મુસાફરી
મંજિલની પેલે પાર- સાંગલા વેલી
ભાગ-૧: સાંગલા વેલીમાં
ઉનાળાના વેકેશનમાં ક્યાંક દૂર નાસી જવાની ઇચ્છા મનમાં હતી. ભણવાનું પૂરું થયા પછી આગળ શું થશે એની ચિંતા કર્યા સિવાય, માત્ર છૂટકારો થયાનો હાશકારો ઉજવવા માટે ક્યાંક દૂર બર્ફિલા પહાડોમાં જતા રહેવું એવો નિર્ણય મેં મનોમન કરી લીધેલો. હિમાલય અને ખાસ કરીને મનાલી સાથે એવો તો સંબધ બંધાઇ ગયો હતો કે એકાદ વરસે ત્યાં ન જવાય તો જાણે વતનઝૂરાપા જેવું અનુભવાય! પણ આ વખતે માત્ર મનાલી જઇને મન મનાવવું નહોતું. લગભગ જાન્યુઆરી ૨૦૧૦થી મેં તપાસ આદરી દીધી હતી. કોઇ સરસ ગ્રુપ સાથે હિમાલયની કોઇ સુંદર જગ્યાઓ ફરવાનો મોકો મળે, તો ઝડપી લેવો! એવામાં જ એક પર્યાવરણ-પ્રેમી કવિમિત્ર જોડેની એક મુલાકાતમાં જાણવા મળ્યું કે આ વખતે એમનું ગ્રુપ એમના નેત્રુત્વ હેઠળ હિમાચલ પ્રદેશની દેવભૂમિ સમાન કિન્નૌર અને સ્પિતિ જવાનું વિચારી રહ્યા છે. મેં તરત જ મારું અને મારા નાના ભાઇનું નામ નોંધાવ્યું અને આયોજનના કામમાં પણ મદદરૂપ થવાની તૈયારી બતાવી.
શાસ્ત્રીય સંગીતના બડા ખયાલની જેમ વિલંબિત લયમાં લગભગ બે મહિના (એપ્રિલ-મે, ૨૦૧૦) સુધી ચાલેલી એમ.એ.ની પરીક્ષા પતાવીને હિમાલયની ગોદમાં ઝંપલાવવા માટે હું લગભગ એક પગે તૈયાર હતો. મનાલીનો કેમ્પ આટોપીને અમારા આગામી પ્રવાસનું પૂર્વાયોજન કરવા માટે હું અને કવિમિત્ર અન્ય સાથીઓથી પહેલા સિમલા અને ત્યાંથી આગળ સાંગલા સુધી પહોંચી ગયા. બધું કામ લગભગ રાબેતા મુજબ પતાવીને અમે સાંગલામાં અમારા અન્ય સાથીઓની રાહ જોતા બેઠા હતા. અત્યાર સુધીની અમારી મુસાફરી લગભગ આયોજનાત્મક હતી, ઉપરાંત ઘણાં ખરાં જોયેલા વિસ્તારોમાં જ કરી હતી. હવે અમે પહોંચ્યા હતાં, અમારા ખરેખરા પ્રવાસના પહેલા જ મુકામ – તિબેટ-ચાઇના સરહદ નજીક સાંગલા વેલીમાં વસેલા રમણીય ગામ – રક્ષમ – ખાતે!
