गुजराती साहित्य
તેજલિસોટો
નિમિષાને લાગ્યું કે જાણે આગનો ગોળો તેની સામે આવી રહ્યો છે. તે દોડે છે, ભાગે છે અડવડિયાં ખાતી ખાતી, અથડાતી અથડાતી, પણ ગોળો તો સામે ને સામે, જ્વાળાઓથી ભભૂકતો, દઝાડતો. દોડે પણ કેટલું? કેટલું ભાગે? ભાગતાં ભાગતાં એકદમ તે જોરથી કશાક સાથે અથડાઈ. જોયું તો અંધારા સાથે ઓગળી જતી કાળી કાળી ભીંત. આગળ આગનો ગોળો અને પાછળ કાળી ભીંત. જાય તો જાય ક્યાં? તેણે ચીસ પાડી ‘પલાશ, પલાશ…’ ને એકદમ આંખો ખૂલી ગઈ. તે તો પથારીમાં જ હતી. શરીર પરસેવે રેબઝેબ હતું. પલાશ તેની બાજુમાં સૂતો હતો, ઘસઘસાટ. તો આ સપનું હતું? તેણે ચીસ પણ સપનામાં પાડી હતી? તેણે પેટ પર હાથ ફેરવ્યો. આવા સમયે બિહામણાં સ્વપ્નાઓ કે ખોટા વિચારો બાળકને નુકસાન પહોંચાડે, ડોકટરે કહ્યું હતું. પલાશને ઉઠાડીને સ્વપ્ના વિશે વાત કરવાનું મન થયું. એને ક્યાં ખબર છે આવનારા વંટોળની? ના, ના, એની ઊંઘ નથી બગાડવી એમ વિચારી તે ધીમેથી પથારીમાંથી ઊભી થઈ. મોબાઈલમાં જોયું. સવારના ચાર વાગ્યા હતા. સવારનાં સ્વપ્નાં સાચાં પડતાં હોય છે એમ કોઈકે કહ્યું હતું. આવા કશાયમાં નહોતી માનતી તોય તે ધ્રૂજી ગઈ. રસોડામાં જઈને ઠંડુ પાણી પીધું ને ગેલેરીમાં જઈને હીંચકા પર બેઠી. આજે તો સ્ટ્રીટલાઈટ બંધ હતી અને અમાસની રાત એટલે અંધકારનું સામ્રાજ્ય પૂરેપૂરું ફેલાયેલું હતું. તેના પગ હીંચકાને ઠેસ મારતા હતા પણ મનમાં તો ઉથલપાથલ મચી હતી. કોઈ માર્ગ સૂઝતો ન હતો. અજંપાથી ભરેલા મન સાથે તે દૂર દૂર આકાશમાં ચમકતા તારા સામે તાકી રહી હતી. થોડીવારમાં પૂર્વ દિશામાંથી અંધકારને ચીરતો એક તેજલિસોટો થયો ને એની પાછળ સૂર્યદેવની સવારી.
લગ્ન પહેલાં જ પલાશે કહ્યું હતું ‘નિષુ, પપ્પાના અવસાન પછી મમ્મીએ મને પેટે પાટા બાંધીને મોટો કર્યો છે. હવે એમને સાચવવાની જવાબદારી મારી છે. એમને દુઃખ થાય એવું કશું હું નહીં સહન કરી શકું.’
‘માત્ર તારી નહીં આપણી જવાબદારી.’ મેં કહ્યું હતું.
બે વર્ષ થયાં લગ્નને પણ ક્યારેય મમ્મીએ સાસુપણું બતાવ્યું ન હતું. ઘરના બધાં જ કામમાં સાથે ને સાથે. એટલું જ નહીં પણ બંને સાસુ-વહુને બદલે મિત્રો બની ગયાં હતાં. ક્યારેક તો નિમિષાને લાગતું પલાશ કરતાં પણ મમ્મી તેનું ધ્યાન વધારે રાખે છે. સાંજે બેંકમાંથી ઘેર આવતાં મોડું થાય તો હાંફળાંફાંફળાં થઈ જતા. મમ્મીની આ ચિંતા તેને સમજાતી નહીં. ક્યારેક અકળામણ પણ થતી. અણગમાનો ઉભરો આવતો અને શમી જતો. બંને વચ્ચે સમજણનો સેતુ રચાયો હતો. પણ ગઈકાલનું મમ્મીનું રૂપ જોઈને તે ડઘાઈ ગઈ હતી. મમ્મી આવું કશું કહે એ તેની સમજમાં નહોતું ઉતરતું.
