંઝાયેલા હતા. અલ્પેશને વસ્તુસ્થિતિની ખબર પડી અને તે મમ્મી પર વરસી જ પડ્યો. ‘ગમાર છે સાવ તું. ખબર ન પડે તો દૂર રહેતી હોય તો, દિવસ બગાડી નાખ્યો આજનો. ….! કહી મોઢું બગાડીને જતો રહ્યો. સ્વાતિ ચોંકી ગઈ. ‘આ ભાષા…! મમ્મી તો એવાં ખસિયાણાં પડી ગયાં. સ્વાતિએ તરત જ કહ્યું ‘મમ્મી, કંઈ વાંધો નહીં. આના તો સરસ પૂડલા બની જશે, સવારનો પૌષ્ટિક નાસ્તો’ મમ્મીના ચહેરા પર હાશકારો છવાયો.
રાત્રે લેપટોપ પર કામ કરતા અલ્પેશને તેણે પૂછ્યું. ‘આજે તેં મમ્મી સાથે આવી રીતે વાત કેમ કરી?’
અલ્પેશે આશ્ચર્યથી પૂછ્યું. ‘મમ્મી સાથે! ક્યારે! કેવી રીતે વાત કરી?’
સ્વાતિ આઘાતથી જોઈ રહી. ‘આટલું જલ્દી ભૂલી ગયો? સવારે તેં મમ્મીને ગમાર….’
‘ઓહ્હો, સવારની વાત. જો સ્વાતિ, મમ્મીને સીધુંસાદું ગુજરાતી ખાવાનું બનાવતા આવડે. કંટાળી ગયો છું હું એવું ખાઈ ખાઈને. હવેથી રસોડું તું જ સંભાળી લેજે. માય એક્સપર્ટ રસોઈ ક્વીન.’
પણ તું જે રીતે મમ્મી પર ચિડાઈ ગયો, તારા અવાજમાં જે તોછડાઈ હતી….
સ્વાતિ વાક્ય પૂરું કરે ત્યાં જ કંટાળાથી અલ્પેશ બોલ્યો. ‘અરે યાર, મા છે મારી. જે રીતે વાત કરવી હોય તે રીતે કરું. એને ખબર છે મારા સ્વભાવની. ટેવાઈ ગઈ છે એ. તું હવે છાલ છોડ ને!!’
જાણે અલ્પેશે તમાચો માર્યો હોય તેમ સ્વાતિનો ચહેરો લાલ થઈ ગયો. ક્યાંય સુધી તે પલંગ પર બેસી રહી. એને કહેવાનું મન થયું. એ માત્ર તારી મા નથી, સ્ત્રી છે.
એકવાર અલ્પેશ ડાઈનિંગ ટેબલ પર બેઠો બેઠો મોબાઈલ મચડતો હતો. સ્વાતિ રૂમમાં સફાઈ કરતી હતી. મમ્મીને ઉપરથી કશુંક જોઈતું હતું. તેણે અલ્પેશને કહ્યું ‘બેટા, જરાક માળિયામાંથી આ ઊતારી દે ને.’ અલ્પેશે કહ્યું ‘તું ઉતારી લે ને.’ તેને મોબાઈલમાંથી ઊંચું જોવાનો પણ સમય નહોતો. મમ્મીએ ટેબલ લીધું ને ઉપર ચડ્યા તે જોઈ સ્વાતિ શ્વાસભેર દોડી ગઈ. ‘તમે કેમ ઉપર ચડ્યાં, મમ્મી, પડી ગયાં હોત તો? અલ્પેશ, મમ્મીએ કહ્યું તે સાંભળ્યું કેમ નહીં.’ અલ્પેશે બેફિકરાઈથી કહ્યું ‘તેને કશું ન થાય, ટેવાયેલી છે.’ અને મોબાઈલ લઈને રૂમમાં જતો રહ્યો. સ્વાતિએ મમ્મી સામે પ્રશ્નાર્થનજરે જોયું તો એમણે સહેજ હસીને કહ્યું. ‘દીવાલ સાથે માથું શું કામ અથડાવે છે. એ તો એવો જ છે.’
આ ટેવાઈ જવું એટલે શું? શેનાથી ટેવાવાનું હોય છે અને શા માટે? મમ્મી કેમ આ ચલાવી લે છે? આ કોઈ મોટી વાત નહોતી પણ આવી નાની નાની વાતોનો સરવાળો થાય તો….. સ્વાતિના મનમાં પ્રશ્નોની હારમાળા જન્મી હતી. તેને કલ્પના પણ ન હતી કે તેની અંદર રહેલો મીણનો દોરો ધીરે ધીરે સળગી રહ્યો છે. એમ જોઈએ તો કશું જ બદલાયું ન હતું છતાં ક્યાંક કશું ધરમૂળથી બદલાઈ રહ્યું હતું.
