अक्टूबर-नवम्बर 2020 (संयुक्तांक)
अंक - 64 | कुल अंक - 64
प्रज्ञा प्रकाशन, सांचोर द्वारा प्रकाशित

प्रधान संपादक : के.पी. 'अनमोल'
संस्थापक एवं संपादक: प्रीति 'अज्ञात'
तकनीकी संपादक : मोहम्मद इमरान खान

લાતની વાત

લાતની વાત

 

છેલ્લાં શ્વાસ લઈ રહેલી સરકારી ખૂરશી પર થાનેદાર ઊભારામ પાંડે આડા પડ્યા હતા. નાનકડું ગામ અને ઓછી વસ્તી એટલે થાનેદાર તરીકે ઊભારામ પાંડે આડા પડ્યા સિવાય વધુ કાંઈ કરતા નહીં. એક બપોરે ન થવાનું થયું, એક સરકારી એમ્બેસેડર ગાંડા થયેલા પાડાની જેમ પાંડેના પરિસરમાં ઘૂસી ગઈ. ખાદીધારી માણસ ઉતાવળા પગલે થાનામાં પ્રવેશ્યો ત્યારે ઊભારામ અને તેના બન્ને હવાલદાર ભીમો અને સુખો વામકુક્ષી લેતા હતા. ખાદીધારી માણસ આ જોઈને બરાડ્યો, સાલાઓ, નમકહારામો ઉઠો.

 

“કોણ છે એની….. “ આવેલા નેતા જેવા માણસને જોઈને ઊભારામ ઊભા થતાં થતાં પડી ગયો. “અરે, સેક્રેટરી સાહેબ તમે? કીધું હતે તો સાહેબના ઘરે આવી જતે,” ઊભારામે ગુસ્સો  શાંત કરવાનો પ્રયત્ન કરી જોયો. ખાદીધારી માણસ વધુ ગુસ્સે ભરાયો,” આટલો મોટો અકસ્માત થાય છે અને તમે અહીં ઘોરો છો.”

ખાદીધારીની ત્રાડથી જર્જરીત થાનામાં જાણે એક રિક્ટર સ્કેલનો ભૂંકપ જ આવી ગયો. ત્રણેય પોલીસકર્મીને આ ત્રાડ ભયજનક લાગી. ઊભારામે મામલો શાંત પાડવા કહ્યું કે, સાહબે માંડીને વાત કરો. તમે જ ફરિયાદ લઈને આવ્યા છો. અમારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા કરો.” ખાદીધારી વધારે ગુસ્સે ભરાયો, “મારે કંઈ નથી સાંભળવું, નેતાજી ઘરે બોલાવે છે અત્યારેને અત્યારે ચાલો મારી સાથે.”

 

ત્રણેય પોલીસ અધિકારીએ આજ્ઞાનું પાલન કરવાનું તૈયારી દર્શાવી. હાથમાં દંડા લીધા અને ઢીલી થઈ ગયેલી પાટલુનોને ઉપર ખેંચી, માથે ટોપી પહેરી ખાદીધારીની પાછળ ચાલવા માંડ્યું. ખાદીધારી ગાડીમાં બેથો અને ત્રણેય જણ જીપ લઈને પાછળ ગયા. નેતાજીના ઘરે પહોંચ્યા તો જોયું કે નોકરો દોડાદોડ કરતા હતા. કંઈક મોટું થયું હોય એવો ડર ઊભારામને લાગ્યો. ઓરડાની અંદર ગયા તો નેતાજી પલંગ પર ઊંધા સૂતા હતા. કમરની નીચે ભાગમાં માત્ર ચાદર ઓઢાડીને રાખી હતી. એક ડોક્ટર જેવો લાગતો માણસ નેતાજીને ઈન્જેક્શન મારી રહ્યો હતો.

ઊભારામ ડરતાં ડરતાં નેતાજી પાસે ઊભો રહ્યો. “નમસ્કાર સાહેબ, શું થયું? કોઈ મોટી મેટર છે કે અહીં બોલાવવો પડ્યો?”

“સાલાઓ પોલીસ છો કે આળસું? આખો દિવસ આરામ શેના કરો છો? આ જુઓ મારી શું હાલત કરી છે પેલા ગધેડાએ?” નેતાજીએ ત્રાડુક્યા

“કયા ગધેડાએ?”

“ત્યાં ઊભો હતો એ ગધેડોએ?”

“હા, પણ ગધેડાનું નામ શું?”

“હું એને નામ પૂછવા જાઉ!”

“હા તો હું ફરિયાદ કોની સામે નોંધુ?”

