વાર્તા
દલસુખભાઈ નું વસિયતનામું
“ખરેખર બાપુજી તો કંજૂસાઈની હદ કરે છે !” પ્રભાએ દિવસમાં ચોથી વાર આ વાક્ય દોહરાવ્યું.
અન્યમનસ્ક મનીષે હકારમાં ડોકું ધુણાવ્યું. પ્રભા એ વાતનું અનુસંધાન કર્યું.
” આપણે ચાર પીઝા મંગાવવાની જરૂર હતી, પણ બાપુજી માન્યા જ નહિ ને ! જીદ કરીને બે પીઝા ઓર્ડર કર્યા. સારું થયું કે મેં બાપુજી માટે દાળ-ભાત બનાવી રાખ્યાં હતાં – જે અંતે આપણે ખાવા પડ્યાં ! ”
પ્રભાનાં વાક્પ્રહારથી એમ જણાતું હતું કે જાણે કે બાપુજી, એટલે કે દલસુખભાઈ દુનિયાની સૌથી કંજૂસ વ્યક્તિ ન હોય !
જો કે પ્રભાની વાત સાવ ખોટી પણ ન હતી.
ગયા અઠવાડિયાની જ વાત છે.
“મનીષ બેટા ! જો મને શું મળી આવ્યું ? શેવિંગ ક્રીમની આ ટ્યૂબ બે વર્ષથી મારા ટેબલનાં ખાનામાં પડી રહી હતી ! આ મહિને મારે માટે નવી ટ્યૂબ લાવીશ નહિ.”
“રહેવા દો ને બાપુજી ! આટલી જૂની વસ્તુ શા માટે તમારે વાપરવી છે ?”
દલસુખભાઈ માટે જો વપરાશની કોઈ પણ નવી વસ્તુ આવે, તો એ તેમને ખોટો ખર્ચો જણાતો.
વળી તેઓ પ્રભાને પણ સલાહ આપતા, ” વહુ બેટા, ચાલો આપણે હોલસેલ માર્કેટમાંથી શાક લઇ આવીએ. અહીંની દુકાનો તો બહુ ભાવ ચઢાવે છે !”
પ્રભાને સ્વાભાવિક રીતે બાપુજીની વાતોથી ઘણી અકળામણ થતી હતી.
તે મનીષને કહ્યા કરતી હતી, “મનીષ, આ ઘરમાં થતો પાઇ-પાઈનો ખર્ચો આપણે શા માટે બાપુજીને જણાવવો જોઈએ ?”
દલસુખભાઈની દરેક ખર્ચામાં દખલગીરીને કારણે મનીષ તથા ખાસ કરીને પ્રભાને માટે ઘર ચલાવવું મુશ્કેલ બનતું જતું હતું.
આખરે, આ બધાથી કંટાળીને મનીષ તથા પ્રભાએ બાપુજીથી જુદા રહેવા જવાનો નિર્ણય કર્યો. બાને ગુજરી ગયે બે વર્ષ વીતી ગયાં હોવાથી બાપુજીને એકલા મૂકીને જવાનો આ નિર્ણય ખરેખર અયોગ્ય હતો.
ખેર ! જે દિવસે દલસુખભાઈને આ સમાચાર આપવાના હતા, તે દિવસે જ તેમને એકાએક હૃદયરોગનો હુમલો આવ્યો, અને તાબડતોબ હોસ્પિટલમાં – ICU માં દાખલ કરવા પડ્યા.
મનીષ અને પ્રભાએ તેમને શહેરની સૌથી ઉત્તમ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
બે દિવસની સતત કાળજી અને દવાઓની અસરને કારણે દલસુખભાઈની તબિયત ધીમે-ધીમે સુધારવા માંડી.
પરંતુ, હજી સાજા થયાં ન થયાં ને દલસુખભાઈ એ સવાલ પૂછી લીધો : ” મને કઇ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે ?”
મનીષ તથા પ્રભા એ બાપુજીને સાંત્વન આપતા કહ્યું કે આ તો શહેરની સાધારણ હોસ્પિટલ છે, જેથી તેમનાં વિશેષ સવાલોનો સામનો ન કરવો પડે !
પણ દલસુખભાઈએ તો જમાનો જોયેલો હતા !
પછીનાં બે-ત્રણ દિવસો દરમ્યાન તેમણે હોસ્પિટલનાં સ્ટાફ સાથે વાત-વાતમાં જાણી લીધું, કે હોસ્પિટલની કેવી સિસ્ટમ છે, તથા અહીં દાખલ થયા પછી કેટલો ખર્ચો આવી શકે !
જે દિવસે દલસુખભાઈને હોસ્પિટલમાંથી રાજા આપવાની હતી, તે દિવસે તેમણે મનીષ સાથે વાત કરી, ” તમે બંને મને આ સામાન્ય હોસ્પિટલમાં લાવ્યા એ સારું કર્યું. તમે હવે પૈસાની કિંમત સમજ્યા હો એવું મને લાગે છે.”