ગઈકાલનો મમ્મી સાથેનો એ સંવાદ…
ભાખરી વણતાં વણતાં એકદમ મમ્મીએ પૂછ્યું હતું. ‘તું ડોકટર પાસે જઈ આવી?’
‘ડોકટર પાસે? કેમ, મને તો એકદમ સારું છે. હવે તો મહિના પછી બતાવવા જવાનું છે.’
‘ના, એમ નહીં પણ….‘તે બોલતા અચકાતા હતા, તેમના ચહેરા પર વાત કઈ રીતે કરવી તેની મૂંઝવણ દેખાતી હતી. મમ્મી સ્પષ્ટવક્તા હતા. આટલી અવઢવ તો તેમને ક્યારેય ન થાય. ગેસ ધીમો કરી મમ્મીના હાથમાંથી વણેલી ભાખરી લઈને તેણે લોઢી પર નાંખી ત્યાં જ તેને મમ્મીનો અવાજ સંભળાયો.
સરલાબહેન કહેતા હતા કે હવે તો છોકરો છે કે છોકરી તેની પહેલાથી ખબર પડી જાય છે.
‘એટલે?’ ભાખરી ઉથલાવતા નિમિષાની આંગળી દાઝી ગઈ. ‘તમે ગર્ભપરીક્ષણની વાત કરો છો?’
‘હા, એ જ.’ ભાખરી વણતાં વણતાં જોરથી લૂઆને દબાવીને તેમણે કહ્યું હતું.
પળવાર તો નિમિષાને થયું કે તેણે કશું સાંભળ્યું જ નથી અથવા જે સાંભળ્યું તે ખોટું હતું. તે આઘાતથી મમ્મી સામે જોઈ રહી.
‘કેમ?, એવી શી જરૂર છે? અને એ છોકરી છે કે છોકરો એ જાણીને આપણે શું કરવું છે?’
‘જાણીને શું કરવું છે એટલે? નથી જોઈતી મારે છોકરી આ ઘરમાં. મારે આ વાતે કોઈ દલીલ ન જોઈએ. સો વાતની એક વાત. મારે આ ઘરમાં છોકરીને જન્મ નથી આપવો.’ એમના અવાજમાં કશુંક એવું હતું કે નિમિષા કશું બોલી ન શકી.
જોરજોરથી ભાખરીના લુઆ દબાવતા તેમણે ફરી એકદમ કડકાઈથી અને કઠોર ચહેરે કહ્યું હતું. ‘અને જો, આ બાબતે અત્યારે પલાશને વાત કરવાની જરૂર નથી. હું તપાસ કરીને ડોકટરનો ટાઈમ લઈ લઈશ. ત્યારે તું રજા લઈ લેજે અને આપણે બંને જઈ આવીશું.’
‘પણ મમ્મી….’હું કશું કહેવાનો પ્રયત્ન કરું તે પહેલાં તેમણે મને ઈશારાથી રોકી લીધી. સાવ સપાટ ચહેરો હતો મમ્મીનો. ના, અત્યારે કશું કહેવાય એવું ન હતું. આજ સુધી હું જેને ઓળખતી હતી તે સ્ત્રી આ ન હતી.
હીંચકા પરથી ઊભા થતાં નિમિષાએ વિચાર્યું. ના, હવે રાહ નહીં જોવાય. મમ્મી એપોઈન્મેન્ટ લઈ લે એ પહેલાં આનું નિરાકરણ લાવવું પડશે. પલાશને પણ કહેવું પડશે. પલાશ માનશે? આમ તો આ સમાચાર સાંભળીને તેણે કહ્યું હતું કે ‘તારા જેવી એક પરી જોઈએ છે આ ઘરમાં.’ પણ મમ્મીની વાતને તે નકારી શકશે?