“અરે મને માણસે નહીં ગધેડાએ જ માર માર્યો છે, ગધેડો સાવ”

“ઓહ અચ્છા એમ છે. એટલે તમે ઘણી વાર માણસને ગધેડા કહેતા હોવ છો તો મને કઈ રીતે ખબર પડે કે હાલમાં તમે ગધેડાને જ ગધેડો કહ્યો. મને એમ કે તમે માણસને ગધેડો કહ્યો,” ઊભારામે નિર્દોષતાથી જવાબ આપ્યો

“ચૂપ મર ગધેડા, જા એ ગધેડાને અને એના માલિકને શોધીને આવ.” નેતાજીએ ચિડાઈને કહ્યું. ઊભારામે પાછી ઢીલી પડી ગયેલી પાટલૂનને ઉપર કરતા કહ્યું,”નેતાજી, શોધી તો લાવું પણ એ તો કહો કે આખી ઘટના શું છે? આખી ઘટના જણાવો તો પગલાં લઉ ને. સરકારી ચોપડે ફરિયાદ નોંધું કે નહીં?”

 

ઊભારામના સવાલોથી નેતાજીના મુખ પર ઊભા થતાં ગુસ્સાના ભાવો જોઈને સેક્રેટરી વચ્ચે પડ્યો,”સાહેબને ગુસ્સો ન આપવો થાનેદાર. વિગત હું આપું છું. સાહેબ આજે જમીન સરવેનું કામ પતાવીને પાછા આવતા હતા. સાહેબને ડાયાબિટીસ છે એટલે થોડી થોડી વારે ગાડી ઊભી રાખવી પડે. સાહેબ ઝાડની પાછળ ઊભા હતા ત્યારે ગધેડાએ પાછળથી આવીને તેમને પાછળ લાત મારી. સાહેબ આગળ પડ્યા તો બે વાર વધુ પાછળ લાત મારીને ગધેડો ભાગી ગયો છે. તમારે એ ગધેડાને અને ગધેડાના માલિકને શોધવાનો છે.”

“પણ સાહેબ, ગધેડો તો પ્રાણી કહેવાય. એને પડવાનું કામ જંગલ ખાતાનું લાગે. પોલીસનું નહીં,” ઊભારામે સ્પષ્ટતા કરી. “અને વળી ગધેડો જંગલી નીકળો તો અમારી પાસે તો બંદૂક પણ નથી.” ભીમાએ તાપસી પૂરી. “ગધેડાને અમે મારીએ તો અમે પણ ગુનામાં આવીશું,” સુખાએ પણ હાથ ખંખેરવાના પ્રયત્નો કર્યો.

“એ બધું હું નહીં જાણું તમારે ગધેડો અને એના માલિકને શોધવો પડશે. નહીં તો ત્રણેયને નોકરીમાંથી કઢાવી મૂકીશ,” નેતાજીએ આદેશ આપ્યો. ત્રણેય પોલીસકર્મીઓ કાંઈપણ બોલ્યા વગર ત્યાંથી નીકળી બહાર આવ્યા. બહાર આવીને ભીમાએ ઊભારામને સવાલ કર્યો, “હવે શું આપણે ગધેડા પકડવાના?”

 

“નોકરી બચાવવા પકડવા પડશે,” ઊભારામે જવાબ આપ્યો. ત્રણેય પોલીસવાળા ઘટના સ્થળે ગયા. આસપાસ કેટલા કુંભાર છે અને કેટલા પાસે ગધેડા છે તેની પૂછપરછ કરી. તેમના નસિબ સારા કે એટલામાં એક જ માણસ પાસે એક જ ગધેડો હતો. ઊભારામે એ કુંભારને ગધેડા સાથે હાજર થવા ફરમાન આપ્યું. ગધેડાના માલિકે બે હાથ જોડીને   ઊભારામને પૂછ્યું,”શું ભુલ થઈ છે સાહેબ?”

“તારા ગધેડાએ નેતાજીને માર માર્યો છે.”

“હવે સાહેબ ગધેડાને ક્યાંથી ખબર હોય કે એ નેતાજી છે. કંઈક કર્યું હશે એમણે એટલે માર્યું હશે.”

“એ ચૂપ. નેતાજી તને અને તારા ગધેડાને બોલાવે છે.”

“સાહેબ એ મારા ગધેડાને મારી નાંખશે.”

“એ બધું હું નહીં જાણું. અત્યારે તને ન લઈ જઈશ તો મને મારી નાંખશે.”

“સાહેબ ગધેડાથી ભૂલ થઈ ગઈ. એ એક માત્ર મારી આજીવાકીનું સાધન છે.”

“ગધેડાએ પહેલાં વિચારવું જોઈથું હતું.”

“સાહેબ, ગધેડો કઈ રીતે વિચારે?”

 

“એ બધું વિચારવાનું કામ મારું નથી.” ઊભારામ અકળાયો. આખી વાતમાં ગધેડો નિર્દોષ ભાવે તેના માલિકને આજીજી કરતો જોઈ રહ્યો હતો. એ બિચારાને તો ખબર પણ ન હતી કે એની મારેલી લાત એ નેતાને નહીં પણ તેના માલિકના પેટ પર વાગશે. આખરે જબરદસ્તી ગધેડા અને તેના માલિકને પકડીને નેતાજી પાસે લઈ ગયા. ઊભારામ નેતાજી પાસે પહોંચયા ત્યારે નેતાજીના એક અન્ય મિત્ર પણ તેમની સાથે બેઠા હતા.  નેતાજી આ ગધેડાને જોઈને જ મારવા માટે ઊભા થયા પણ સેક્રેટરીએ તેમને શાંત રાખ્યા.

