ધરોહર: આધુનિક ગુજરાતી કવિતાના સૌથી લોકપ્રિય કવિ રમેશ પારેખની જન્મજયંતી પર-
વિશેષ પરિચય
રમેશ પારેખનો જન્મ ૨૭ નવેમ્બર ૧૯૪૦ના રોજ અમરેલી ખાતે કપોળ વણિક કુટુંબમાં થયો હતો. તેમણે પારેખ મહેતા વિદ્યાલય ખાતે અભ્યાસ કર્યો હતો. ૧૯૫૮માં પ્રથમ વર્ગ સાથે તેમણે એસ.એસ.સી.ની પરીક્ષા ઉત્તીર્ણ કરી. તેમણે શિષ્યવૃત્તિ મેળવી હતી. તેમને ચિત્રકળામાં રસ હતો અને તેઓ સર જે.જે. સ્કૂલ ઓફ આર્ટસમાં પ્રવેશ મેળવવા ઇચ્છતા હતા પરંતુ નાણાકીય ભીડને કારણે તેમ કરી ન શક્યા. ૧૯૬૦માં તેઓ અમરેલી જિલ્લા પંચાયત કચેરીમાં જોડાયા. ચિત્રકળા અને સંગીતનો શોખ તેમણે જાળવી રાખ્યો. ૧૯૬૨ સુધી તેમણે વાર્તાઓ લખવાનું ચાલુ રાખ્યું અને સંગીત ક્લબની સ્થાપના કરી. ૧૯૬૭માં તેમણે કવિતા લખવાની શરૂઆત કરી. ૧૯૬૮મા તેમની મુલાકાત અનિલ જોશી સાથે થઇ અને તેમણે વધુ કવિતાઓ લખવાની પ્રેરણા આપી. ૧૯૮૮માં તેઓ સરકારી નોકરીમાંથી નિવૃત્ત થયા અને સમગ્ર જીવન સાહિત્યિક કારકિર્દી પર કેન્દ્રિત કર્યું.
ગુજરાતી સાહિત્યના અનેક પુરસ્કારોથી સન્માનિત, રોમેન્ટિક કવિ તરીકે પ્રખ્યાત રમેશ પારેખનું ગીત,ગઝલ, અછાંદસ કવિતાઓમાં મહત્વપૂર્ણ યોગદાન છે. સંગીતમાં પણ એટલી જ રુચિ ધરાવતા રમેશ પારેખ ,સોનલ અને મીરાંબાઇને સંબોધીને લખાયેલ તેમની કવિતાઓ અને ગીતો માટે સૌથી વધુ જાણીતા છે. તેમની બધી કવિતાઓ ‘છ અક્ષરનું નામ’ સંગ્રહમાં ૧૯૯૧માં પ્રગટ થઈ હતી. આ સંગ્રહ અત્યંત લોકપ્રિય બન્યો હતો અને પાંચ વર્ષમાં તેની ચાર આવૃત્તિઓ પ્રગટ થઈ હતી. પોતાના વતન અમરેલીને દિલ ફાડીને પ્રેમ કરનારા રમેશ પારેખે અમરેલી ગામ પર પણ ઘણી કવિતાઓ લખી છે. તેમણે વાર્તાઓ, ત્રિઅંકી નાટકો, નિબંધો અને બાળ સાહિત્યમાં બાળ કવિતાઓ, બાળ વાર્તાઓ અને બાળ નવલકથાઓ પણ લખી.
૧૯૯૭માં તેઓ અમરેલીથી રાજકોટ સ્થાયી થયા. ૧૭ મે ૨૦૦૬ના રોજ રાજકોટ ખાતે હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. એમના એક્યાસી માં જન્મદિવસ પર એક ગઝલ થી તેમને યાદ કરીએ.
શબ્દોમાં ક્યાં સમાય છે તારી ને મારી વાત ?
અર્થોમાં ક્યાં ચણાય છે તારી ને મારી વાત?
છલકાતી ચાંદનીમાં ઉતારી બધાં વસન,
ચંચળ બનીને ન્હાય છે તારી ને મારી વાત.
અવકાશમાં નિ:શ્વાસ બનીને ઘૂમી ઘૂમી-
એકાંતમાં પછડાય છે તારી ને મારી વાત.
આવી અતીતની આંગળી પકડીને આંખમાં,
આંસુ મહીં ભીંજાય છે તારી ને મારી વાત.
રણ ખાલી-ખાલી આભ તળે એકલું નથી,
થઈ થઈ તરસ વિંઝાય છે તારી ને મારી વાત.
એની અવર-જવર છતાં ઉંબર નહીં ઘસાય,
આવે ને પાછી જાય છે તારી ને મારી વાત.
રસ્તાની જેમ કાળ ખૂટે ક્યાં કે બેસીએ!
સપનાંનો ભાર થાય છે તારી ને મારી વાત.
– રમેશ પારેખ
– टीम गिरा गुर्जरी