કહેવાય છે કે પાંડવો જ્યારે સ્વર્ગે જવાનો માર્ગ શોધતા હતા ત્યારે આ દેવભૂમિ કિન્નૌર એમની આ યાત્રાને ચરમસીમા સુધી સાંકળતી અંતિમ કડી સમાન હતું. સૌંદર્યની મૂર્તિ દેવી દ્રૌપદીએ પોતાના ખોબામાં ખૂબ નજાકતથી સાચવેલી પોતાની કિંમતી મિરાત જેવી છે આ સાંગલાની ખીણ. ચારેય તરફ બર્ફીલા પહાડો જાણે આકાશી મંડપને ટેકો કરી રહ્યા છે! હિમાલયનાં વ્હાલભર્યા પિતૃત્વ હેઠળ પાંગરેલી બાસ્પા નદી આસપાસની હરિયાળી સાથે હંમેશની ગેલભરી રમતમાં મસ્ત રહે છે. આમ જંગલી ઢબે જ ઊગી નીકળેલાં પણ શહેરી નાગરિકોની કલ્પના બહારનું સૌંદર્ય ધરાવતાં ફૂલો સહજ ધ્યાન ખેંચે છે. અહીંની મુલાકાત લેનારનાં આખાયે અનુભવ પર હાવી થઇ જતી કુદરતનું સામ્રાજ્ય એટલું પ્રબળ છે કે આસપાસ માનવનિર્મિત દખલઅંદાજીઓ હોવા છતાં એ તરફ ધ્યાન જતું નથી. નજર લંબાવતા, ધૂળિયા રસ્તા પર ચાલતી એક બે ટ્રક, રડીખડી હોટેલોનાં એક-બે ઢાબાં અને થોડાઘણાં ટુરિસ્ટ વેહિકલ્સ ડોકાય ખરાં, પણ ખળખળ વહેતી બાસ્પા અને સફરજનની લીલીછમ વાડીઓ વળતી ક્ષણે જ પાછાં હિપ્નોટાઇઝ કરી દે! સાંજનો આથમતો તડકો, ગુલાબી ઠંડા પવનથી રોમાંચિત થતા રુંવા અને આંખ સામે સ્વપ્નવત મઢાયેલો દ્રષ્યપટ હવે મને કોઇ જૂદી જ યાત્રાનાં અણસાર આપી રહ્યાં હતાં. ઘણાં લાંબા સમયે હાથમાં લીધેલી નવલકથામાંથી લગભગ ચલિત થયેલું મારું મન હવે અહીંનાં સ્થાનિક લોકોની રહેણીકરણી અને પહેરવેશની ઢબ પર કેન્દ્રિત થયું. અહીંના લોકો પોતાને પાંડવોના વંશજ તરીકે ઓળખાવે છે! ચોપાસ ફેલાયેલી હરિયાળી અને સમૃદ્ધિના પ્રતિક રૂપે કે પછી અન્ય કોઇ રિવાજના પ્રતિકરૂપે એમણે પહેરેલી એક તરફથી લીલા રંગની હિમાચલી ઢબની એમની ટોપી એમનાં કિન્નૌરી હોવાનું ગૌરવ છતું કરે છે. અમુક અંશે તેઓ પોતાને દૈવી કે દૈવાંશી ચોક્કસ માને છે. અન્ય કોમનાં કે બહારથી ફરવા આવેલા લોકોને આ ટોપી વેચવામાં પણ આવતી નથી. આ કિન્નૌરી સરતાજનાં ભાગ્યશાળી ઉપભોગ્તા બનવા માટે તમારે આ પ્રદેશમાં જ જન્મ લેવો આવશ્યક છે. મધ્યમ કદનો બેઠી દડીનો બાંધો ધરાવતા અહીંના લોકો મહદ્દંશે રૂપાળાં અને ઘાટીલો નાકનકશો ધરાવનારાં છે. એમની બોલચાલ અને વ્યવહાર વિવેકી હોવાં છતાં પોતાના ગૌરવને પોષતા અને ‘સેફ ડિસ્ટન્સ’થી કરવામાં આવતા હોય એવાં જણાય છે. ટુરિસ્ટ પાસેથી ઘણા પૈસા કમાવી લેવા અથવા તો એમને ખૂબ માન આપી એમનાં મન જીતી લેવા જેવી કોઇ જ માનસિકતા હજી સુધી જણાઇ નથી. લોકો મળતાવડા છે, પણ ખુશામતખોર કે તકસાધુ નથી. હજી માત્ર વીસેક વરસથી જ આ પ્રદેશ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો હોવાથી કદાચ એવી હીન પાર્થિવ એષણાઓ આ દૈવાંશીઓ સુધી હજી પહોંચી નથી.
ભાગ-૨: બુધ્ધમ શરણમ!