મમ્મીને જૂનાં ગીતો સાંભળવાં ગમે. સવારે રસોઈ કરતાં કરતાં રોજ ગીતો સાંભળવાનો તેમનો નિયમ હતો. તે રોટલી કરતી હતી અને મમ્મી શાક વઘારતાં હતાં. ત્યાં જ રેડિયો પર જાહેરાત આવી. આજે તો જેણે આખા વર્ષમાં શ્રેષ્ઠ કામ કર્યું હોય તેને એવોર્ડ આપવાનો છે અને તે છે વિભા ત્રિવેદી. અરે, આવું જોખમભર્યું કામ છોકરીઓ પણ કરે છે? ‘હા, ભારતની દ્રષ્ટિ હવે બદલાઈ રહી છે. દીકરીઓ જન્મી રહી છે. દીકરીઓ આગળ વધી રહી છે. તેણે મમ્મીની સામે અર્થસભર નજરે જોયું. મમ્મીનો ચહેરો ફરી એકદમ ગઈકાલની જેમ જ કડક થઈ ગયો અને તે રસોડાની બહાર જતાં રહ્યાં.
ભલે આજે બેંકમાં રજા મૂકવી પડે. આજે તો વાત કરવી જ પડશે. તે ગેસ બંધ કરી મમ્મીની પાછળ પાછળ ગઈ તો તેણે જોયું કે મમ્મી પસ્તીમાં મૂકી દીધેલા છાપાઓ ફંફોસતાં હતાં. તે આશ્ચર્યથી જોઈ રહી.
‘શું જોઈએ છે મમ્મી, મને કહો, હું શોધી આપું?’
ડાઈનિંગ ટેબલ પર છાપાઓનો ઢગલો મૂકીને આવેગથી થરથરતા અવાજે તેમણે કહ્યું ‘લે, વાંચ આ છાપાઓ એટલે સમજાશે પેલી જાહેરાતો કેટલી પોકળ છે. જો આ, ‘દુષ્કર્મ કાંડઃ મારી સાથે નવ નરાધમોએ ચાલીસ વખત દુષ્કર્મ કર્યું.’ અહીં જો લખ્યું છે ‘દહેજ ઓછું મળવાને કારણે યુવતીને સળગાવી દીધી.’ આ વાંચ ‘ચાલુ વાહને ગેંગરેપ’ બોલતાં બોલતાં મમ્મી હાંફી ગયાં હતાં. ડાઈનિંગ ટેબલ પાસેની ખુરશીમાં ફસડાઈ પડ્યાં. તેમની બંને આંખો આંસુથી છલોછલ હતી. રૂદનને રોકવા તેઓ ભરપૂર પ્રયત્ન કરી રહ્યા હતા. રોજેરોજના છાપામાં….રોજેરોજ એક ઘા થઈને ફેંકાય છે મારા ચિત્તમાં આ વાત. ના, ના, આ સમાજમાં મારે મારા ઘરમાં છોકરી ન જોઈએ. તને વહેલું મોડું થાય તો ય મારો જીવ તાળવે ચોંટી જાય છે, ખબર છે તને?
થોડીવાર તે ચૂપ થઈ ગયા. નિમિષા સ્તબ્ધ બની તેમને જોતી રહી. જાણે પેટાળમાં જોતી હોય તેવી તેમની દ્રષ્ટિ હતી.‘ જાણવું છે તારે? શું કામ આવું વિચારું છું હું?’
કશું બોલ્યા વિના નિમિષાએ ડોકી હલાવી.
અમે ત્રણ બહેનો. હું બધાંથી નાની. દર વખતે એક જ આશા કે હવે તો દીકરો જ આવશે. ત્યારે તો આવું પરીક્ષણનું ક્યાં હતું. પહેલાંના જમાનામાં છોકરીનો જન્મ થાય એટલે દૂધપીતી કરી દેતા. અમારા સમયમાં તો એવું કશું જ નહોતું. એક પછી એક ત્રણ દીકરીઓના જન્મે મારા બાપુજીને જાણે કે પાગલ કરી દીધાં હતા. પિતાનો સ્નેહ અમને ક્યારેય ન મળ્યો. મા અમને તો બચાવી લેતી હતી પણ રોજની મારપીટથી એનું શરીર સાવ લેવાઈ ગયું હતું. દીકરીઓને ભણાવવાની કંઈ જરૂર નહીં, સહેજ મોટી થાય એટલે પરણાવી દેવાની. બંનેમાંથી એકે ય બહેનો લગ્ન પછી સુખી ન થઈ. નાની ઉંમરે મોટીબહેનના લગ્ન થઈ ગયા. ત્રણ વાર એ ઘેર પાછી આવી. જલ્લાદ છે ત્યાં બધા. મારે ત્યાં નથી રહેવું, કાકલૂદી કરી કરીને થાકી પણ કોઈએ ન સાંભળ્યું. મહિનામાં જ સમાચાર આવ્યા કે રસોડામાં સ્ટવ ફાટતાં દાઝી ગઈ. બધાં ય મનમાં જાણતા હતા કે દાઝી ગઈ કે….