કોઈએ કહ્યું હોત તો સ્વાતિ માનત નહીં કે અલ્પેશ આવી રીતે વાત કરે! પણ ધીમે ધીમે અલ્પેશનું ક્યારેય કલ્પ્યું ન હોય એવું રૂપ સામે આવતું જતું હતું. જે અલ્પેશને તે ઓળખતી હતી, સતત હસતો, હસાવતો. કેટલી બધી બાબતોમાં એને રસ. વળી, પ્રવાસનું આયોજન તો એનું જ. અલ્પુથી આ અલ્પેશને અલગ કેવી રીતે તારવવો! એકવાર ફોન પર તેને વાત કરતા સાંભળી ગઈ હતી. ‘આઈટમ છે સોલિડ, તને વીડિયો સેન્ડ કરું છું. એકલો જ જોજે. આ બૈરાઓ બહુ કચકચિયા હોય છે.’ અલ્પેશમાં રહેલા આ પુરુષને તો તેણે ઓળખ્યો જ નહોતો. શું ખરેખર તેણે આવા માણસને પ્રેમ કર્યો હતો?
સ્વાતિને નવાઈ લાગતી હતી કે કોઈને કેમ એવું લાગતું જ નથી કે અલ્પેશનું આ પ્રકારનું વલણ બરાબર નથી!
એકવાર તેણે ચારેક ખાસ મિત્રોને ઘેર બોલાવ્યા હતા. સ્વાતિ અને મમ્મી તેમને માટે ચા-નાસ્તો તૈયાર કરી રહ્યા હતા. ડ્રોઈંગરૂમમાંથી મોટા અવાજે હા…હા….હી…હી…, ઠઠ્ઠા-મશ્કરી અને અટ્ટહાસ્યના અવાજો આવતા હતા. સ્વાતિ શરબતના ગ્લાસ લઈને એ રૂમમાં જવા ગઈ ત્યાં જ ઓફિસમાં કામ કરતી કોઈ યુવતી વિશે અભદ્ર કોમેન્ટ સાંભળીને રોકાઈ ગઈ.
‘અરે, ભાભી, કેમ રોકાઈ ગયાં. તમારી રસોઈનાં તો અલ્પેશ એટલાં વખાણ કરતો હોય છે કે એમ થાય કે અઠવાડિયું અહીં જ રોકાઈ જવું પડશે.’
હળવું સ્મિત કરીને સ્વાતિ ત્યાંથી નીકળી ગઈ. પણ પછી અલ્પેશને પૂછ્યા વિના ન રહી શકી. ‘કોઈ યુવતી વિશે તમે આવી રીતે વાત કેમ કરી શકો?’
‘અરે, એ તો ટાઈમપાસ. તું આટલું બધું ઝીણું ઝીણું શું કાંતે છે.’
‘ટાઈમપાસ માટે તમને કોઈ સારો મુદ્દો ન મળ્યો?’ સ્વાતિએ અકળાઈને પૂછ્યું.
અલ્પેશે હાથ જોડીને કહ્યું ‘ વાતેવાતે તને વાંધાવચકા કેમ પડે છે. એ તો આવું જ ચાલે. કાલ સવારે તુંય ટેવાઈ જઈશ.’
સ્વાતિ ચોંકી ગઈ! અલ્પેશ આ શું બોલી ગયો? પળવાર તો તેને થયું કે જે સાંભળ્યું છે તે ખોટું છે. હમણાં જ અલ્પેશ કહેશે ‘સોરી, મારાં કહેવાનો મતલબ એવો નહોતો. ’ પણ અલ્પેશ તો જાણે તે કશું બોલ્યો જ નથી એમ ફરી લેપટોપમાં વ્યસ્ત. અચાનક મમ્મીની જગ્યાએ પોતે ગોઠવાઈ ગઈ હોય એવું સ્વાતિએ અનુભવ્યું. બધું ચક્રાકારે ફરતું લાગ્યું. તે ગેલેરીમાં જઈને ઊભી રહી. ડિલીટ કરીને ભૂંસી શકાય એવી આ વાત હતી? આજ સુધી અલ્પેશના બોલાયેલાં એકેએક વાક્યો, શબ્દો નહીં, અક્ષરો પણ મચ્છરોની જેમ ગણગણાટ કરતા હતા. માથું આમતેમ હલાવો કે બંને હાથ વીંઝો, દૂર જવાને બદલે અવાજની તીવ્રતા વધતી જતી હતી. દૂર અંધારામાં રસ્તા પર ગાડીઓનો પ્રકાશ પાસે આવતો. દૂર જતો. ઘડીકમાં ઉજાસ ફેલાતો, ઘડીકમાં ઓલવાતો. તેને થયું ‘આમ ટેવાઈ જવું એ જ તેની નિયતિ છે?’ તેને યાદ આવ્યું પપ્પાએ એકવાર મમ્મીને કહ્યું હતું. ‘તમે સ્ત્રીઓ બધું ચલાવી લો છો એટલે જ અમે પુરુષો તમારી માથે ચડી બેસીએ છીએ. તમે જ ટેવ પાડો છો અમને.’
સ્વાતિએ મનોમન નક્કર નિશ્ચય કર્યો. અંદરથી અલ્પેશની બૂમ સંભળાઈ. પવને ધીમેકથી મધુમાલતીનાં પાંદડાંને ઝુલાવ્યાં ને રાતના અંધારામાં ય તેના રંગોની છાલક સ્વાતિની આંખોમાં છવાઈ ગઈ. તેણે મક્કમતાથી અલ્પેશ પાસે જવા પગલાં માંડ્યા.
– पारुल कंदर्प देसाई