સાંજે પાંચ જીપ-વાહનો સાથે અમારા સાથીઓનો કાફલો આવી પહોંચ્યો અને બીજા દિવસથી અમે આસપાસના વિસ્તારોમાં અમારું ભ્રમણ આરંભી દીધું. અહીંનાં લોકો ઘણા અંશે હિંદુધર્મી અને બૌદ્ધધર્મી છે. અહીંના સ્થાપત્યોમાં મુખ્યત્વે કામરુ કિલ્લો અને અન્ય કેટલાક મંદિરો છે. રાજસ્થાન અને ગુજરાતમાં આવેલા પુરાતન, વિશાળ, અને ભૂતકાળમાં ભવ્ય હોવાનો અંદાજો આપનારા કિલ્લાઓથી કામરુનો કિલ્લો સાવ જ અલગ છે. મુખ્યત્વે લાકડાનો બનેલો આ કિલ્લો એટલે માત્ર બે મજલનું લગભગ સો-બસો ચોરસફૂટ જમીન રોકતું નાનું પણ સર્જનાત્મકતાથી ભરપુર સ્થાપત્ય! હવે એના એકાદ ભાગમાં દેવી-માનું સ્થાનક પણ છે. દર્શનનો વિવેક પતાવી અમે આસપાસનાં બીજાં મંદિરો અને મકાનો જોવા લાગ્યાં. અહીંનાં હિંદુ અને બૌદ્ધ મંદિરોમાં સ્થાપત્યનો વિશેષ તફાવત નથી, પણ દ્વાર પરની ભાત, રંગરોગાન, મૂર્તિઓ વગેરેમાં ખાસ્સું વૈવિધ્ય છે. મકાનો મુખ્યત્વે લાકડાનાં અને ઉપર પથ્થર નાં નળિયાવાળાં છે. પથ્થર નાં આ નળિયાં એવી સુઘડતાથી ગોઠવેલા છે કે એકવાર ઠેરવેલી નજર હટાવવાનું મન ન થાય! મહોલ્લાની વચ્ચોવચ પ્રસંગ માટે તેમજ ધાર્મિક વિધિઓ માટે વપરાતાં વાજિંત્રો આકર્ષક રીતે ગોઠવેલાં છે. મોટા નગારાઓ, મોટાં તાંસ અને મંજિરા અને લગભગ તોતિંગ કહી શકાય એવા તંતુવાદ્યો એમાં મુખ્ય છે. મહદ્દંશે તિબેટની અસર પામેલો બૌદ્ધધર્મ અહીં જોવા મળે છે. વળી, હિંદુ ધર્મની અસર પણ ખરી જ. જેમકે, બૌદ્ધમંદિરનાં દ્વાર પર એમનાં રક્ષક ડ્રેગનની સાથે-સાથે ક્યાંક ભૈરવની મૂર્તિ પણ જોવા મળે. વળી, ઠેરઠેર ફરકતી પાંચ રંગની ધજાઓ વૈદિક સંસ્કૃતિની જેમ પંચ મહાભૂતનો નિર્દેશ કરે છે. એ અનુસંધાનમાં, હિમાચલમાં જોવા મળતા આ બૌદ્ધ મંદિરો જોવામાં રંગીન અને તેજસ્વી લાગે છે.
