કાકાસાહેબ કાલેલકર
(૧ ડિસેમ્બર ૧૮૮૫ – ૨૧ ઓગસ્ટ ૧૯૮૧)
‘પદ્મવિભૂષણ’થી સન્માનિત અને ગદ્યસામર્થ્યને કારણે ગાંધીજી તરફથી તેમને ‘સવાઈ ગુજરાતી’ નું બિરુદ પ્રાપ્ત કરનાર કાકાસાહેબ કાલેલકરનો (દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર) નો જન્મ ઈ.સ. ૧૮૮૫માં સતારામાં થયો હતો. તેમની મૂળ અટક રાજાધ્યક્ષ હતી. પરંતુ સાવંતવાડી વિસ્તારમાં આવેલા કાલેલી ગામના વતની હોવાથી તેઓ કાલેલકર તરીકે ઓળખાયા. તેઓ માતાપિતાનું પાછલી વયનું સંતાન હોવાથી ખૂબ લાડકોડમાં ઊછર્યા હતા. પૂનાની ફર્ગ્યુસન કૉલેજમાં તેમણે ઉચ્ચ અભ્યાસ કર્યો હતો. તેમણે વડોદરાના ગંગાનાથ મહાલયના આચાર્ય તરીકે સેવાઓ આપી હતી. રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનની શિક્ષણસંસ્થામાં પણ શિક્ષણકાર્યનો અનુભવ લીધો હતો. આ બધાની ફલશ્રુતિરૂપ કાકાસાહેબમાં સુધારક ધર્મદ્રષ્ટિ, કલાદ્રષ્ટિ, ભારતીય જીવનદ્રષ્ટિ અને રાજકીય ઉદ્દામવાદી વિચારોનો જ્ન્મ થયો હતો.
ગુજરાતી ગદ્યના ઘડતરમાં કાકાસાહેબનો ફાળો નોંધપાત્ર છે. જન્મે મરાઠી હોવા છતાં ગુજરાતી ભાષા ઉપરનો તેમનો કાબૂ પ્રશંસનીય ગણાય. તેમના જેવું ગદ્યસ્વામિત્વ બહુ ઓછા ગદ્યકારોએ ગુજરાતીમાં સિધ્ધ કરેલું છે. ડૉ.ધીરુભાઈ ઠાકર તેમના ગદ્ય વિશે નોંધે છે કે એમના ગદ્યમાં બાળકના જેવી મધુર છટા છે તેમ પૌરૂષભર્યુ તેજ છે ; ગૌરવ છે એટલો જ પ્રસાદ છે. અલંકાર ધારણ કરવા છતાં તેની સાદાઈની સાત્ત્વિક મુદ્રાને આંચ આવતી નથી.
કાકાસાહેબે પ્રવાસકથા નિબંધ, આત્મવૃતાંત, પત્રલેખન, સાહિત્યવિવેચન આદિ મારફાતે ગુજરાતી ગદ્યના વિવિધ પ્રકારો ખેડ્યાં છે. તેમને નાનપણથી જ પ્રવાસનો ઘણો શોખ હતો. ‘હિમાલયનો પ્રવાસ’ (૧૯૨૪), ‘બ્રહ્મદેશનો પ્રવાસ’ (૧૯૩૧), ‘પૂર્વ આફ્રિકામાં’ (૧૯૫૧), ‘શર્કરાદ્રિપ અને મોરેશિયસ’ (૧૯૫૨), ‘રખડવાનો આનંદ’ (૧૯૫૩), ‘ઊગમણો દેશ’ (૧૯૫૮) એ એમના પ્રવાસગ્રંથો છે. ‘હિમાલયનો પ્રવાસ’ પુરાણ, ધર્મ, ઇતિહાસ અને ભારતીય સંસ્કૃતિની રમણીય યાત્રા બની રહે છે.
ચિંતનાત્મક નિબંધો અને સર્જનાત્મક નિબંધો એમ બંને પ્રકારના નિબંધો કાકાસાહેબ પાસેથી આપણને મળે છે. ગુજરાતી ગદ્યમાં લલિત નિબંધ એ કાકાસાહેબનું મહત્વનું અર્પણ બની રહ્યો છે. લલિત નિબંધ એક સ્વનિર્ભર સાહિત્યિક સ્વરૂપ તરીકે તેમના નિબંધોથી પ્રતિષ્ઠિત થાય છે. શુદ્ધ કલ્પનાપ્રાણિત નિબંધો ઉત્તમ રૂપે અને વિપુલ સંખ્યામાં પ્રથમવાર તેમની પાસેથી મળે છે. ‘રખડવાનો આનંદ’, ‘જીવનનો આનંદ’, ‘જીવનલીલા’, ‘ઓતરાતી દીવાલો’ વગેરે સંગ્રહોમાં આ પ્રકારની લલિતરચનાઓ છે.
‘સ્મરણયાત્રા’ – તેમની આત્મકથાનું પુસ્તક છે. ઓતરાતી દીવાલો’ માં સ્વાતંત્ર્ય – લડતના ભાગરૂપ તેમના જેલવાસ દરમિયાન તેમણે કરેલું કુદરતની સૃષ્ટિનાં જીવજંતુ, પંખીઓ, પ્રાણીઓની જીવનલીલાનું સૂક્ષ્મ છતાં રસાળ અવલોકન છે.
પત્રકારત્વ ક્ષેત્રે પણ કાકાસાહેબનું અમૂલ્ય યોગદાન છે. પ્રારંભમાં ૧૯૦૯માં લોકમાન્ય તિલકના મરાઠી પત્ર ‘રાષ્ટ્રમત’માં સેવાઓ આપેલી. પછી ૧૯૨૨ થી ‘નવજીવન’માં જોડાયેલા. ૧૯૩૬ થી ‘ભારતીય સાહિત્ય પરિષદ’ના હિન્દી મુખપત્ર ‘હંસ’ ના સંચાલનમાં એમણે સેવાઓ આપેલી. હિન્દીના પ્રચારાર્થે ‘વિહંગમ’માં સંપાદકપદે પણ રહેલા. ૧૯૩૭ થી ગાંધીવિચારધારાના પ્રચારાર્થે ‘સર્વોદય’ શરૂ કરેલું. ૧૯૪૮ માં એમણે ‘મંગલપ્રભાત’ શરૂ કરેલું, જે ૧૯૭૫ સુધી ચાલેલું. ગુજરાતી ઉપરાંત હિંદી અને મરાઠી ભાષામાં પણ એમણે પત્રકારત્વની કામગીરી કરી છે. એક નીડર અને મૂલ્યનિષ્ઠ પત્રકાર રહીને એમણે પ્રકાશિત કરેલી સામગ્રીને કારણે એમને અનેક વખત કારાવાસની સજા થયેલી. ગાંધીયુગીન ગુજરાતી સાહિત્યમાં કાકાસાહેબનું સ્થાન સીમાસ્તંભ કોટિનું છે.
– मल्लिका मुखर्जी