ગધેડા અને તેની માલિકની પરિસ્થિતિ કપરી થઈ. આગળ નેતાજી, એનો મિત્ર અને માણસો અને પાછળ પોલીસવાળા. બીચારો નેતાજીના પગ પકડીને રડવા લાગ્યો. આજીજી કરવા લાગ્યો કે એના ગધેડાને માફ કરી દો. નેતાજીનો મિત્ર આ બધુ જોઈને અને સાંભળીને માથું ખંજવાળવા લાગ્યા. નેતાજીને પૂછ્યું તયારે નેતાજીએ આખી વાત માંડીને કરી. નેતાજીનાે મિત્ર હસવા લાગ્યો. તેણે હસતા હસતા કહ્યું,”દોસ્ત આ તક છે. આને વેડફ નહીં. આપત્તિ આવી છે તો તેનો અવસર બનાવ.”

 

“શું બકવાસ કરે છે યાર તું,” નેતાજીએ સવાલ કર્યો.

“અરે તું સમજતો કેમ નથી. ચૂંટણી માથે ઊભી છે અને તું ગધેડાને સજા આપશે? આ વાત બહાર જશે તો તારી બદનામી થશે અને અત્યારે તો મીડિયા પણ ચડી બેસશે,” મિત્રની વાત સાંભળીને નેતાજી વિચારમાં પડ્યા. બાકીના બધા લોકો પણ કાન દઈને વાત સાંભળવા લાગ્યા. ગધેડો પણ એકીટશે આ ચાલબાજીને જોઈ રહ્યો.

“તું કહેવા શું માગે છે?” નેતાજીએ પ્રશ્ન કર્યો

“જો દોસ્ત. એમ ખબર પડશે કે એક ગધેડાએ તને લાત મારી તો તારી બદનામી થશે. તારી છબી દબંગ નેતાની છે. તને આખા રાજ્યમાં કોઈ હાથ લગાવી શકે એમ નથી અને આ ગધેડો તને પગ લગાવી એ ચલાવી ન લેવાય. જો તું આ ગધેડાને સજા આપશે તો બધા તારી ક્રુરતા જોશે. લોકોને આવો ક્રૂર નેતા ન જોઈએ.  તું ગાંધીગીરી બતાવ. તું આ ગધેડા પર દયા દાખવ અને સામેથી જ મીડિયાવાળાને બોલાવીને પ્રચાર કર,” મિત્રએ શ્વાસ લીધો.

“વાત ગોળ ગોળ ન ફેરવ શું કરું એ બોલ.” નેતાજી

 

“આ ગધેડાનું તું રાખી લે. આ ભાઈને થોડા પૌસા આપી દે જેથી એ બીજો ગધેડો ખરીદી શકે એટલે એ  કોઈને કહશે પણ નહીં. આપણે વાત એવી રીતે ઉડાવીએ કે વિપક્ષે આ માણસને પૈસા આપીને તારા પર એના ગધેડા વડે હુમલો કરાવ્યો. પરતુ તે દયા દાખવી આની પાસેથી એ ગધેડાને ખરીદી લીધો અને તને મારનાર ગધેડા પ્રત્યે નફરત ન રાખીને તું એના પર પ્રેમ વર્ષાવે છે. આમ તું હીરો થઈ જઈશ અને વિપક્ષની ચાલ નાકામ કરવાની સફળતાથી તને પક્ષમાં ટિકિટ પણ મળી જશે. લોકો તારો ગધેડા પ્રેમ જોઈને ચકિત પણ થશે અને વિપક્ષની બદનામી પણ થશે,” મિત્રએ ઉકેલ આપતા આપતા મૂછ મરડી.

નેતાજીને આ વિચાર ગમ્યો. તેણે ગધેડાને માલિકને સંબોધિન કહ્યું,”આ ગધેડો મારો છે હું તને એના ત્રીસ હજાર રૂપિયા આપીશ. કાંઈપણ રકઝક વગર રાખી લેજે.” આટલા નાણાંમાં બે ગધેડા આવશે એમ વિચારીને માલિકે હા પાડી દીધી. નેતાજીએ સેક્રેટરીને કહ્યું કે આ ગધેડા પાસે કામ ન કરાવતા અને સારું સારું ખવડાવજો. આ સાંભળીને ઊભારામ હાથ જોડીને નેતા પાસે આવ્યા અને કહ્યું,”સાહેબ ગધેડા પર દયા દર્શાવી તો અમારી વફાદારી માટે પણ જણાં આશિર્વાદ આપો.”

“બદલીની ભલાણ કરી દઈશ તારી બસ,” નેતાજીએ હસતા હસતા કહ્યું. ઊભારામ અને બન્ને હવાલદારો જેમ્સ બોન્ડની અદાથી નેતાજીના પરિસરમાંથી નીકળી ગયા.

 


- नीरज कंसारा

रचनाकार परिचय
नीरज कंसारा

पत्रिका में आपका योगदान . . .
गुजराती साहित्य (1)