રક્ષમ અને કામરુ ગામની મનોરમ્ય વનશ્રી, રસપ્રદ જનસમુદાય, અને આહલાદક સ્થાપત્યોને મનભરીને અમે માણ્યાં-ન-માણ્યાં, ત્યાં તો બીજા દિવસે અમને હિંદુસ્તાનના છેક છેવાડાનાં ગામ છિતકુલ લઇ જવા માટે અમારા ગાડીવાનો સવારની પહોરમાં તૈયાર હતાં. એયને પાંત્રીસ માણસો અને પાંચ ગાડીઓનો ભવ્ય કાફલો લઇને અમે પહાડો વટાવતાં નીકળી પડ્યાં! રસ્તામાં અમારા કાફલાને સાવ તુચ્છ હોવાની પ્રતિતિ કરાવતો લગભગ બે-અઢી હજાર ઘેટાં બકરાનો કાફલો સામો મળ્યો! ધસમસતાં પાણીનાં પૂર જેવા ભાસતાં આ ટોળાને ’ગાડરિયો પ્રવાહ’ કેમ કહેતા હશે એની સાક્ષાત અનુભૂતિ થઇ. ‘જૂથની તાકાત એનાં બધાં સભ્યોની તાકાતનાં સરવાળા કરતાં પણ વિશેષ હોય છે.’ – કોલેજનાં બીજા વર્ષનાં સામાજિક મનોવિજ્ઞાનના પાઠ્યપુસ્તકનું આ વિધાન મનમાં ઝબકીને વિરમી ગયું. પણ થોડી જ વારમાં વાયુવેગે ચાલતી મારી વૈચારિક યાત્રામાં વિરામ આવ્યો. “હિન્દુસ્તાન કા આખરી ઢાબા – બ્રેકફાસ્ટ, લંચ, ડિનર” નું રસપ્રદ બોર્ડ વંચાયું અને “આ ગયા છિતકુલ” કરતીકને અમારી ગાડીઓ અટકી. માંડ એકાદ છાપરું અને થોડાક બાંકડાઓ ધરાવતા આ ઢાબામાં લંચ તો શું યે મળતું હશે, પણ માત્ર “આખરી ઢાબા”ની રોમાંચકતાને લીધે અમે સૌએ ગાડીમાંથી ઉતરીને સૌથી પહેલા એ ખખડધજ પાટિયા સાથે ફોટા પડાવ્યા. કેટલાક તો વળી હાલને હાલ નેટવર્ક પકડાય તો ફેસબુક પર ફોટા મુકવાની લ્હાયમાં પડી ગયાં. દેશનાં છેવાડે આવેલું પણ આખા દેશને એકતાનો નમૂનો પૂરો પાડે એવું આ છિતકુલ ગામ સુઘડ, સુઆયોજિત અને સ્વચ્છ દેખાય છે. ચોથા ધોરણમાં ભણવામાં આવતા બાળનિબંધ “મારો દેશ”માં લખેલા વિધાન – મારા દેશમાં લોકો હળીમળીને રહે છે – એ છેક જ ખોટું નથી, એમ જાણીને હાશકારો થાય એવું છે. માન્યામાં ન આવે એવી રીતે આ ગામમાં સૌનાં અનાજનાં ભંડાર સંયુક્ત છે! આપણા ઘરમાં અનાજની કોઠીઓ હોય એમ આ ગામમાં આખા ગામ માટેન અનાજનાં સંગ્રહ માટે લાકડાનાં નાના-મોટા ગોદામ છે. આખા ગામ વચ્ચે અનાજ દળવા માટે જળવિદ્યુતથી ચાલતી એકમાત્ર મોટી ઘંટી છે. સરપંચના ઘરમાં ને અન્ય કોઇ ઘરમાં દેખીતો કોઇ જ ફેર નથી. આખા ગામ વચ્ચે એક શાક્યમુનિ બુદ્ધનું મહામૂલું ચિત્ર ધરાવતું દેવસ્થાન છે અને સામુહિક ખર્ચે એનો પુનરોદ્ધાર થઇ રહ્યો છે. મોટાભાગના લોકો અહીં બટાકાની ખેતી કરે છે. શિયાળામાં આ પ્રદેશ બરફથી છવાઇ જતો હોવાથી ૮૦૦ લોકોની ગૌણ વસ્તી ધરાવતું આખું ગામ સ્થળાંતર કરી જઇને નીચાણનાં વિસ્તારમાં જતું રહે છે. ગામનાં કેટલાક લોકો અને ખાસ કરીને નાનાંસરખાં દેવદૂત જેવા લાલ-લાલ ગાલવાળાં બાળકોની સાથે ગપ્પા મારતા-મારતા અમે સૌએ પેક કરીને સાથે લાવેલો નાસ્તો ખાધો અને ફરી અમારા રસ્તે પાછા ફર્યાં. દૂરથી દેખાતા દૈવી પર્વત કિન્નોર કૈલાસનાં વ્યવસ્થિત દર્શન કરવા મળે એ લોભે હું અને કેટલાક સાથીઓ વળતી મુસાફરીમાં અમારી જીપનાં છાપરે જઇને બેઠાં. નાના એવા છિતકુલ ગામની નાનકડી પણ એકંદરે આનંદમય દુનિયા જોઇને હરખાયેલું મન ઠંડી પવનની લહેરખીઓ દ્વારા વધુ સ્પંદિત થયું. આનંદની અનુભૂતિ માટે બાહ્ય તત્વો તો નિમિત્ત માત્ર હોય છે, પણ પોતાની અંદરનો સંવાદ અને સ્વાનુભવનો પોતે કરેલો અનુવાદ કેવો આકાર લે છે, એ નિર્ણાયક સાબિત થાય છે.
