ચા કરતાં કીટલી ગરમ
આ કહેવત વાંચતા સહેજે વિચાર આવે કે insulation ના આધુનિક યુગમાં ચા કરતાં કીટલી કેવી રીતે ગરમ હોઈ શકે? આ કહેવતને કેટલાક ઉદાહરણ દ્વારા સમજીએ.
એક કરોડપતિ શેઠ હતાં. સમાજમાં તેમનું મોટું નામ. તેઓ સ્વભાવે સરળ. આથી પરિવાર, નાત અને ગામમાં પૂછાય અને પૂજાય. તેમનો મુનીમ અત્યંત ક્રોધી અને અક્કડ માણસ. શેઠનાં મુનીમ તરીકે રોફ મારવામાં પાવરધો. શેઠનું કામ હોય તો મુનીમના ઇન્ટરવ્યૂમાંથી પસાર થવું પડે. પોતે જાણે કે શેઠ હોય તેમ વરતે. એક દિવસ એક ગરીબ વિધવા, શેઠ પાસે મદદ માંગવા આવેલી. મુનીમે તેની પૂરી વાત સાંભળ્યા વગર તગેડી મૂકવાની પેરવી શરૂ કરી. ત્યાં જ બહારથી શેઠ આવ્યાં. તેમણે ગરીબ બાઈની વાત સાંભળી અને તેને મદદ કરવાનું કહ્યું. બાઈ શેઠના પગમાં પડી. મુનીમનાં સ્વભાવ માટે સૌ બબડ્યાં કે અહીં તો ચા કરતાં કીટલી ગરમ છે.
વાત માત્ર આ શેઠની નથી. અત્યારે સમાજમાં ઠેર ઠેર આ જ ચાલી રહ્યું છે. હાથ નીચેના માણસોને પોતે કંઈક નહીં પણ સર્વસ્વ છે તેવી પ્રદર્શનવૃત્તિનો નશો હોય છે. આમેય માનવમાત્રને દેખાડો કરવાની આદત હોય છે. પોતે છે તો બધું જ ચાલે છે. તેમનાં વગર બધું અટકી પડે તેવા મદમાં ભાન ભૂલીને સત્તાનો દેખાડો કરવાનું માનવ ચૂકતો નથી. ચા કરતાં કીટલી ગરમ અનુસાર બૉસ મોટાભાગે સારા, સમજુ અને ઉદાર હોય છે.
ખાસ કરીને ભારતમાં સરકારી નોકરીમાં વધુ પ્રમાણમાં આવા બનાવો બને છે. સાહેબનો આસિસ્ટન્ટ કે પટાવાળો વધુ અકડાઈ કરે છે. લોકોનાં કાગળિયા દબાવી રાખે, નાની નાની બાબતો પર જરૂર વગરની બૂમાબૂમ કરે. ઑફિસના બીજા લોકો પણ તેમના સ્વભાવથી ટેવાઈ જાય અને કહે, જવા દો ને એમને તો આદત જ છે! રોફ જમાવવાની. પોલીસ ડિપાર્ટમેન્ટમાં તેમજ ટ્રાફિક પોલીસમાં આ ઉક્તિ વધુ લાગુ પડે છે. જેને કારણે આમજનતા હેરાન થાય છે.
બોડીગાર્ડનું વલણ તેમનાં માલિક કરતાં પણ વધુ ગરમ મિજાજી હોય છે. ધર્મગુરુઓમાં પણ તેમના મુખ્ય ચેલા “ચા કરતાં કીટલી ગરમ” જેવો વ્યવહાર કરતાં હોય છે. ઘણીવાર અયોગ્ય પાત્રને સત્તા સોંપાઈ જાય ત્યારે તેઓ એનું પ્રદર્શન કરતાં હોય છે. ઘણીવાર સત્તાનો નશો માણસને આંધળો બનાવી દે છે અને તે જરૂર વગરનો વટ મારે છે.
ઉનાળામાં સૂર્યનો તાપ જેટલો બાળે છે તેના કરતાં તેનાથી તપેલી રેતી વધુ દઝાડે છે. આમ પોતાની લાયકાત કરતાં પણ વધુ સારું પદ મેળવનાર હલકા માણસની હલકી વૃત્તિ, મિજાજ ક્યારેક લોકો માટે અસહ્ય બની જાય છે. અસંસ્કારી લોકો અચાનક મળી ગયેલી સત્તાનો ભાર સહન કરી શકતાં નથી. માલિક કરતાં ચોકીદાર, ડૉક્ટર કરતાં કમ્પાઉન્ડર દોઢડાહ્યાં હોય છે. તેમની ગેરહાજરીમાં બોસ થઈ બેસે છે.
મોદીજીના રાજમાં હવે કીટલી ગરમ રહી નથી. મોદીજીએ સ્વચ્છ ભારતની ઘોષણા કરીને ઝુંબેશ ઉઠાવી છે ત્યારે ઠેરઠેર ચા કરતાં કીટલી ગરમ ના રહે તે માટેના પ્રયત્ન શરૂ કર્યાં છે. દરેક જગ્યાએ જ્યારે હાથ નીચે કામ કરનાર વ્યક્તિનું માનસિક પ્રદૂષણ દૂર થશે ત્યારે વ્યક્તિ, સંસ્થા, કુટુંબ અને સમાજની સાથે પર્યાવરણ સુધરશે અને સ્વચ્છ, સંસ્કારી સમાજનું નિર્માણ શક્ય બનશે.