મમ્મી…?
બીજીના ય નસીબ વાંકા. તેનો પતિ એવો શંકાશીલ, પડોશી જોડે પણ હસીને ન બોલાય. મારીમારીને અધમૂઈ કરી નાંખે. આ જીવતર.
પણ મમ્મી તમે તો……નિમિષા દલીલ કરવા ગઈ પણ એનો સ્વર તૂટ્યો.
હા, હું બચી ગઈ. ભણવામાં હું હોશિયાર અને એ વખતે કન્યાકેળવણી મફત એટલે એસ. એસ. સી. સુધી ભણાવી અને પરણાવી દીધી. સદભાગ્યે તારા સસરા ભગવાનનું માણસ. એમની સાથે લગ્ન કર્યા પછી મને આનંદ કોને કહેવાય એની ખબર પડી. આ સુખ બહુ લાંબુ ન ટક્યું. પલાશ પાંચ વરસનો થયો અને અચાનક એ જતા રહ્યા. પછી વિધવા સ્ત્રી તરીકે હું કેવી રીતે જીવી છું એ કથા તો બહું લાંબી છે બેટા. મારું કહ્યું માન. દીકરી એટલે રાત-દિવસ પીડા….પીડા….પીડા… નિમિષા કશું ન બોલી શકી. બંને સ્ત્રીઓ હાથમાં હાથ પકડીને સૂનમૂન થઈને બેસી રહી. સવારનો તેજલિસોટો અગનગોળામાં ફેરવાઈ ગયો હતો. ધીમી લાંબી, તપેલી બપોર અને બે સ્ત્રીઓ.
એવું તો નથી કે મમ્મીની વાત ખોટી છે. નિમિષાની અંદર વિચારવલોણું શરું થયું. પરિસ્થિતિ તો આજે ય એ જ છે. કદાચ એથી ય બદતર. તેને પલ્લવી સાથેની વાત યાદ આવી. પલ્લવીની દીકરી કૉલેજમાં ભણતી હતી. એ કહેતી હતી ‘બહુ ચિંતા થાય છે આ જાનુની. સોશિયલ મીડિયા પર એને એના ફોટા મૂકવા હોય. હું ના પાડું એટલે અકળાય.’ ડગલેને પગલે સાચવવાનું. પણ એથી આવો નિર્ણય કેવી રીતે કરાય?
પલાશ ઘેર આવ્યો ત્યારે જોયું કે નિમિષાનો ચહેરો મુરઝાયેલો છે. ‘તારો ચહેરો આવો કેમ છે? બેંકમાં તો કંઈ થયું નથી ને?’ અને મમ્મી ક્યાં છે?’
‘મમ્મી શાક લેવા ગયા છે. મને સહેજ સારું નથી લાગતું એટલે રજા લીધી છે.’ નિમિષાએ ઉદાસ ચહેરે કહ્યું?’
અરે, તો મને કેમ ફોન ન કર્યો? ડોકટરને બોલાવ્યા’તા? જોઈએ તો વધારે રજા લઈ લે. આ પરિસ્થિતિમાં તો તારે આરામ જ કરવો જોઈએ.’ પલાશે એકદમ ગભરાઈને કહ્યું.
પલાશ, એ જો છોકરી હોય તો….? નિમિષાએ પલાશના હાથ પકડીને કહ્યું.
‘તો શું?’ પલાશ આશ્ચર્યથી જોઈ રહ્યો. ‘આ તે કેવો સવાલ? મારે તો નાનકડી પરી જ જોઈએ છે, બિલકુલ તારા જેવી. પણ તું આવું કેમ પૂછે છે?’