ભાગ-૩ : ગૂડ ગૂડ ચા! ચાય ગુડગુડ
બાસ્પા નદીનાં કિનારાથી થોડા ઉપર એક જગ્યાએ બરફની એક ગ્લેશિયર મે-જૂન મહિનાની આ મોસમમાં પણ હોય છે. હવે પછીની અમારી મુલાકાત લગભગ સોએક ફૂટ લાંબી-પહોળી એ ગ્લેશિયર સાથે નિયત હતી. કલાકેક ચાલીને પહોંચી જવાય એટલા અંતરે અમારી જીપે અમને ઊતાર્યા. ઘણાં વખત પછી આમ બરફમાં ચાલવા, ખુંદવા, રમવા મળશે એની ઉત્તેજનામાં કલાકની ઊંચાઇ અમે ક્યાં ચઢી ગયા એની ખબર જ ન પડી. અમારામાંનાં કેટલાક વડીલોની ઉંમરસહજ ગતિને ન્યાય આપીને પણ અમે સમયસર ગ્લેશિયર સુધી પહોંચી ગયા. બૂટનાં ઉપરનાં ભાગમાંથી પગની પાની સુધી અને એ રીતે એક કમકમાટી સાથે આખા શરીરમાં ફેલાઇ જતો બરફ આજ દીઠો છે ને કાલ નહિ મળે એમ માનીને અમે સૌએ મનભરીને માણ્યો. થોડો માટીવાળો અને મેલો થઇ ગયો હોવાથી માત્ર એને ખાધો નહિ, બાકી અમે એ દિવસે લગભગ સાંગોપાંગ બરફમાં રગદોળાયા એમ કહી શકાય. ખૂબ થાકીને છેવટે નીચે આવીને નદીને કિનારે બેસી થોડો પોરો ખાધો. બાસ્પાનું અપ્રતીમ સૌંદર્ય માણતાં-માણતાં અચાનક મારી નજર કેટલાક ગામવાસીઓ તરફ ગઇ. ખૂબ જ સાહજિકતાપૂર્વક એ સૌ ઘરમાં બળતણ માટે કાપીને લાવેલા કેટલાક લાકડાનાં ભારાં માથે નાખીને લઇ જતાં હતાં. આ દ્રશ્ય આમ તો કદાચ ભારતનાં કોઇ પણ ગામડામાં જોવા મળે જ, પણ અહીં નવાઇની વાત એ હતી કે એ લોકો જે લાકડું ઘરે બળતણ તરીકે વાપરવા લઇ જતા હતાં એ બીજું કોઇ નહિ પણ ભોજપત્ર જેમાંથી મળે એ ભોજવૃક્ષનું લાકડું હતુ. ઘડીભરમાં તો મારાં કલ્પનાપટ પરથી દુષ્યંત-શકુંતલા, કાલિદાસ, ભોજપત્ર પર લખાયેલી પુરાતન હસ્તપ્રતો ને એવું કેટલુંયે ચિત્રરૂપે પસાર થઇ ગયું. મારા અચરજનો કોઇ પાર ન્હોતો! જેનો એક ટુકડો મેળવી પૂજામાં મૂકવા માટે કેટકેટલા ફાંફાં મારવા પડે છે એ લાકડાને અહીંના દૈવાંશીઓ બળતણમાં વાપરે છે. અહીંની વનરાજી જો આજની તારીખમાં આ જાહોજલાલી નિભાવી શકતી હોય તો ગત સૈકાઓમાં આ દેવભૂમિ હશે જ એમ મારા મનમાં નિશંકપણે સ્થાપિત થઇ ગયું. હોટેલ સુધીના રસ્તે પગપાળાં પાછાં ફરતાં પાંડવોએ નિહાળેલી આ દેવભૂમિનું ભૂતકાલીન સ્વરુપ અને અનરાધાર વનસ્રોતની કલ્પના મારા મનમાં ઘુમરાતાં રહ્યાં! જે વનશ્રી જોઇને મારું મન અત્યાર