સમય
આનંદના મેસેજની રાહમાં ધારા હાથમાં જ મોબાઈલ રાખી સુઈ ગઈ.આ રોજનો નિત્યક્રમ બન્યો.
આનંદ પોતાના તૂટેલા સંબંધને લીધે વિખેરાઈ ગયો હતો ત્યારે ધારાએ જ એને સમેટયો હતો. ધારાએ પોતાના બીજા સંબંધો, પસંદ અને શોખને તિલાંજલિ આપી આનંદને સમય આપ્યો. પણ હવે ધારાને આનંદના જીવનમાં પોતાનું મહત્વ સમજાઈ ગયું.
એક દિવસ મોટીવેશનલ સ્પીકર આનંદ મહેતાને ધારાની યાદ આવી. ધારાએ ફોન ન ઉપાડતા એને મળવા તે સીધો એની ઓફિસે ગયો પણ ત્યાં બેઠેલી રિસેપશનિસ્ટે રાહ જોવા કહ્યું તો એને નવાઈ લાગી.હવે આનંદને સમયનું સમીકરણ બરાબર સમજાયું. એની નજર દિવાલ પર લખેલા વાક્ય પર ગઈ “કાલે તમારો સમય હતો, આજે સમય મારો છે.”
********************
ઇનામ કે સજા
આસ્થાને કોર્ટમાંથી કેસ લડી બહાર નીકળતા જોઈ પિતા જયેશ મહેતા ખુશીથી બોલ્યા,”કેસ જીતવા માટે તને ઇનામ આપુછું. તને વિરલ સાથે લગ્નની મંજૂરી.”
ખુશ આસ્થા ઘરે જવા ગાડીમાં બેસવા ગઈ અને ત્યાં જ પાછળથી વિરલે તાળી પાડી, એને જોઈ આસ્થા મનમાં બોલી, “મને ખરેખર ઇનામ મળ્યું કે સજા?”
********************
લક્ષ્મીપૂજન
સવિતાના આકરા ઉપવાસ અને જાતજાતની માનતાઓના ફળ સ્વરૂપે પુત્રવધુના સૂના ખોળે બાળકનો કિલકિલાટ થશે એવા સમાચાર મળ્યા.
પ્રભુની દયા થતાં થોડી લાલચ વધી અને સવિતાએ પુત્ર લાલસાએ લક્ષ્મીપૂજન ધામધૂમથી કરવાની વધુ એક માનતા માની.
દિવાળીના દિવસે હરખઘેલી પૂજાની તૈયારીમાં વ્યસ્ત સવિતાને શીલાએ પૂછ્યું, ” તારી માનતા ફળી લાગે છે આજે તારી વહુ આવશે ને? તો આજે ધામધૂમથી લક્ષ્મીપૂજન કરીશ કે તારી ઘરની લક્ષ્મીનું પૂજન કરીશ?”
” એ તો તું સાંજે તારી આંખે જ જોઈ લેજે.” સવિતાએ જવાબ આપ્યો.
– झरणा राजा