સ્મરણ
અલવિદા ફાધર વાલેસ
4 નવેમ્બર 1925 ના રોજ માં સ્પેનના લોગ્રોનો શહેરમાં જન્મેલા, મૂળ સ્પેનના વતની હોવા છતાં સવાયા ગુજરાતી બનેલા, ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાહિત્યકાર (Carlos González Vallés), ફાધર વાલેસનું 9 નવેમ્બર 2020 ના રોજ સ્પેનની રાજધાની મેડ્રિડમાં ૯૬ વર્ષની જૈફ વયે નિધન થયું. તેઓને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરતા આજે તેઓની યાદ સાથે જોડાયેલ એક સંસ્મરણ ની વાત કરીશ.
મારા પિતાજી દ્રઢ પણે એવું માનતા એ દરેક વ્યક્તિને પોતાની માતૃભાષા તો આવડવી જ જોઇએ અને સાથે સાથે જે રાજ્યમાં રહેતા હોઈએ તે રાજ્ય ની ભાષા પણ આવડવી જોઈએ. ગુજરાતના પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનમાં કાર્યરત હોવાને કારણે એક સ્ટેશન થી બીજા સ્ટેશન બદલી થતી રહેતી એટલે તેઓએ અમને બધા ભાઈ-બહેનોને ગુજરાતીમાં જ શિક્ષણ આપવાનું નક્કી કર્યું.
સ્કૂલમાં અભ્યાસનું માધ્યમ ગુજરાતી હતું અને પપ્પા ઘરે અમને બંગાળી શીખવાડતા. અમે ગુજરાતી ભાષા સારી રીતે શીખી શકીએ માટે, ખાસ અમારા માટે જ ગુજરાતી વર્તમાનપત્ર “ગુજરાત સમાચાર” લેવામાં આવતું. રવિવારની પૂર્તિમાં આવતી બધી કોલમો હું રસપૂર્વક વાંચતી. ફાધર વાલેસની ‘નવી પેઢીને’ નામની કોલમ આવતી જે યુવા પેઢીમાં ખૂબ લોકપ્રિય હતી. મને પણ ખૂબ ગમતી. આ વાત આજે ખાસ યાદ આવી કારણ એ જ કે મિશનના વડાએ જયારે અમદાવાદની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ગણિતના પ્રાધ્યાપક તરીકે કામ કરવાની જવાબદારી સોંપી ત્યારે ફાધર વાલેસને લાગ્યું હતું કે ગુજરાતમાં અધ્યાપન કરવું હોય તો ગુજરાતી ભાષા આવડવી જોઈએ. ગુજરાતી ભાષા પર તેમના પ્રભુત્વને કારણે જ તેઓ સવાયા ગુજરાતી કહેવાયા.
ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ફાધર વાલેસ લેટિન, સ્પેનિશ, જર્મન, ફ્રેંચ, ઇટાલિયન, અંગ્રેજી, ગુજરાતી અને હિન્દી ભાષાના જાણકાર હતા. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને તે ભાષાને શીખી શકાય પણ એક દેશમાંથી બીજા દેશમાં જઈને, તે દેશના એક રાજ્યની પ્રાદેશિક ભાષાને ન માત્ર શીખી શકાય પણ તે ભાષામાં ૭૦ થી પણ વધારે પુસ્તકો લખી શકાય એ ખરેખર અદ્ભુત કહેવાય! ગુજરાતીમાં કરેલા ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતા.
નાના નાના વાક્યોમાં ગહન વાત કહેવાની તેમની શૈલીથી હું ખૂબ પ્રભાવિત હતી. એ સમયે મને જે લેખ ગમે, તેને હું મારી ડાયરીમાં નોટ કરતી. આજે હું, 15 ફેબ્રુઆરી, 1981 ના રોજ તેમના એક લેખ ‘મિત્રતાનો પાયો’ વિશે મારા ડાયરી માં લખેલ નોંધના ઉલ્લેખ સાથે અને હસ્તલિખિત નોંધની એક પૃષ્ઠની તસ્વીર પણ મૂકી રહી છું, જે નવી પેઢીના યુવા-યુવતીઓને વાંચવો ગમશે.
૧૫-૨-૮૧
આજે ગુજરાત સમાચારમાં રવિવારની સાપ્તાહિક પૂર્તિમાં શ્રી ફાધર વાલેસ લિખિત એક આર્ટિકલ વાંચ્યો મથાળું છે, ‘મિત્રતાનો પાયો’ એનો ટુંકસાર આ મુજબ છે. “હું મારી બધી વાતો તમને કહું અને તમે તમારી બધી વાતો મને કહો એ મિત્રતાનો પાયો છે. તમારા માટે મને પ્રેમ છે, વિશ્વાસ છે, માન છે, આત્મીયતા છે. એ દિલ નો અનેરો ભાવ છે. અને એથી બે દિલ એક થઈ જાય. હવે એની સાથે મનનો સહકાર પણ જોઈએ, જેથી બે મન પણ એક થઈ જાય. અને એ તો અંગત વાતોની હુંફાળી આપ-લેથી થાય. કોઈને ન કહું એ મારી વાતો તમને કહું. એથી આપણો સંબંધ ગાઢ બની જાય. કદાચ વાત મોટી છે એટલે બીજાઓને ન કહું અને કદાચ નાની જ છે એટલે બીજાઓને ન કહું, એમાં કશું કહેવા જેવું નથી એટલે જ તમને કહી શકું અથવા જેમાં જેને તેને તો ન કહી શકાય એવું કંઈ છે એટલે જ તમને કહી શકું. તમને બધી વાતો કહેવાની મારી તૈયારી છે. કોઈ સંકોચ નથી કે તમે શું માનશો. કોઈ ચિંતા નહીં કે તમે શું કહેશો. પૂરો વિશ્વાસ છે. સંપૂર્ણ નિરાંત છે.