સુધી માત્ર હરખાઇ રહ્યું હતું એ હવે અનહદ વનરાજી ગુમાવી હોવાની હકીકત જાણીને થોડું ખિન્ન પણ થયું. શું માત્ર હોટેલ ભાડું અને ખાવાનું બિલ ચુકવીને, થોડીઘણી ટિપ આપીને અને મંદિરમાં છૂટા સિક્કા સરકાવીને, હું આ પ્રદેશની મુસાફરીના ઋણમાંથી મુક્ત છું? દેખીતી રીતે સ્નાનસૂતકનાં પણ સંબંધ વગર મને અપ્રતિમ આનંદ આપનારી આ કુદરત કે વિવિધ સંસ્કૄતિઓ પ્રત્યે મારી શું ફરજ હોઇ શકે?
અહીંથી આગળનો અમારો મુકામ હતો હિમાચલ પ્રદેશનો જ લાહોલ સ્પિતિ વિસ્તાર. અડધા દિવસની મુસાફરી કરીને અમે હવે નાકો ગામે પહોંચ્યાં હતાં. સાવ નાનું પણ અત્યંત રમણીય ગામ છે નાકો! નાનાંમોટાં ઢોળાવો વાળી ભૂગોળ ધરાવતું આ ગામ દૂરથી કોઇ ફિલ્મનાં સેટ જેવું લાગે છે. એક આદર્શ ગામમાં હોવું જોઇએ એવું બધું જ અહીં છે, કાચા-પાકા ઘર અને રસ્તા, થોડાઘણાં ખેતર, નાનકું એક તળાવ અને તળાવથી થોડે દૂર એક બે ટેકરીઓ, ખીલે બાંધેલી ગાયો અને વાછરડાં, ઘેટાંબકરાં વગેરે. જીપમાંથી ઊતરીને સીધાં ધૂમકેતુની ટૂંકી વાર્તામાં પ્રવેશી ગયા હોઇએ એવું લાગે. રસ્તામાં આવતા તો ખરાં જ પણ ખાસ તો ગામની બહાર ટેકરીઓ પર સ્વર્ગીય બુદ્ધ સાધકોના સ્તુપ મળ્યાં. અહીંનાં વાહનચાલકોનો એક રસપ્રદ રિવાજ પણ એ રીતે ધ્યાનમાં આવ્યો, કે તેઓ ક્યારેય પોતાનાં વાહનને સ્તુપની ડાબી બાજુએથી લઇ જતા નથી, હંમેશા જમણેથી જ ઓળંગીને આગળ વધે છે. ભારત દેશમાં આવા રિવાજોનાં કારણ કંઇ તાર્કિક હોતા નથી, પણ આ રિવાજોનું આટલું રુઢિચુસ્ત પાલન કરતી પ્રજાની નિષ્ઠા માટે માન ચોક્કસ થાય. બીજા વિસ્તારોમાં તો રામ જાણે, પણ હિમાચલના ઘાટમાં ગાડી હંકારતા આ વાહનચાલકો ટ્રાફિક શિસ્તનાં આગ્રહી અને ગાડી ચલાવવામાં ઘણાંખરાં શાંતમિજાજી પણ હોય છે. નવ્વાણું ટકા રસ્તાં કાચાં અને સાંકડા હોવા છતાં એકેય વાર અમારા એકેય ડ્રાયવરનાં મોઢાંમાંથી મેં અપશબ્દ કે નિસાસો સાંભ્ળ્યો નથી. સામેવાળાનો વાંક હોય તો પણ પોતાની સમયસુચકતા વાપરીને જીવ અને સમય બંને બચાવવાનું એ લોકો સમજી શક્યાં છે. આ ડહાપણ કુદરતી ભૌગોલિક પરિસ્થિતિને લીધે હોય કે બીજા આનુવંશિક લક્ષણોને લીધે હોય, પણ બે ઘડી મને શહેરોમાં પણ ચારરસ્તે સિગ્નલની જગ્યાએ સ્તુપ બાંધી દીધાં હોય તો કેવું, એવો વિચાર આવી ગયો. સાંજ સુધીમાં આખાયે ગામ અને આસપાસની ટેકરીઓની લટાર મારીને અમે નવરાં પડી ગયાં હતાં. કોણ જાણે કેમ પણ અચાનક કવિમિત્ર બીજા કેટલાક સમરસિયાઓ સાથે મને પણ લઇને ગામતરફ દોરી ગયા. સાવ જ આશરે અમસ્તાંજ કોઇકનાં ઘરમાં ડોકિયું કરીને અમે અભિવાદન કર્યું. હિંદી ભાષામાં એ નવયુવાને એટલો ઉમળકાભેર આવકાર આપ્યો કે બીજી ગણતરીની મિનિટોમાં તો અમારું સાત-આઠ જણાનું રસિકવૃંદ એના ઘરનાં દિવાનખાનામાં ગોઠવાઇ ગયું હતું. કોઇ જ ઔપચારિકતા કે દંભ વગરનું આ આતિથ્ય એટલું આનંદદાયી હતું કે અમે સૌ જાણે વર્ષોથી એકમેકને ઓળખતાં હોઇએ એમ એ યુવાન જોડે વાતોએ વળગ્યાં. સૂરજ આથમ્યા પછી વાતાવરણમાં ઠંડી અને અને શાંતિ બંને પ્રસરેલા હતાં. યુવાન એનાં પિતા ખેતરથી આવે એની રાહ જોતો હતો. વાતવાતમાં જાણવા મળ્યું કે અહીંનાં પરિવારોમાં એક રીત મુજબ કુટંબનો એક ભાઇ ભણવા માટે શહેરમાં જતો અને બીજો ગામમાં રહી ખેતી કરતો. નાનો કે મોટો, કોણ ભાઇ શું કરશે એ બાબતે કોઇ નિયમ નહોતો, પણ કોઇ જ કજીયા-કંકાસ વિના આખા વિસ્તારમાં આ રીત પ્રચલિત હતી અને બધાં એમાં ખુશ હતાં. ભણનારને સમાજ વધારે માન કે ખેતી કરનાર અને મા-બાપની સેવા કરનારને વધારે માન એવા કોઇ જ હીન અને પાર્થિવ વલણો હોય એમ જણાયું નહિ. બાપને ઘરનાં વડીલ તરીકે એટલું માન હતું કે એમનાં આવતા સુધી દીકરાએ અમારા માટે ચા સુધ્ધા મૂકી નહિ. હિમાચલની ખાસ ગુડગુડ ચા(માખણવાળી ખારી ચા)નો પહેલો ઘુંટ તો મહેમાનો ઘરના મોખરી સાથે જ પીએ. ચા પીધા પછી ઘરના મોખરીએ અમારા સૌના હાથ તાંબાનાં લોટામાં ગરમ કરેલા પાણીની પોતાના હાથે ધાર કરીને ધોવડાવ્યા. ઘરનાં વડા હોવાના સૌ અધિકારો ભોગવતો પ્રૌઢ અમારા જુવાનિયાઓને અતિથિના ઊંચા દરજ્જે બેસાડતા જરાય નાનપ ન્હોતો અનુભવતો. પોતાની ગરિમાને જરાય આંચ લાવ્યા વગર બીજાને માન આપી જાણવાની આ ખાનદાની કદાચ આ દેવાંશીઓમાં જ છે. એટલે જ કદાચ એ લોકો દૈવી કહેવાય છે. બુદ્ધનો અર્હતપથ જવાબદાર હોય કે વાતાવરણની દિવ્યતા, અહીંનાં લોકો ખરેખર અહીં વસી શકવાની સૌ લાયકાત અને કાબેલિયત દર્શાવે છે!
********** વધુ આવતા અંકે ***********
– चिंतन नायक