“આ સાધારણ હોસ્પિટલમાં થયેલો ખર્ચો તો મારા પેન્શનમાંથી જ આપી દઈશું.”
મનીષે ચોખ્ખી ના પાડી. “ના,ના, બાપુજી, હોસ્પિટલમાં મેં વાત કરી રાખી છે.”
દલસુખભાઈ ધીમું મલક્યા; ” આજે ચાલને હું મારી જાત પાછળ થોડા રૂપિયા ખર્ચી લઉં. ડૉક્ટર ને મેં કહી દીધું છે.”
તેમણે વાત આગળ ચલાવી. “અરે હા ! મનીષ, ઠીક યાદ આવ્યું. મેં મારું કામચલાઉ વસિયતનામું તૈયાર કરાવી રાખ્યું છે. ન કરે નારાયણ, ને કાલ ઉઠીને મને કંઈ થઇ જાય, પંચ્યાશી તો થયાં ને ! ”
મનીષ બોલી ઉઠ્યો, “બાપુજી, તમારે તો સેન્ચ્યુરી પૂરી કરવાની છે ! ”
મનીષની ઘણી ના છતાં હોસ્પિટલનું 3 લાખ રૂપિયાનું બિલ દલસુખભાઈએ પોતે જ ચૂકવ્યું !
બીજી સવારે દલસુખભાઈ ને હોસ્પિટલમાંથી રજા મળવાની હતી, તેથી મનીષ વહેલો તેમની પાસે પહોંચી ગયો. બાપુજી સાજા થઇને ઘેર આવવાની ખુશીમાં પ્રભાએ શીરો બનાવ્યો.!
પરંતુ દલસુખભાઈ ઘેર પહોંચ્યા જ નહિ.. તેમને હૃદયરોગનો જીવલેણ હુમલો આવ્યો અને તેઓ તત્કાલ મૃત્યુ પામ્યા.
હોસ્પિટલમાં હોવા છતાં ડોક્ટરો તેમને બચાવી શક્યાં નહિ.
બાપુજીનાં આમ એકાએક ચાલી જવાને કારણે મનીષ, પ્રભા તથા બાળકો ગમગીન બની ગયાં.
ખાસ કરીને પ્રભાને બાપુજીની ભાવના ન સમજી શકવા બદલ પસ્તાવો થતો હતો.આખરે પ્રભા એ હિમ્મત કરીને પોતાની લાગણી ને વાચા આપી.
“ભગવાન નો આભાર કે આપણે બાપુજીથી જુદા રહેવા ન ગયા . ”
બારમા-તેરમાંની વિધિઓ પૂરી થયા પછીનાં દિવસે સવારે મનીષ ઉપર દલસુખભાઈનાં અંગત મિત્ર વકીલ કનુભાઈનો ફોન આવ્યો.
“બેટા, તમારા બાપુજીએ વસિયતનામું તૈયાર કરી રાખ્યું છે.”
“જી, અંકલ.”
“ આજે સાંજે તમારે ઘેરે આવીને તે તમને સુપ્રત કરીશ.”
ઢળતી સાંજે, જયારે કનુભાઇએ દલસુખભાઈનું વસિયતનામું વાંચવાનું શરૂ કર્યું, ત્યારે મનીષ તથા પ્રભા નિઃશબ્દ બની ગયાં.
“અને મારાં અત્યાર સુધીનાં જમા થયેલા રૂપિયા, જે આશરે દસ કરોડ, બાવીસ લાખ અને પચાસ હજાર જેટલા થાય છે, તેમાંથી આપણા જૂના નોકર રામુને પચાસ હજાર ભેટ રૂપે આપું છું. તે ઉપરાંત બાકી સર્વે મદદનીશો – સંતોષસિંઘ ડ્રાઈવર, લાલુભાઇ માળી, ઘરનાં મદદનીશ રમાબેન- દરેકને વીસ હજાર રૂપિયાની ભેટ આપું છું.”
“મારી સદૈવ ઈચ્છા હતી કે મારી કમાણીમાંથી થોડો ભાગ અનાથ બાળકોનાં ભણતર પાછળ આપું. આ મુજબ મારા મિત્ર કનુભાઈ તથા મનીષ મળીને નક્કી કરે તે સંસ્થામાં રૂપિયા એક કરોડનું દાન કરવું.”
“ બાકીની મારી તમામ મિલકત મારાં બાળકોને મળે, જેમણે હંમેશા મારી જીવનશૈલીને માન આપીને છેવટ સુધી મારી સેવા કરી છે અને મારું કહ્યું માન્યું છે.”
તે રાત્રે પ્રભા ઘણું રડી. વચ્ચે-વચ્ચે મનીષે પણ તેને સાથ આપ્યો અને બંને એ મળીને દલસુખભાઈની ખૂબ માફી માંગી.
– स्मिता ध्रुव