નિમિષાએ ધીમે ધીમે બધું પલાશને કહ્યું. પલાશના ચહેરાના ભાવ બદલાતા ગયા પણ તે કંઈ બોલવા જાય તે પહેલાં જાળી ખૂલવાનો અવાજ આવ્યો.
‘મમ્મી આવી ગયા લાગે છે. તું આરામ કર. હું જઉં છું.’ પલાશ ડ્રોઈંગરૂમમાં આવે ત્યાં જ મમ્મીની ચીસ સંભળાઈ. ‘શું થયું મમ્મી?’ દોડતા આવીને તેણે જોયું તો મમ્મીના ચહેરા પર ગભરાટ અને આંખોમાં આંસુ હતા. નીચે ચકલી પડી હતી. મમ્મી એના પર પાણી છાંટતી હતી. પલાશને જોઈને તેણે કહ્યું. મને શું ખબર ચકલી પંખા પર બેઠી હશે. મેં પંખો ચાલુ કર્યો ને તે ગભરાઈને ઊડવા ગઈ તો સહેજ પંખા સાથે અથડાઈ.’
‘પણ તું પાણી શું કામ છાંટે છે?’ પલાશે પૂછ્યું. ચીસ સાંભળીને દોડી આવેલી નિમિષા અને મમ્મી બંને આશ્ચર્યથી જોઈ રહ્યા. ‘જોતો નથી બેહોશ થઈ ગઈ છે. પાણી છાંટીશ એટલે ભાનમાં આવી જશે.’
‘પણ એને ભાનમાં લાવીને તારે કામે ય શું છે? ભલેને મરી જતી.’
‘પલાશ…’ મમ્મીનો ચહેરો ગુસ્સાથી લાલચોળ થઈ ગયો. ‘આ શું બોલે છે ભાન છે તને?’
‘સાચું કહું છું મમ્મી. એ જીવશે તો વળી પંખા સાથે અથડાશે અને ઊડીને બહાર જશે તો ય બાજ અને બિલાડા તો એની ઉપર નજર નાંખીને જ બેઠા હોય છે.’
‘સટ્ટાક’ પલાશના ગાલ પર એક જોરદાર તમાચો પડ્યો ‘આ કેવું વિચારવા લાગ્યો છે તું? એટલે એને મારી નાખવાની? જો ભગવાને એનામાં જીવ મૂક્યો છે તો પોતાનું રક્ષણ કરવાની શક્તિ પણ મૂકી છે એવું નથી શીખવ્યું મેં તને?’
‘એવું જ શીખવ્યું છે મા, તેં મને એવું જ શીખવ્યું છે.’પલાશે મમ્મીના બંને હાથ પકડીને કહ્યું. ‘પણ આજે તો તું એ વાત ભૂલી ગઈ છે એટલે જ તેં નિમિષાને….?
ગાઢ જંગલ જેવું મૌન પથરાઈ ગયું હતું. આખરે પલાશે માને સોફા પર બેસાડી તેના હાથ ઉપર હાથ મૂકીને કહ્યું. ‘મેં સાંભળી છે તમારી વાત. હા, આજે ય તમે કહો છો એવી જ પરિસ્થિતિ છે. એટલે જીવનનો નકાર? એ આવનાર જે હશે તે. એ નવજીવનનું પ્રતીક છે મા, જો એ છોકરો હશે તો એને સાચી દ્રષ્ટિથી જોતાં શીખવીશ અને છોકરી હશે તો આ સમાજ સામે પોતાનું રક્ષણ કેવી રીતે કરવું તે શીખવીશ. જે આવે, અવતરે, એને આવવા દે. આપણે સાથે મળીને એનું સ્વાગત કરીશું.
મમ્મીની આંખોમાંથી ચોધાર આંસુ નીકળવા લાગ્યા. નિમિષા આવીને મમ્મીની બીજી બાજૂ બેસી ગઈ. ત્રણે ય પાંખો ફફડાવીને ઊડવાનો પ્રયત્ન કરતી ચકલીને જોઈ રહ્યા. નિમિષાને લાગ્યું સવારે જોયેલો અંધકારને ચીરતો તેજલીસોટો ત્રણેય ….ના, ના, ચારેયની ફરતો વીંટળાઈ વળ્યો છે.
– पारुल कंदर्प देसाई