ને તમારી વાતો સાંભળવામાં પણ એટલો રસ છે ને એટલો આનંદ છે. તમે ગમે તે કહો તો ય તમારી પાસે બેસીને તમારી વાત સાંભળવી મને ગમે, પણ તમારા વિશે જ વાત કરો એ વિશેષ ગમે. જેમ તમારા વિશે વધુ જાણું તેમ મનથી ને દિલથી તમારી વધારે નજીક આવી જાઉં. તમારા અનુભવો મારા અનુભવો બને. તમારુ દ્રષ્ટિબિંદુ મારુ દષ્ટિબિંદુ બને. તમારા વિચારો, તમારા સિદ્ધાંતો, તમારા ગમા-અણગમા, રુચિ અરુચિ’ તમારા પ્રત્યાઘાતો ને, તમારી કલ્પનાઓ જ હું જાણું. એટલે તમને વધારે ઓળખું અને જેમ વધારે ઓળખું તેમ વધારે પ્રેમ થાય ને વધારે નિકટતા લાગે. એક બીજાને અંગત વાતો કરવી અને સાંભળવી એ ખરેખર મિત્રતા નો લહાવો છે.
જેને હું મારી બધી વાતો કોઈ પણ સંકોચ અને ચિંતા વગર કહી શકું, એવો અંગત મિત્ર મારા જીવનમાં મોંઘું વરદાન છે. મારે એ વરદાન કૃતજ્ઞતાથી અને પૂજ્યભાવ થી સાચવવું છે. કોઈ બનાવ બને તો સૌથી પ્રથમ તમને કહું, કોઈ અનુભવ હોય તો સૌથી પ્રથમ તમને એનો ભાગીદાર બનાવું. આનંદની વાત હોય તો મારો આનંદ વધે અને દુઃખની વાત હોય તો મારું દુઃખ ઓછું થાય અને રાહત અનુભવું. હવે હું પોતે ઇચ્છું કે કંઈક થાય જ, પછી ભલેને એ સુખ હોય કે દુખ. હું તમને કહી શકું અને તમારી વધારે નજીક આવી શકું. અરે, તમને એ વાત કહેવાનો છું તે ખયાલ માત્રથી જ એ વાતનો ભાર ઓછો થાય અને હું રાહત અનુભવું.
મિત્રતામાં આ બે અંગ હોય છે ભાવ અને વિચાર, લાગણી અને વિશ્વાસ, દિલનો પ્રેમ અને મનની વાત. તમારા માટે મારું દિલ ખુલ્લું છે અને મારું મન ખુલ્લું છે. ને તમારુ દિલ અને મન મારે માટે ખુલ્લા છે. લાગણીનો વિનિમય છે. વાતોની આપ-લે છે. મિત્રતા નો સાચો, ઊંડો આહલાદક વ્યવહાર છે. જીવનની બધી વાતો પૂરા વિશ્વાસ ને આનંદ સાથે, સહજતા અને નિખાલસતા સાથે કહેવાથી અને સાંભળવાથી સાચી આત્મીયતા ખીલે. એ મોંઘુ ફુલ આપણા બગીચામાં જોઈએ.”
ઉપરોક્ત લેખ વાંચતા આપ અનુભવી શકશો કે ફાધર વાલેસ ટૂંકા વાક્યોમાં પોતાની વાતને કેટલી અસરકારક રીતે રજૂ કરી શકતા. તેઓ માત્ર ચોવીસ વર્ષની વયે ૧૯૪૯માં તેઓ કેથલિક મિશનરી તરીકે ભારત આવ્યા. મદ્રાસ થી મુંબઈ થઈને પહેલી મે ૧૯૬૦, ગુજરાતના સ્થાપના દિવસે જ, પહેલીવાર ગુજરાત આવ્યા અને અમદાવાદની સેન્ટ ઝેવિયર્સ કોલેજમાં ગણિત ના પ્રાધ્યાપક પદે નિમાયા. ૧૯૬૦થી ૧૯૮૨ સુધી પ્રાધ્યાપક રહ્યા. નિવૃત્તિ પછી માતાની સેવા કરવા માટે સ્પેન ગયા. ગુજરાતને કર્મભૂમિ બનાવનાર ફાધર વાલેસ ને આપણે સવાયા ગુજરાતી તરીકે સદા યાદ રાખીશું. પરમાત્મા એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના.
– मल्लिका मुखर्जी